નિંદા ન કરે પણ નિદાન કરે એ સદગુરૂ – પૂ.બાપુ

1085

આજની કથા પ્રારંભે નીત્યસ્વરૂપ સ્વામિજીએ કહ્યું કે બાપુના મુખથી રામકથાનું શ્રવણ કરવું એ આપણા પરમ સદ્‌ભાગ્યની વાત છે. કથાના પ્રારંભે જ પૂજય બાપુ બાપ શબ્દનું જે ઉચ્ચારણ કરે છે એ જાણે કે બ્રહ્માંડમાં પડઘાતા ઓમ કારના પ્રણવાનદ સમાન અનુભવાય છે. શ્રાવકોનું એ નાદ સાથે જ વ્યાસપીઠનું અનુસંધાન સધાઈ જાય છે.

માનવ ત્રિભુવનના પ્રારંભે આજના ગૌરવપ્રદ રાષ્ટ્રીય એકતા દિવસના સંદર્ભમાં રાષ્ટ્રના લડવૈયા જ નહીં પણ ઘડવૈયા એવા લોહપુરૂષ સરદાર પટેલનું ભાવપૂર્ણ સ્મરણ કર્યું. આજે સરદાર પટેલની વિરાટ પ્રતિમાના અનાવરણ બદલ રાષ્ટ્રને મુબારકબાદ આપ્યા.

બાપુએ કહ્યું કે હું બધા સાથે પ્રમાણિક ડીસ્ટન્સ રાખું છું પણ જયારે રાષ્ટ્ર ગૌરવ અને રાષ્ટ્રહિતની વાત હોય ત્યારે હું અવશ્ય સંદેશ પાઠવું છું. બાપુએ પુરા રાષ્ટ્રને સરદાર પટેલ સાહેબના આ દિવસના અભિનંદન પાઠવ્યા. અત્યારે વિશ્વની સૌથી ઉંચું સરદારની પ્રતિમા લોકાર્પિત થઈ શકે. સ્પર્ધાના જગતમાં પ્રતિમા તો કદાચ કોઈ એનાથી ય ઉંચી બનાવશે પણ સરદારની પ્રતીભા કયાંથી લાવશે? દુનિયામાં સરદાર જેવી પ્રતિભા પેદા નહીં થઈ શકે. આવી વૈશ્વિક પ્રતિભાની પૂજય બાપુએ સ્મરણવંદના કરી. આ પ્રસંગે શાસક પક્ષ અથવા તો શાસક પક્ષને જાગૃત કરનાર કોઈ રાજકિય પક્ષો આ ઘટનામાં રાજનીતિ ન લાવશો એવી આ સાધુની અપીલ છે. એવો પૂજય બાપુએ રાષ્ટ્રને સંદેશ આપ્યો. રાજપીઠના આ નિર્ણયને વ્યાસપીઠે વધાવીને સરદારને આ પ્રસંગે અંજલી અર્પણ કરી. બાપુએ કહ્યું કે એક અર્થમાં આજનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ છે. એ એકતા યજ્ઞ છે.

વ્યાસપીઠની દ્રષ્ટીએ જગતમાં નવ પ્રકારના ગુરૂ હોય છે. એમાં સર્વોચ્ચ ગુરૂપદ ત્રિભુવન ગુરૂ છે. વિશ્વની દ્રષ્ટીએ ત્રિભુવન ગુરૂ એટલે કૈલાસપતિ મહાદેવ. અધયાત્મ જગત દ્રશ્યને જોવે છે. સાથે દ્રષ્ટાને પણ જુએ છે જયારે ભૌતિક જગત માત્ર દ્રશ્યને જોવે છે સાથે દ્રષ્ટાને પણ જુએ છે જયારે ભૌતિક જગત માત્ર દ્રશ્યને જુએ છે.

