પશ્ચિમ બંગાળ : સંતરાગાછી રેલવે સ્ટેશન પર ભાગદોડ, ૨ના મોત, અનેક ઈજાગ્રસ્ત

983

પશ્ચિમ બંગાળમાં સંતરાગચી રેલવે સ્ટેશન ખાતે ફુટ ઓવરબ્રિજ પર આજે ભાગદોડ જેવી ઘટના બની જતાં બે મહિલા સહિત ૧૪ લોકો ઘાયલ થયા હતા. સાઉથ ઇસ્ટર્ન રેલવે દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ એક જ સમયે સ્ટેશન ઉપર બે ઇએમયુ લોકલ ટ્રેનો અને એક્સપ્રેસ ટ્રેન આવી જતાં આ બનાવ બન્યો હતો. ટ્રેન પકડવા માટે યાત્રીઓ પ્લેટફોર્મ ઉપર દોડ્યા હતા. નાગરકોઇલ-શાલીમાર એક્સપ્રેસ તથા બે ઇએમયુ લોકલ ટ્રેનો એક સાથે સ્ટેશન ઉપર આવી ગઈ હતી. શાલીમાર-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ તથા સંતરાગચી-ચેન્નાઈ એક્સપ્રેસ ટૂંકમાં જ આવનાર હતી. પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ વચ્ચે આ ભાગદોડનો બનાવ બન્યો હતો. મોટી સંખ્યામાં યાત્રીઓ એ વખતે ટ્રેનમાંથી ઉતરી રહ્યા હતા અથવા તો તે જ વખતે ટ્રેન પકડવા માટે રાહ જોઈ રહ્યા હતા જેના પરિણામ સ્વરુપે ફુટ ઓવરબ્રિજ ઉપર ભાગદોડ મચી ગઈ હતી. ઘાયલ થયેલા ૧૪ લોકો પૈકી ૧૧ લોકોને સારવાર માટે હાવડા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ બનાવ બન્યા બાદ સ્ટેશન ઉપર અનેક એક્સપ્રેસ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. ઉપરાંત અનેક ઇએમયુ લોકલ ટ્રેનોને પણ રોકવામાં આવી હતી. દરરોજ આ સ્ટેશનનો ઉપયોગ હજારો યાત્રીઓ કરે છે. દક્ષિણ અને મધ્ય કોલકાતા વચ્ચે અવરજવર માટે આ સ્ટેશન ઉપયોગી રહે છે.

Previous articleઅસ્થાનાને રાહત : ૨૯મી સુધી ધરપકડ નહીં કરવા આદેશ
Next articleફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા સુપ્રીમનો સ્પષ્ટ ઇનકાર