કાશ્મીર : બડગામમાં વધુ બે ત્રાસવાદીને ઠાર કરી દેવાયા

936

જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ આજે સવારે મોટુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. આ એન્કાઉન્ટરમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. બાતમીના આધાર પર સેનાએ સફળ ઓપરેશન પાર પાડ્યુ હતુ. કેટલાક ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા બે ત્રાસવાદીઓ ફુંકાઇ ગયા હતા. હાલના દિવસોમાં અનેક ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા છે. શુક્રવારના દિવસે બે ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. તે પહેલા છ ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. ગઇકાલે બુધવારે ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા અને આજે ગુરૂવારે વધુ બે ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા.

આની સાથે જ છેલ્લા છ દિવસના ગાળામાં જ ૧૩ ત્રાસવાદીને ઠાર કરી દેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ગઇકાલે બુધવારે થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બંને ત્રાસવાદીઓ જૈશના હોવાનું જાણવા મળ્યું છે. જૈશે મોહમ્મદે પણ નિવેદન જારી કરીને વિડિયોમાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળક હૈદર તરીકે કરી છે. ગયા સપ્તાહમાં ત્રાલ વિસ્તારમાં સેનાના એક જવાન અને બીએસએફના એક જવાનનું સ્નાઇપર હુમલામાં મૃત્યુ થયું હતું. શનિવાર રાતથી ત્રાસવાદી હુમલા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી ત્રાસવાદીઓ સામે જોરદાર અથડામણ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરોનો દોર જારી રહ્યો છે. દક્ષિણ કાશ્મીરમાં ત્રાલ અને બારામુલ્લા બાદ સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરમાં અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે. અગાઉ અહીંના સોપોરેમાં ત્રાસવાદીઓની સામે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ગુરુવારના દિવસે સુરક્ષા દળોએ બે જુદી જુદી અથડામણમાં છ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સોપોરેના પઝલપોરા ગામમાં છુપાયેલા ત્રાસવાદીઓએ એકાએક સુરક્ષા દળો ઉપર ગોળીબાર કર્યો હતો. જેનો તરત જવાબ આપવામાં આવ્યો હતો.હાલમાં સુરક્ષા દળો અને ખાસ કરીને સેના જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છેલ્લા બે વર્ષના ગાળા દરમિયાન ફુંકાઇ ચુક્યા છે.

બીજી બાજુ ત્રાસવાદીઓ પણ નવી વ્યુહરચના હેઠળ હાલમાં હુમલા કરી રહ્યા છે જેમાં ત્રાસવાદીઓ રજા પર જઇ રહેલા પોલીસ જવાનો અને સુરક્ષા જવાનો પર હુમલા કરી રહ્યા છે. જેમાં છેલ્લા  કેટલાક દિવસથી અનેક જવાનો શહીદ થયા છે. ૧૩થી વધુ જવાનોને ત્રાસવાદીઓ ટાર્ગેટ બનાવી ચુક્યા છે. આવી સ્થિતીમાં સુરક્ષા દળો પર આક્રમક રીતે આગળ વધી રહ્યા છે.

Previous articleઅસ્થાનાની સામે કાર્યવાહી મામલે યથાસ્થિતિનો હુકમ
Next articleરામ મંદિરના પ્રશ્ને પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવા તૈયારી