પીરના-સદગુરૂના પરિચયના પાંચ તત્વો છે. એક જયા પરદો ન હોય તે પીર. પરદો એટલે પાખં, દંભ ગાંધી બાપુની સામે મુસ્લિમ મહિલાઓએ મુખપરથી પરદો હટાવી દીધો અને કહ્યું કે પીર કે સામને પર્દા કયા ? પીરત્વને પર્દો નહીં, કોઈ ભેદ નહીં બીજું – જયાં પ્યાલો હોય એનું નામ પીર પ્યાલો એટલે પ્રેમનો પ્ય્લો, નુરાની ઈશ્કનો, દેવતાઈ મહોબ્બતનો પ્યાલોએ પીરત્વનું બીજું લક્ષણ છે. ગુરૂએ એકવાર ભરી દીધો એ પ્યાલો કદી ખુટશે નહીં એ અક્ષયપાત્ર છે.  ત્રીજુ, જયા પરચા હોય ત્યાં પીર, પીરત્વનું ત્રીજું લક્ષણ પરચો જે કદી રડ્યો ન હોયએ બુદ્ધ પુરૂષના પગમાં પડીને ઉભો થાય ત્યાં આંખ ભીની થઈ જાય એ પરચો. પરચો એટલે ચમત્કાર નહીં, પરિચય કથામાં જે વ્યવસ્થા થાય, રસોડા ચાલે એ બધાને કરનાર કોઈ પરમતત્વ છે એ યાદ રાખજો. એ અર્થમાં પીરત્વનું ત્રીજુ લક્ષણ પરચો છે. આપણે સાવજ હોઈએ પણ બુલ પુરૂષ પાસે ગાય જેવા થઈ જઈએ તે પરચો ચોથું, વિશ્વમાં કોઈને પામર ન ગણે તે પીર. પાંચમું, જગતમાં ગમે તેટલા પદ મળે છતાં ગર્વન કરે તે પીર.

બાપુએ નવ પ્રકારના ગુરૂ ગણાવ્યા. એક તો ગુરૂ, ગામડામાં વ્યકિતને જે મંત્ર આપે તે ગુરૂ. ભલે એનેકાનગુરૂ કહો. કાનગુરૂ સૌથી પહેલા ગુરૂ છે જે તમારા કાનમાં રામમંત્ર આપે છે. બીજો કુલગુરૂ જે આખા કુળનો ગુરૂ હોય. ત્રીજો રાજગુરૂ, રજવાડાનો ગુરૂ ચોથા ધર્મગુરૂ ધર્મગુરૂ એક નથી હોતા. સહુના ધર્મગુરૂ અલગ-અલગ હોય. દેરક ધર્મના ધર્મગુરૂ અલગ હોય, પણ એનો બેસવાનો મંચ એક જ હોય એ એકતા યજ્ઞ છે. પાંચમાં સદગુરૂ સદગુરૂ એક જ હોય કાં તો એક હોય અને વધી વધીને ચાર હોય. રામચરિત માનસમાં ચાર સદગુરૂ છે. સદગુરૂ જ્ઞાન વૈરાગ્ય આપે, સદગુરૂ આપણી નાથને ડુબવા ન દે, આપણા સંશયને દુર કરે અને ચોથો સદગુરૂ નહીં, ભ્રમ મીટાવે એ સદગુરૂ નિંદા ન કરે પણ નિદાન કરે એ સદગુરૂ જેનામાં જ્ઞાન, વૈરાગ્ય અને યોગ ભરપુર હોય એ સદગુરૂ આશ્રીતની જીવન નૌકા હાલક ડોલક થાય ત્યારે જે કર્ણધાર બનીને આવે એ સદગુરૂ છઠ્ઠા જગતગુરૂ, શંકરાચાર્ય, મહાવાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભભાઈ જગતગુરૂ આખા જગતના ગુરૂ છે. તુલસી કહે રામ જગતગુરૂ છે, કૃષ્ણ પણ જગતગુરૂ છે. સાતમા સુરગુરૂ, દિવગુરૂ બ્રહસ્પતિ, તુલસી (અસુરગુરૂ) શુક્રાચાર્યને ગણાવે છે. આઠમાં રાજગુરૂએ બધાથી ઉપર નવમાગુરૂ ત્રિભવન ગુરૂ ત્રિભુવનદાદા બાપુના માટે આ નવે પ્રકારના ગરુૃ છે. ત્રિભુવનદાદાએ ત્યાગ અને બલિદાન આપતા શીખવ્યું એ અર્થમાં તેઓ બલિગુરૂ પણ છે.

શંકરની ત્રિભુવન પરંપરાપણ ધ્યાનથી શરૂ થઈ છે. પણ એ ધ્યાન રસપુર્વકનું ધ્યાન છે, શુષ્ક ધ્યાન નથી. મારા ત્રિભુવનદાદા પણ રામજી મંદીરમાં બેરખો ફેરવતા બંધ આંખે બેઠા હોય ત્યારે તેમની આંખમાંથી આસું સરતાએ એમનું રસપુર્વકનું ધ્યાન હતું. શિવનું સાધન ધ્યાન છે, સાધ્ય પણ ધ્યાન છે. બીજો ગુરૂ જીવન. પરમાર્થની છાયામાં આપણું જીવનનિર્વાહ થાય એવું જીવન એ જીવનગુરૂ શંકર જેવું સહજ જીવન કોનું છે, સાહેબ? પછી નારાયણ, શિવ નારાયણને અને નારાયણ શિવને શ્રેષ્ઠ માને છે. નારાયણ ગુરૂ છે. પછી પ્રેમએ ગુરૂતત્વ છે. શિવે કહ્યું છે હરિવ્યાપક સર્વત્ર સમાન, હોઈ પ્રકટ પ્રેમ તેં જાના શિવ પ્રેમપરંપરાના છે. પછી રઘુવંશી રામના ગુણગાન ગાવએ રઘુરામ ગુરૂ ત્યાર બાદ ત્રિભુવન ગુરૂ જે પ્રભુના દાસ બનીને રહે, એ બાપુની અને શિવની બનેની પરંપરા છે. પણ જે સૌથી ઉપર છે – ત્રિભુવન ગુરૂ એ મારા ઘરના ખૂણામાં પહેલા આવ્યા એ મારૂ સદભાગ્ય છે.

