૧૫૫ કરોડના ખર્ચે સ્મૃતિવન બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ

761

કચ્છમાં આવેલા ભૂકંપની યાદમાં ભૂજિયા ડુંગર પર સ્મૃતિવન બનાવવામાં આવી રહ્યું છે. સ્મૃતિવનના પ્રથમ તબક્કનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભૂજિયા ડુંગર પર નિર્માણ પામી રહેલા સ્મૃતિવનની મુલાકાત લીધી હતી અને આ સ્થળને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ વ્યકત કરી છે.

સ્મૃતિવન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ૧૫૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને ૪૭૦ એકર વિસ્તારમાં અહીં થઇ રહેલા વિવિધ કાર્યો ટૂરિસ્ટ ફ્રેન્ડલી અને સિનીયર સિટીઝન ફ્રેન્ડલી બને તે રીતે સુવિધાસભર બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

વિજય રૂપાણીએ સમીક્ષા બેઠકમાં સૂચના આપી કે પ્રવાસીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે એ પ્રકારની સુવિધા સ્મૃતિવનમાં ગોઠવવી જોઇએ. પ્રમાણસરના પાણીના હટ, ફૂડ કોર્ટ, ટોઇલેટ બ્લોક, ર્પાકિંગ એરિયા, બનાવવા પડશે.  ઉપરાંત, વિશ્રામ માટે બાંકડા મૂકવા પણ તેમણે જણાવ્યું હતું. શાળાના પ્રવાસો માટે અલગ વ્યવસ્થા થાય અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઉભી થાય એ રીતે સમગ્ર આયોજન કરવાની બાબતે તેમણે સમીક્ષા કરી હતી.

મુખ્યપ્રધાને અહીં નિર્માણ પામનાર સંગ્રહાલયની સંરચના બાબતે પણ ઉંડો રસ દાખવ્યો હતો. તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે આ સંગ્રહાલયમાં આવનારા મુલાકાતીને કચ્છની સંસ્કૃતિ સાથે ભૂકંપ વખતના કચ્છની સ્થિતિની પણ અનુભૂતિ થાય તેવું આયોજન કરવું જોઇએ.

સ્મૃતિવન દર્શનીય અને રમણીય સ્થળ બની રહે તે માટે ડુંગર ઉપર આકર્ષક લેન્ડ સ્કેપિંગ કરવા પણ મુખ્યપ્રધાને ભાર મૂક્યો હતો. જ્યાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવાની સાથે તેમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળવા તેમણે કહ્યું હતું. મુખ્યપ્રધાનની સમક્ષ સમીક્ષા બેઠકમાં સ્મૃતિવનમાં થયેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. તેમાં ભૂજિયા ડુંગર ફરતે બાઉન્ડ્રી વોલ, તલાવડી, સનપોઇન્ટ,પાથ વે અને લેન્ડ સ્કેપની કામગીરીપૂર્ણ થઇ ગઇ છે.  ભૂજિયા ડુંગર ઉપર આવેલા કિલ્લાની દિવાલનું રિસ્ટોરેશનની કામગીરીની મુખ્યપ્રધાને સમીક્ષા કરી હતી અને તેને ઝડપથી પૂર્ણ સૂચના આપી હતી.

એમેનિટીઝ બોક્સ, પોઝ પોઇન્ટ, ગેટ અને કેબીનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સંગ્રહાલયનું બાંધકામ, રોડ અને કેબીન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની કામગીરી માટે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રૂ.૧૫૫ કરોડની ગ્રાંટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ર૦૦૧ના ભયાવહ ભૂકંપમાં જીવ ગુમાવનારા ૧૩,૮૦પ મૃતાત્માઓની કાયમી યાદમાં ભૂજિયા ડુંગર પર આ સ્મૃતિવનનું નિર્માણ થઇ રહ્યું છે.

Previous articleકબડ્ડી લિગ : યુપીના યોદ્ધાને હરાવીને વિજય કૂચ જાળવી રાખતું ગુજરાત
Next articleગુજરાત રમખાણ : ઝાકિયા જાફરીની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી