ગાંધીનગરમાં સ્વાઇન ફલૂના વધુ બે દર્દીઓ મળી આવ્યા

792

ગાંધીનગર શહેરમાં સ્વાઇનફલૂના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. સેક્ટર-૨૫માં રહેતી ૫૬ વર્ષિય મહિલા ઉપરાંત સેક્ટર-૩ની ૧૫ વર્ષિય કિશોરી એચવનએનવન પોઝિટિવ આવતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શહેરમાં આ સાથે પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૩ સુધી પહોંચી ગયો છે.

ગાંધીનગર જિલ્લામાં  અત્યાર સુધી સ્વાઇનફલૂના ૫૦ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે જેમાં સાતના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ગઇકાલ સુધી ૧૧ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં હતાં. તેમાં આજે વધુ બે દર્દીનો વધારો થયો છે.  આ અંગે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર-૩માંથી વધુ એક પોઝિટિવ દર્દી સામે આવ્યો છે. સેક્ટર-૩માં રહેતી  ૧૫ વર્ષિય કિશોરીને ઘણા વખતથી ગળામાં બળતરા સહિત શરદી – કફ અને તાવની સમસ્યા હતી. જેને લઇને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. તે દરમિયાન તબીબે તેમનો એચવનએનવન રીપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમની સારવાર સઘન બનાવી દેવામાં આવી છે આ ઉપરાંત સેક્ટર-૨૫માં રહેતી ૫૬ વર્ષિય મહિલા પણ સ્વાઇનફલૂમાં સપડાઇ છે. આ પોઝિટિવ મહિલા દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ સાથે ગાંધીનગર શહેરમાં સ્વાઇનફલૂના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૩ થઇ ગઇ છે. ગાંધીનગર શહેરમાં હજુ સુધી સ્વાઇનફલૂથી મોત નિપજ્યું નથી. ત્યારે આ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલાં ઘરના સભ્યો તેમજ રહેણાંકની આસપાસના વિસ્તારમાં ખાસ સર્વેલન્સ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાંથી કુલ ૧૩ પોઝિટિવ દર્દી મળ્યાં છે. જેમાં ચાર દર્દીઓ સેક્ટર-૩ના હોવાનું સામે આવ્યું છે. જેને લઇને આ સેક્ટર સ્વાઇનફલૂને લઇને સંવેદનશીલ હોવાનું લાગી રહ્યું છે.

Previous articleઝીકા વાયરસના પગલે ગુજરાતમાં પણ અગમચેતી
Next articleગાંધીનગર : દિવાળી બાદ ફરી ઇ-મેમો સિસ્ટમ શરૂ, બહારના ચાલકો પણ દંડાશે