માર્કેટયાર્ડોની હડતાળ પાંચમા દિવસેય જારી રહેતા ભારે રોષ

912

સૌરાષ્ટ્રમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે ચાલી રહેલી સૌરાષ્ટ્રના ૨૫થી વધુ માર્કેટ યાર્ડોમાં આજે સતત પાંચમા દિવસે હડતાળ  યથાવત્‌ રહી હતી. દિવાળીના તહેવારોમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં હડતાળનો સન્નાટો અને કામગીરી ઠપ્પનો માહોલ છવાઇ રહ્યો છે. આજે પાંચ દિવસની હડતાળ બાદ પણ હજુ સુધી રાજય સરકાર તરફથી કોઇ જ હકારાત્મક પ્રતિસાદ સુધ્ધાં નહી દાખવાતાં માર્કેટયાર્ડના વેપારીઓ સહિતના આગેવાનોમાં ભારોભાર નારાજગી ફેલાઇ હતી. બીજીબાજુ, દિવાળીના તહેવારો વચ્ચે માર્કેટયાર્ડના વેપારીઓ અને સરકાર વચ્ચેની લડાઇમાં સામાન્ય ખેડૂત પીસાવાનો વારો આવ્યો છે. તો, વિપક્ષ કોંગ્રેસે પણ ભાવાન્તર મુદ્દે સરકારના અહંકારી વલણને લઇ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના વેપારીઓ ભાવાન્તરની લડત મુદ્દે મક્કમ હોઇ હવે સરકારની સામેની લડતમાં રાજયના અન્ય માર્કેટ યાર્ડોને પણ જોડવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે બીજીબાજુ, દિવાળી તાકડે માર્કેટ યાર્ડોની હડતાળને પગલે ખેડૂતોની હાલત ભારે કફોડી બની રહી છે. આજે ધનતેરસરના દિવસે પણ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં જાણે કાગડા ઉડતા હતા અને ભારે સન્નાટો છવાયેલો રહ્યો હતો. આજે સતત પાંચમા દિવસે માર્કેટ યાર્ડોની તમામ કામગીરી ઠપ્પ રહી હતી.

જેન પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડયા છે. હડતાળના આજે પાંચમા દિવસે પણ રાજય સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ નહી સાંપડતાં માર્કેટ યાર્ડના વેપારીઓ અને એપીએમસી ટ્રેડર્સના આગેવાનો પોતાની લડત પર અડગ રહ્યા છે. જયાં સુધી મુખ્યમંત્રી ભાવાન્તર મુદ્દે વાતચીત નહી કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે લડતને વધુ ઉગ્ર અને અસરકારક બનાવવા સૌરાષ્ટ્ર ઉપરાંત રાજયના અન્ય જિલ્લાના માર્કેટ યાર્ડોને હડતાળ અને લડતમાં જોડવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ માટે આગામી દિવસોમાં મહત્વની બેઠકોનો દોર યોજાય તેવી શકયતા છે. જો કે, હાલ તો સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડના વેપારીઓ અને એપીએમસી ટ્રેડર્સના આગેવાનોમાં સરકારના અસહકારભર્યા વલણને લઇ ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે, આગામી દિવસોમાં હડતાળનો સમગ્ર મામલો ગરમાય તેવી પૂરી શકયતા છે કારણ કે, તમામ વેપારીઓ લાભ પાંચમ પછી પણ હડતાળ ચાલુ રાખવાના મૂડમાં છે.

 

Previous articleલાભ પાંચમથી ગુજરાતમાં બિન ખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થશે
Next articleગાંધીનગરમાં દિપડાએ દેખા દીધા બાદ સફળ ઓપરેશન