ગાંધીનગર ખાતે શિબિરને ઇશ્વરભાઇ પરમારના હસ્તે ખુલ્લી મુકાઇ

0
498

વિચરતી વિમુકત જાતિ મહાસંધ, ગુજરાતના તત્વધાનમાં ગુજરાતની ૪૦ જાતિઓના સર્વાંગી વિકાસના મનોમંથન માટે આજરોજ ગાંધીનગરના ટાઉન હોલ ખાતે સમાજના કર્મઠ કાર્યકરો, આગેવાનો અને અધિકારીઓનો એક દિવસીય શિબિર યોજાઇ હતી. આ શિબિરને રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી.

આ શિબિરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિ મળી કુલ- ૪૦ જાતિઓનો વિચરતી વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ થાય છે. આ સમાજના લોકો ખમીરવંતા છે. તેઓ પર મા સરસ્વતીની કૃપા છે. જેથી આ જાતિ પાસે અનેક કલા- કળાઓ હોવાથી પોતાનું ગુજરાન ચલાવે છે. આ સમાજને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર કટિબધ્ધ છે, તેવું કહી મંત્રીએ સર્વ સમાજના અગ્રણીઓને સમાજના તમામ બાળકને શિક્ષણ મળે તે દિશામાં નક્કર આયોજન કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ સમાજમાં શિક્ષણ વધશે, તો કેવું પરિવર્તન આવશે, તેની પણ દષ્ટાંત પૂર્વક વાત કરી હતી.

તેમણે આ સમાજમાં શિક્ષણ વધે તે માટે રાજય સરકારે અમલી બનાવેલ વિવિધ યોજનાઓની વિસ્તૃત વાત કરીને આંકડાકીય વિગત આપી હતી. તે ઉપરાંત સમાજના યુવા વર્ગને પગભર બનાવવા માટેની અને વિદેશ અભ્યાસ સુધીની વિવિધ યોજનાઓની પણ જાણકારી આપી હતી.

સમાજ કલ્યાણ વિભાગના અધિક સચિવ અને નિયામક  કે.જી.વણઝારાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને આ સમાજમાં રહેલી ત્યાગ અને બલિદાનની ભાવનાને બિરદાવતી અનેક રસપ્રદ વાતો પોતાની આગવી શૈલીમાં રજૂ કરી હતી. તે ઉપરાંત સમાજ ઉત્થાન માટે રાજયમાં ચાલતી વિવિધ યોજનાઓની વાત કરીને સમાજના અગ્રણીઓને આ યોજનાઓના લાભ સમાજના છેવાડા વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન કરવા માટે પણ અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here