અડગ અને મક્કમ નિર્ધારે સુપ્રિમ કોર્ટમાં વિજય અપાવ્યો : ગણેશનું તબીબ બનવાનું સ્વપ્ન સાકાર થશે

1027

તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા ખેડૂત પરિવારના ઘરે જન્મેલ ગણેશ બારૈયા જન્મથી જ વામનકદ ધરાવે છે. માત્ર ત્રણ ફુટની ઉંચાઈ અને ર૦ કિલો વજન ધરાવતો ગણેશ બાલ્યકાળથી જ અભ્યાસમાં તેજસ્વીતા ધરાવતો હતો. ગરીબ પરિવારે તળાજાની નિલકંઠ વિદ્યાપીઠમાં ધો.૧ર સાયન્સ સુધી અભ્યાસ કરાવ્યો. વિજ્ઞાન શાખામાં આ યુવાનને ૮૭ ટકા મેળવ્યા. જેનો ઉત્સાહ અને લગન જોઈને નિલકંઠ વિદ્યાપીઠના સંચાલક ડો.દલપતભાઈ કાતરીયા અને રૈવતસિંહ સરવૈયા પણ દંગ રહી ગયા.

આ યુવાનને ઉચ્ચ અભ્યાસ કરી તબીબ બનવું હોય પરંતુ વામન કદના કારણે તબીબ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળ્યો પરંતુ ઉત્સાહી વિદ્યાપીઠ સંચાલકો યુવાનની વ્હારે આવ્યા અને સમગ્ર મેટરને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી ત્યારે કોર્ટે પણ કહ્યું કે, આપાતકાલીન મેડીકલ સમયમાં આ કદના કારણે યુવાન દર્દીની સારવાર ન કરી શકે પરંતુ ત્યારબાદ મામલો સુપ્રિમ કોર્ટ સુધી ગયો જ્યાં જજએ સમગ્ર મેટરનો અભ્યાસ કરી વિદ્યાર્થી તરફી ચુકાદો આપ્યો. એટલું જ નહીં આવા કદ કાઠી ધરાવતા અન્ય વિદ્યાર્થીઓ તરફી ચુકાદો સુપ્રિમ કોર્ટે આપ્યો. કોર્ટે આપેલા ચુકાદાને લઈને ગણેશની ખુશીનો પાર ન રહ્યો. અત્યાર સુધીનો તમામ ખર્ચ નિલકંઠ વિદ્યાપીઠ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને જ્યાં સુધી ગણેશ અભ્યાસ કરશે તે તમામ ખર્ચ સંસ્થા ઉપાડશે. આ યુવાન સાથે તેને મદદરૂપ થનાર ટીમ જિલ્લા કલેક્ટરને મળવા પહોંચી હતી. જ્યાં કલેક્ટરે વામન-વિરાટની સિધ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleબેંકોના એકત્રીકરણનો વિરોધ
Next articleએમ.કે.ભાવ. યુનિ. દ્વારા ર૮મો ઐશ્વર્યમ યુવા મહોત્સવ યોજાશે