કલોલ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૬૭૩ ની એપ્રેન્ટીસ તરીકે પસંદગી

780

આજના યુવા વર્ગને તેનામાં રહેલી સ્કીલ મુજબનું કામ મળશે, તો તે અવશ્ય આગળ વધશે, તેવું કલોલની કે.આઇ.આર.સી એજ્યુકેશન કેમ્પસ, અમદાવાદ-મહેસાણા હાઇવેખાતે યોજાયેલ એપ્રેન્ટીસ ભરતી મેળાને ખુલ્લો મુકતાં ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોનેસ્કીલઅનુસારનું કામ મળશે તો તેના વિકાસ સાથે દેશના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી શકશે. જેથી રાજય સરકાર દ્રારા દરેક યુવાનને તેની સ્કીલ અનુસાર કામ મળી રહે તેવા ઉમદા આશયથી રાજયમાં મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજનાને અમલી બનાવી છે.

આ યોજના થકી આજે સ્કીલ ધરાવતા યુવાનો અને ઔધોગિક ગૃહો વચ્ચે સેતું રૂપ ભૂમિકા જિલ્લા વહીવટી તંત્ર અદા કરી રહ્યું છે. તેમણે  યુવાનોને જે કંપનીમાં કામ કરવાની તક મળે ત્યાં પુરા ખતથી કામ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ ઔધોગિક વસાહતોને પણ કંપનીમાં આવનાર યુવાનોને યોગ્ય તાલીમઅને માર્ગદર્શન આપી યુવાનમાં પડેલી પ્રતિભાને બહાર લાવવા માટેની પણ અપીલ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં આ યોજના થકી એક લાખ યુવાનોને એપ્રેન્ટીસ તાલીમ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ૪૮૦૦ યુવાનોને આ યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક છે, જેની સામે ૨૪૫૦ યુવાનોને આ યોજના થકી રોજગારી તક મળી છે. તેઓએ દરેક યુવાનોને નિષ્ઠા, ધગસ અને મન લગાવી કામ કરીને પોતાનું ભવિષ્ય સુવર્ણ બનાવવા જણાવ્યું હતું.

કલોલ ખાતે યોજાયેલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રેના  ૧૧૦  ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ નવ યુવાનોને તક આપવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કુલ- ૮૫૧ જેટલા ઉમેદવારોએ પોતાના નામની નોઘણી કરાવી હતી. આ મેળામાંથી ઔધોગિક એકમો દ્વારા કુલ- ૬૭૩ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. તથા ૧૫૦ જેટલા એપ્રેન્ટીસ કોન્ટ્રાકટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

આ ભરતી મેળાનો આરંભ કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ કંપનીના એપ્રેન્ટીસ તાલીમના કરારપત્રો યુવાનોને વિતરણ પણ કરવામાં આવ્યા હતા. કલેકટર એસ.કે.લાંગા અને કલોલ પ્રાંત અધિકારી નેહાકુમારીએ એપ્રેન્ટીસ ભરતી મેળાની વિવિધ તબક્કાની કાર્યવાહી અને સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.

Previous articleવડોદરાના રસ્તાનું ડામર કામ યોગ્ય નહીં થતું હોવાની ફરિયાદ  : ગ્રામજનોમાં ભારે રોષ
Next articleદેહગામમાં જિ.ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા વાલ્મિકી જયંતીની ઉજવણી