ગાંધીનગર રેન્જ IGP ઓફિસ પાસેની સોસાયટીમાં બે મકાનનાં તાળાં તૂટયાં

0
306

ન્યુ ગાંધીનગર વિસ્તારોમાં તો તસ્કરોના તરખાટ છે પરંતુ હવે તો ચોરો રેન્જ આઈજીપી ઓફિસની આસપાસના મકાનોને પણ નથી છોડતા. પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તસ્કરોએ ચાર જિલ્લાઓની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા ગાંધીનગર રેન્જ આઇ.જી.પીની કચેરીની પાછળ જ આવેલી સોસાયટીમાં બે બંધ મકાનના તાળા તોડ્‌યા છે.

આ અંગે પોલીસમાંથી મળેલી વિગતો અનુસાર શહેરના સેક્ટર ૨૭ ખાતે આવેલી રેન્જ આઇજીપી ઓફિસની પાછળની સ્વસ્તિક સોસાયટીમાં પ્લોટ નંબર ૧૦૩૮માં રહેતા સુખબીરસિંઘ ધામી ગાંધીનગર જીઆઇડીસી ખાતે કાર સર્વિસ સ્ટેશન ચલાવે છે. સુખબીરસિંઘ ધામી તેમના પરિવાર સાથે પંજાબ ગયા છે ત્યારે તેમના બંધ પડેલા મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું છે.

મકાનનુ તાળુ તોડીને અંદર ઘુસેલા તસ્કરોએ સોનાનું બે તોલા વજનનુ કડુ, દોઢ તોલા વજનની સોનાની બે બંગડી, દોઢ તોલા વજનની સોનાની ચેન, ચાંદીની વજનદાર ઝાંઝર અને અંદાજે પાંચેક હજાર રૂપિયા પર હાથફેરો કર્યો છે. પડોશીઓ દ્વારા  સવારે મકાન માલિક સુખબીરસિંઘ ધામીને આ મામલે ફોન પર જાણ કરતાં તેમણે આ ચીજવસ્તુઓ પડી છે કે કેમ તેની ખરાઈ કરવા કહેતા આટલી વસ્તુ ચોરાયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ બનાવથી અન્ય લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.

સુખબીરસિંઘના ઘરે હાથ ફેરો કર્યા બાદ આ જ સોસાયટીના બીજા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

સ્વસ્તિક સોસાયટીના પ્લોટ નંબર ૧૦૨૨ માં રહેતા અનિલ કુમાર તેમના પરિવાર સાથે પોતાના વતન કેરાલા ગયા છે. તેમના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો સોનાની બુટ્ટી ચોરી કરી ગયા છે. જોકે, એક લેપટોપ અને પાંચ મોબાઈલોને તસ્કરોએ હાથ પણ અડાડ્‌યો નથી. આ મકાન માલિક અને પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થળ પરીક્ષણ કર્યું હતું પરંતુ બંને મકાનમાલિકો હાજર ન હોવાથી આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામા આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here