જલારામ જયંતી નિમિતે ભક્તોએ બનાવ્યો ૮ ફૂટનો રોટલો, ઈન્ડિયા રેકોર્ડમાં મળ્યું સ્થાન

582

આજે રાજ્યભરમાં સંત જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. દરેક જલારામ  મંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં પણ જલારામ બાપાની જન્મજયંતિની ધામધૂમપૂર્વક  ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભક્તજનોએ ઈન્ડિયા રેકોર્ડ નોંધાવીને ભવ્ય રીતે જલારામ જયંતિની ઉજવણી  કરી હતી. છોટે વીરપુર તરીકે સૌરાષ્ટ્રમાં જાણીતા મોરબી શહેરનું નામ જલારામ જયંતીના દિવસે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા  બુકમાં નોંધાયું છે. અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ જલારામ બાપાના મંદિરે દર વર્ષની માફક આ વર્ષે પણ  ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ૨૧૯મી જન્મજયંતી નિમિત્તે સૌથી મોટો ૮ ફૂટનો બાજરાનો રોટલો  બનાવવામાં આવ્યો છે. જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ પૂજારા અને તેમની ટીમ દ્વારા વિશ્વનો  સૌથી મોટો રોટલો બનાવ્યો છે. આ રોટલો બનાવવા માટે ૨ લોખંડની પ્લેટ બનાવવામાં આવી હતી. તો ૫૦ કિલો  બાજરીનો લોટ, અઢી કિલો મીઠું, ૩ કિલો શુદ્ધ ઘી, ૬૦ લીટર પાણી અને ૩ કિલો ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો  હતો. આ રોટલો જલારામ બાપાના ચરણોમાં પ્રસાદીરૂપે ધરીને ૫૦૦૦ લોકોને પ્રસાદીરૂપે આપવામાં આવ્યો હતો.

Previous articleઠંડીના ચમકારાની વચ્ચે હવે લોકો ગરમ વસ્ત્રોમાં સુસજ્જ
Next articleરાજયભરમાં જલારામ જયંતિની ઉજવણી