સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આનુષાંગિક ભાગો નિહાળવાના દરો નિયત કરાયા

1400

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકાર્પણ કરાયું છે. જેના આનુષાંગિક ભાગો નિહાળવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં પુખ્ત વયના પ્રવાસીઓ માટે બસ ટીકીટના દર રૂ.૩૦, એન્ટ્રી ટીકીટ, સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.૧૨૦ તથા એન્ટ્રી ટીકીટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના દર રૂ. ૩૫૦ રહેશે.

૩ વર્ષથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે બસ ટીકીટના દર રૂ.૩૦, એન્ટ્રી ટીકીટ, સ્ટેચ્યૂ બેઈઝપ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.૬૦ તથા એન્ટ્રી ટીકીટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના ટીકીટના દર રૂ.૨૦૦ નિયત કરાયા છે, એમ સરદાર સરોવર નર્મદા નિગમની યાદીમાં જણાવાયું છે.

આ તમામ ટીકિટો શ્રેષ્ઠ ભારત ભવન ઉપરાંત મેમોરીયલ અને વીઝિટર સન્ટર પરથી મેળવી શકાશે, તેમજ WWW.SOUTICKETS.IN પરથી ઓનલાઇન બુકીંગથી પણ ટીકિટ મેળવી શકાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી તથા પ્રદર્શન હૉલની પ્રવાસીઓ માટેની દૈનિક ક્ષમતા પૂર્ણ થયે ઓન લાઇન ટીકિટ બુકીંગ આપો આપ બંધ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બધીજ ટીકીટોના વેચાણનો સમય સવારના ૮ઃ૩૦ કલાકથી બપોરનાં ૧૬ઃ૦૦ કલાક સુધીનો રહેશે. તથા દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પ્રદર્શન અને વ્યુ-ગેલેરી બંધ રહેશે. શાળાના વિદ્યાર્થીઓને સરદાર સરોવર બંધ જોવા માટે શાળાની બસોને બંધ સુધી જવા દેવામાં આવશે, એમ વધુમાં જણાવ્યું છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, દિવાળીની રજાઓ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં ભારે ધસારો થવાની સંભાવના છે. ઓન લાઇન બુકીંગ પણ ઘણા થયા છે. ગઇ કારે ૭,૦૦૦થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેવડીયા કોલોનીમાં પ્રવાસીઓનો ભારે ધસારો છે. રજાઓમાં ભારે બુકીંગ અને પ્રવાસીઓના અતિભારે ધસારાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.

Previous articleગાંધીનગર મનપામાં લોકશાહીના લીરેલીરા : છુટા હાથથી મારામારી
Next articleગાંધીનગરને સ્વચ્છ કરી દેશના નકશામાં મુકીશ : નાઝાભાઈ ઘાંઘર