કથાના ક્રમમાં પૂજય બાપુએ આજે શિવ પાર્વતિના વિવાહનું રસપુર્ણ વર્ણન કર્યું. ભગવાન શંકરે લગ્ન કરવા સંમતિ આપી પણ સ્વાર્થી દેવતાઓ તો પોતાના શણગાર અને તૈયારીમાં લાગી ગયા. ગ્રામગિરામાં લોકરંજન કરાવતા બાપુએ હાસ્ય-રમુજ સાથે માનસના શિવિવાહનું પોતાની આગવી શૈલીમાં વર્ણન કરી ઉપસ્થિત શ્રાવકોને ડોલાવ્યા. માનસના દુહા-છંદ અને તલગાજરડી આગવી ભાષામાં શિવવિવાહનું રમુજી વર્ણ કરી, બાપુએ શ્રોતાઓને ઉલ્લાસિત બનાવ્યા. શિવવિવાહ સાથે પૂજય. બાપુએ આજની કથાને વિરામ આપ્યો.

શિવ-વરના સંકેતો

જીવના માથા ઉપર જનમજનમની ઝાંઝાળ હોય છે. સંસારી જીવે પરણવા જાય ત્યારે સમજવું જોઈએ કે આ ઝંઝાળમાંથી છૂટી શકાવાનું નથી. ઝંઝાળને જે શુંગાર બનાવે તે શિવ. શિવની જટામાંથી ગંગા નિકળે છે એમ સંસારીના મસ્તિષ્કમાં કથાની ગંગા હોવી જોઈએ. આભુષણ પહેરો પણ આભુષણમાં આસકત થશો તો ભુજંગની જેમ દંશ દેશે. સંસાર ચાલે, વંશ ચાલે પણ આ શરીર એકવાર ચિત્તાની ભસ્મ થવાનો જ છે એ યાદ રાખજો. જીવનમાં ત્રણ પ્રકારના શૂલ આવશે એને સંભાળતા શીખજો. લગ્ન કરો ત્યારે સવારી અધર્મ ઉપર નહીં, ધર્મ ઉપર હોવી જોઈએ. વસ્ત્રમાં કરી ભાગે મૃગચર્ય પહેર્યુ અને શંકરે બતાવ્યું કે સંસારમાં ખુલ્લા મનમાં રહેજો. કપટ ન કરશો. ભુત એટલે ભૂતવાદી વિચાર પ્રેત એટલે ભવિષ્યવાદી વિચાર આવા ભૂત-પ્રેત આપણા સારા-નરસા વિચારો આપણને ઘેરી વળે છે જે જીવને શિવ બનવા દેતા નથી. ધર્મના વૃષભ પર જે ચડે તેનું જીવન પછી પલ્ટાઈ ન જાય તો એ ધર્મ શું કામન? એટલે જ શિવજી વૃષભ પર ઉંધા બેસે છે.

શ્વેત અશ્વોવાળા ત્રણ રથ

રામાયણમાં સુમંત જયારે રામ-લક્ષ્મણ- જાનકીને વનગમન માટે મુકવા જાય છે. ત્યારે દાદાગુરૂએ ત્રણ રથનું વર્ણન કર્ય્‌ એક સુર્યનો રથ, જેના ઘોડા શ્વેત છે, બીજો રામને તેડવા દશરથે મોકલેલ રથ જેનો સારથી સુમન્ત છે અને ઘોડા શ્વેત છે અને ત્રીજો મહાભારત મધ્યે કૃષ્ણ જેના સારથી હતા તે અર્જુનનો રથ જેના ઘોડા પણ શ્વેત છે.

