રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ

685

ગુજરાતમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી કેન્દ્રનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટમાં ખરીદી પૂર્વે રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં જૂના યાર્ડમાં બુધવારે ખરીદ કેન્દ્ર પર રજીસ્ટ્રેશનથી લઇને ખરીદીનો ખેડૂત અને અધિકારીને ખ્યાલ આવે તે માટે આ રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં પરિપત્ર ન આવતા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આથી ખેડૂતો પણ અકળાયા છે. આખરે ખેડૂતો નેશનલ હાઇવે પર બેસી જઇ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસની સમજાવટથી ખેડૂતો ઉભા થઇ ગયા હતા. ભાજપ અને સરકારી અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.

પોલીસનું સતત પેટ્રોલિંગ થતું રહેશે તથા ફ્લાઈંગ સ્ક્વોડની હાજરી રહેશે. રાજકોટ જિલ્લામાં ૧૮ હજાર ખેડૂતોએ અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં રાજકોટના ખરીદ કેન્દ્રમાં પ્રથમ દિવસે મગફળી સાથે હાજર રહેવા માટે ૫૦ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે. જો કે ખેડૂતોની માંગ સામે સરકાર ઝુકી ગઇ હતી, ભરીતનું માપ ૩૫ કિલોના બદલે ૩૦ કિલો રાખવામાં આવ્યું હતું. જો કે આ વહીવટમાં પારદર્શકતાનો અભાવ જોવા મળ્યો હતો. બનાવ સ્થળે સીસીટીવી પણ લગાવામાં નથી આવ્યા. અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ મગફળીની ખરીદીને લઇને હોબાળો મચાવ્યો હતો. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતા ખેડૂતો રોષે ભરાયા હતા. ૩૦ કિલોની ભરતીનો પરિપત્ર ન પહોંચતા ખરીદી અટકી હતી. અધિકારીઓએ માત્ર સેમ્પલ લીધા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. મગફળીની ૩૫ કિલો એક બોરીમાં ભરતીના નિયમને લઇને ખેડૂતો મુંઝાયા છે. ૩૦ કિલો ભરતી બાબતે સરકારનો હજી કોઇ પરિપત્ર અધિકારીઓને મળ્યો નથી. રાજકોટ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે, ૩૦ કિલો ભરતીનો નવો નિયમ આવી ગયો છે તો અધિકારીઓ કહે છે કે, અમને પરિપત્ર મળ્યો નથી.સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઓનલાઇન ટેકાના ભાવે ખરીદી કરતી સરકારની સિસ્ટમથી રોષે ભરાયા છે. ખેડૂતોએ આ અંગે હોબાળો મચાવ્યો હતો. ભેજનું પ્રમાણ અને સેમ્પલ સિસ્ટમથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો સેમ્પલ દેવા ઇન્કાર કરી રહ્યા છે. ટેકાનો ભાવ નહીં મળી રહ્યાનું ખેડૂતો રટણ કરી રહ્યા છે. હાલ સેમ્પલ લેવાની કામગીરી અટકાવાઇ છે. આથી પોલીસ બોલાવવાની ફરજ પડી છે.

ધોરાજી, જામકંડોરણાના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કલેક્ટર રાહૂલ ગુપ્તાના માગદર્શન હેઠળ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઇ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટ્યા છે. તંત્ર વાહકો દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી અંગે જે ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું છે, જેમાંથી વારા પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોની મગફળીની ચકાસણી કરીને વજન કરીને ખરીદી શરૂ કરાઈ છે. મગફળી ખરીદીની કાર્યવાહી સીસીટીવી, વિડીયોગાફીની સીધી નિગરાની હેઠળ કરાઈ રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ ઉપરાંત કોટડાસાંગાણી સહિતના ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવની મગફળી વેચવા માટે આવેલા હોય પરંતુ નાફેડના કે ગુજકોટના અધિકારીઓ હાજર ના હોય ખેડૂતો રોષે ભરાયા હતા. તેવામાં બારદાનનો વજન ૧ કિલો બાદ કરવામાં આવતા ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે બારદાનનો વજન માત્ર ૮૭૦ ગ્રામ જેવો જ થાય છે. દરેક બારદાન એ ખેડૂતોને ૧૩૦ ગ્રામ જેવી મગફળીનો નુકસાની જઈ રહી છે. એ ઉપરાંત ૩૦ કિલોની ભરવા કરવાની માંગ હોય હોબાળો થતા ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આવેલ રાજ્યમંત્રી જયેશભાઇ રાદડીયા યાર્ડ ખાતે દોડી ગયા હતા. ખેડૂતોના પ્રશ્નો જાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

Previous articleવિનય શાહ દ્વારા જેકે ભટ્ટને ૯૦ લાખ અપાયાનો ધડાકો
Next articleગાજા ચક્રવાતી તોફાનની અસર : ધોધમાર વરસાદ