ઇસરોની અંતરિક્ષમાં મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ GSAT-૨૯

622

ઇન્ડિય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ આજે આસમાનમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ૩,૪૨૩ કિલોનો GSAT–૨૯ નામનો ઉપગ્રહ અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો. આટલા વજનનો ઉપગ્રહ અંતરિક્ષમાં છોડવા માટે ઇસરોએ અત્યાર સુધી યુરોપિયન સ્પેસ એજન્સીના રોકેટની મદદ લેવી પડતી હતી, પરંતુ GSLV નામના રોકેટે આ કામ કરી બતાવ્યું છે. ઇસરોના જણાવ્યા મુજબ બે-ત્રણ દિવસમાં ઉપગ્રહ તેની નિર્ધારિત જગ્યાએ પહોંચી જશે અને તેની સેવાઓ શરૂ થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ GSAT-૨૯ ઉપગ્રહ ૧૦ વર્ષ સુધી નિરંતર કમ્યુનિકેશનની સેવાઓ આપતો રહેશે. આ મિશનની સફળતા બદલ સૌથી વધુ ચર્ચા GSLV રોકેટની છે. કારણ કે ચાર ટન એટલે કે ૪૦૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતાં કોઈપણ ઉપગ્રહને અંતરિક્ષમાં પહોંચાડવા માટે GSLV MkIII રોકેટની જરૂર પડે છે. આ રોકેટનો ઉપયોગ ઇસરો આગામી મહિનાઓમાં લોન્ચ કરવામાં આવનારા ચંદ્રયાન-૨માં થવાનો છે.

એટલું જ નહીં, આ રોકેટ જ પહેલા ભારતીય અંતરિક્ષયાત્રીને અંતરિક્ષમાં લઈ જવાનું છે. એટલા માટે પણ આ રોકેટની GSAT–૨૯ ઉપગ્રહ છોડવાની ઉડાન પર સૌની નજર હતી.

જ્યારે GSAT–૨૯ની ખાસિયત એ છે કે આજના કમ્યુનિકેશનના યુગમાં Ka/Ku-bandના ટ્રાન્સપોન્ડરની જરૂર પડે છે, જે આ ઉપગ્રહમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપગ્રહ દેશના અંતરિયાળ વિસ્તારોમાં કમ્યુનિકેશનની સુવિધાઓ ઊભી કરવામાં મદદરૂપ નીવડશે. એ ઉપરાંત આ ઉપગ્રહમાં આવનારી કમ્યુનિકેશન ટેક્નોલોજી ઊ અને ફ બેન્ડના પેલોડ પણ મૂકવામાં આવ્યા છે, જે ફાસ્ટ ડેટા ટ્રાન્સમિશનમાં ઉપયોગી નીવડશે.

ઇસરોએ GSAT–૨9 પહેલા GSAT-૧૯ નામનો ઉપગ્રહ છોડી જ દીધો છે, જેની સેવાઓ શરૂ પણ થઈ ગઈ છે. પરંતુ દેશની કમ્યુનિકેશનની જરૂરિયાતો સામે આ બે ઉપગ્રહ પૂરતાં નથી. એટલા માટે જ ઇસરોએ આગામી મહિનાઓમાં GSAT-૧૧ અનેGSAT-૨૦નું લોન્ચિંગ પણ પ્લાન કરી દીધું છે. જે આ વર્ષના અંત સુધીમાં અંતરિક્ષમાં મોકલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Previous articleનેહરૂની નીતિઓના કારણે આજે ચા વાળો પીએમ છે : શશિ થરૂર
Next articleશાકભાજી-કઠોળના ભાવ ઘટ્યા છતાં પણ WPI ફુગાવો ૫.૨૮