રામરથના ઘોડા રાવિરહ પછી રામને છોડીને પાછા આવતા નથી તમસા તટે માંડ માંડ સુમંત પહોંચાડે છે. જયારે એક ઘોડો છ વખત રામ નામ લઈ, તમસા કિનારે માથું ઢાળી દે છે. ત્રણે ઘોડા અને સુમંત દુખી થાય છે. મરતી વખતે છોડાનો અંતરાત્ન્મા કહે છે કે એને ફેરી કોઈ કુળમાં ઘોડો થઈને જન્મવું છે. ત્યારે સુર્યના ઘોડાઓએ એને રાણા પ્રતાપનો ચેતક ઘોડો બનવાનો આશિર્વાદ આપ્યા. આમ ચેતકમાં સુર્યન તેજ છે. કૃષ્ણ ઘોડાઓએ ચેતકને યુદ્ધની વ્યુહ રચના આપી અને રામના અશ્વોએ એને રઘુકુળનું શીલ અને વિવેક આપ્યા.

આજના અતિથિઓ

આજે ભાગવાતા ચાર્ય, શરદભાઈ વ્યાસ, વિસામણ બાપુની જગ્યાના મહંત પૂજય નિર્મલાબા, સત્તાધારના ગોવિંદબાપુ, સરધારના નીત્ય સ્વરૂપ સ્વામિ, બારપટોળીથી પધારેલ સાધ્વીજી, છાકરદેવરાના રામબાપુ, ગોંડલના અર્જુન ખાટરિયા, એકલબારા ગાદીપતિ કબીરભાઈ પીરઝાદા, નાનાભાઈ રોયલા, હિંમતભાઈ ખેની વગેરે મહાનુભાવોએ પોથીની ભાવવંદના કરી.

અરસ પરસનો વંદનિય ભાવ

દિલ્હીમાં જયારે સારદાર પટેલ ઔરંગઝેબ રોડ પર રહેતા હતા ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સરદારના ઘેર જાય છે. અને કહે છે કે અઢારસો પાદરનું આ રજ તમે લઈ લો અને મને આ ભારથી હળવો કરો ત્યારે સારદાર પટેલ કહે છે કે રાજ આપ્યા પછી તમે કામ શરૂ કરશો ? ત્યારે મહારાજા કહે છે કે હું ખેતી કરીશ અને ગૌશાળા સંભાળીશ ત્યારે સારદાર મહારાજા કૃષ્ણકુમારને કહે છે કે તમે સવાયા પાટીદાર નિકળ્યા એ વખતે મહારાજા કહે છે કે તમે સવાયા ક્ષત્રિય નિકળ્યા – આ અરસપરસનો ભાવ વંદનિય છે. બાપુએ બારડોલીમાં માનસ લોહપુરૂષ કથા કરી છે અને બાપુ પ્રતિવર્ષ એકવાર બારડોલી આશ્રમમાં જાય છે અને જે રૂમમાં ગાંધીજી અને સારદાર રહેતા એ જ રૂમમાં બાપુ રહે છે.

રત્નકણિકા

*       પ્રેમ પ્રેમ છે. ગમે તે ધર્મનો બંદો હોય પણ છેલ્લા માણસનું ધ્યાન રાખે એવા વ્યકિતની રાષ્ટ્રને જરૂર છે.

*       સદગુરૂ બનાય નહીં, પ્રયાસથી ન બની શકાય, પ્રસાદથી બની શકાય.

*       લીલુડો ઘોડો એટલે સૃષ્ટીનો હરિયાળો રંગ કોઈ દૈવીતત્વ આપણા હૃદયમાં બેસે પછી બધું લીલુછમ્ય થઈ જાય.

*       પ્રેમી વિરહને વિષની જેમ પી જાય. પ્રેમનું એ લક્ષણ છે.

*       સાચો પ્રેમ ફરજ નિભાવે, ફરજને તુરવા ન દે.

*       આ દેશને વિશ્વને બીડ કરવાનો અધિકાર છે. આ દેશનું ભાગ્ય વિધાતાએ નહીં, સાધુતાએ લખ્યું છે.

*       આ રાષ્ટ્રનું ભવિષ્ય બહુ ઉજળુ છે કારણ કે અહીં સાધુતા ઘરબાયેલી છે.

*       આદિ ગુરૂએ ગામડામાં રહેલા બાવલિયાઓ છે અને અનાદિગુરૂ મહાદેવ છે.

*       સહજ જીવન જ સાધના છે. સાધનાને જીવનથી જુદું ન પાડી શકાય.

*       જીવ સ્વયં શિવ છે – જો ચિદાનંદરૂપ બને તો !

*       રામકથા શિવિવાહ છે. શિવને પામવા અસંગ બનવું પડશે.

*       શિવતત્વ અને શક્તિતત્વની ઓળખ કોઈ સદગુરૂ કરાવી શકે.

Previous articleમેડિકલ વિદ્યાશાખામાં હિમોફિલીયાની ખામીનું ચેપ્ટર સામેલ કરવું જોઈએ – રાજયપાલ કોહલી
Next articleબરવાળા હાઈવે પરથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો : ર ફરાર