ઈડર યાર્ડમાં મગફળીના ભાવ મુદ્દે ખેડૂતોનો હોબાળો

790

ઇડર માર્કેટ યાર્ડમાં  મગફળીના ભાવને મામલે ખેડૂતોએ હોબાળો મચાવતા હરાજીની કામગીરી ખોરવાઈ ગઈ હતી. ખેડૂતોની માંગ હતી કે પોષણક્ષમ ભાવે હરાજી શરૃ કરવામાં આવે સાથે જ માલના નાણાં જે તે દિવસના ચેકરૃપે ચૂકવવામાં આવે આ સામે વેપારી જેવો માલ તેવા ભાવે ખરીદી કરવા માંગતા હોવાથી ડખો સર્જાયો હતો. જો કે માર્કેટ સત્તાધીશો તથા સેક્રેટરીની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડતાં બપોરે ફરીવાર હરાજીની કામગીરી આરંભાઈ હતી.

ઇડર તાલુકામાં હાલમાં મગફળીની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. મગફળીની નવી આવક સાથે જ માર્કેટ યાર્ડ ધમધમવા લાગ્યું છે.

યાર્ડમાં રોજની ૧૫૦થી ૨૦૦ વાહન જેટલી મગફળીની આવક સાથે જ ફરી એકવાર ભાવને મામલે ડખા શરૃ થઈ ગયા છે. શનિવારે ૧૫૦ જેટલા ટ્રેક્ટર ભરી ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા.

દરમિયાન હરાજીની કામગીરી શરૃ થયા બાદ એક ખેડૂતની મગફળીના ભાવ ૨૦ કિ.ગ્રા.એ ૮૫૬ જેટલા નીચા બોલાતા જ ખેડૂતો વિફર્યા હતા. ખેડૂતોની માંગ હતી કે ૨૦ નંબર મગફળીની હરાજી ઓછામાં ઓછા રૃા. ૯૦૦ રૃપિયાથી તથા ૨૪ નંબરની હરાજી ૧૦૦૦થી શરૃ કરવામાં આવે. સામે વેપારીઓ સંમત નહોતા. વેપારીઓનું કહેવું હતું કે જેવો માલ તેવા ભાવે ખરીદી કરાશે.

જેને પગલે બંને પક્ષો સામ-સામે આવી જતાં હોબાળો મચી ગયો હતો અને હરાજીની કામગીરી ખોરવાઈ ગઈ હતી. હરાજી અટકી પડયાની જાણ થતાં જ માર્કેટ યાર્ડના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, વા. ચેરમેન કે. સી. પટેલ તથા સેક્રેટરી ઇન્દ્રજીતસિંહ ચંપાવત દોડી આવ્યા હતા.

આ લોકોએ પ્રથમ તો ખેડૂતો સાથે મિટિંગ કરી પોષણક્ષમ ભાવ તથા જે તે દિવસનો ચેક અપાવવાની હૈયાધારણ આપી ખેડૂતોનો રોષ ઠંડો પાડયો હતો. ત્યારબાદ વેપારીઓ સાથે પણ તાબડતોબ મીટીંગ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા મનાવી લીધા હતા.

માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવને મામલે સર્જાયેલા ડખા અંગે ખેડૂત અગ્રણી જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો ૨૦ નંબરની મગફળીની હરાજી ૯૦૦ રૃપિયાથી તથા ૨૪ નંબરની હરાજી ૧૦૦૦થી શરૃ થાય તેમ ઇચ્છી રહ્યા છે.

આ ભાવથી ઓછા ભાવે મગફળી વેચાય તે ખેડૂતોને પોષાય તેમ નથી. છતાં વેપારીએ ૮૫૬નો ભાવ બોલતાં જ હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોની માંગ છે કે તેઓને માલ વેચાણના નાણાં જે તે દિવસના ચેક રૃપે ચૂકવાય. જ્યારે કે કેટલાક વેપારી ખેડતને ચાર- પાંચ દિવસ ફેરનો ચેક આપી રવાના કરી દેતા હોય છે.

Previous articleમોડાસામાં ગર્ભ પરીક્ષણ કરતા તબિબ સહિત ત્રણ ઝડપાયા
Next articleગાંધીનગર ખાતે શિબિરને ઇશ્વરભાઇ પરમારના હસ્તે ખુલ્લી મુકાઇ