કોબા ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

947

ગાંધીનગર જિલ્લાના કોબા ગામે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના હસ્તે શાળાના બાળકો અને આંગણવાડી માટે સ્વચ્છતા કીટનું વિતરણ તથા સ્વચ્છતાગ્રહી અને સ્વચ્છતા તાલીમ અને નિગરાની ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાની ઉપસ્થિતમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ શાળાના બાળકો સાથે સ્વચ્છતા અંગે વાર્તાલાપ કરી જણાવ્યું હતું કે, ગંદકી, નિરક્ષતા કુરિવાજો અને વ્યસનોથી મુક્તિ મેળવીને સમાજમાંથી બદીઓ દૂર થશે તો જીવનની ગુણવત્તા સુધરશે. કોબા ગામે જાગૃતિ દ્વારા વિકાસ અને સ્વચ્છતા જાળવી આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. તે કાયમી જાળવી રાખવા જણાવ્યું હતું. સ્વચ્છતા અને આરોગ્ય પરસ્પર સંકળાયેલી બાબત છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમને સાર્થક કરવા લોકો અને બાળકો સ્વચ્છતાના સેનાની બની તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી હિતેષભાઇ કોયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લો ઓ.ડી. એફ. જાહેર થયો છે. જિલ્લામાં કુલ ૮૮,૩૬૭ શૌચાલય પૂર્ણ થયા છે. બેઝ લાઇન સર્વેમાં રહી ગયેલા ૧૧૬૮૬ લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા ૯૩૮૧ અને વર્લ્ડ બેંકના ફંડ માંથી ૨૩૦૫ શૌચાલય બનાવવા માટેનું ફંડ ફાળવવામાં આવશે. ઓ.એન. જી.સી ના ડિવીઝનલ જનરલ મેનેજર ડી.બેનરજીએ જણાવ્યું હતું કે ઓ.એન.જી.સી દ્વારા રાજયમાં ૬૮ હજાર ગામોમાં શેનીટેશન નેપકીન અને ૧૧૦ ગામોમાં ગેસ કનેકશનની સુવિધા આપવામાં આવી છે.

કોબા પ્રાથમિક શાળા ખાતે મહાનુભાવોના હસ્તે બાળકો દ્વારા તૈયાર કરેલા સ્વચ્છતાના સુત્રો સાથેની સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કોબા ખાતે રૂ. ૨.૭૪ લાખના ખર્ચે તૈયાર થયેલ શેગ્રીગેશન શેડનું લોકાર્પણ કર્યું હતું. કલેકટરે સર્વેને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.

વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ગાંધીનગર જિલ્લાના તમામ ગામોમાં બાળકો દ્વારા સ્વચ્છતા રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાની વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ગાંધીનગર(કોબા) કલોલ (પ્રતાપપુરા-બાલવા), માણસા (લોદરા ) અને દહેગામ તાલુકાના નાંદોલ ખાતે કરવામાં આવી હતી.

Previous articleદહેગામ ખાતે ૯૬ ખેડૂતોની બે હજાર કવીન્ટલ મગફળીની ખરીદી
Next articleજિલ્લા પુસ્તકાલય, સેકટર-૨૧ ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરાઇ