GMDCની ઘટના જલિયાવાલા કાંડ  મેટ્રો કોર્ટમાં હાર્દિક પટેલની જુબાની

726

અમદાવાદના જીએમડીસીમાં પાટીદારો પર થયેલા લાઠીચાર્જ મામલે હાર્દિક પટેલે મેટ્રો કોર્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન કોર્ટમાં ૧૮માં સાક્ષી તરીકે જુબાની આપતાં તેણે જીએમડીસીની ઘટનાને જલિયાવાલા બાગ કાંડ ગણાવ્યો હતો. તેણે જુબાનીમાં જણાવ્યું કે ૮ વાગે ૨ હજાર લોકોને ડરાવવા, ધમકાવવા અને હત્યા કરવાના ઈરાદાથી સરકારના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હાર્દિકે પોલીસ તંત્ર પર સીધો આરોપ મૂક્યો કે ૧૫થી ૧૬ હજાર જેટલાં પોલીસ દ્વારા લાઈટ બંધ કરીને અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫માં યોજાયેલી પાટીદાર મહારેલી પર પોલીસ લાઠીચાર્ક મામલે સાક્ષી આપવા માટે પહોંચ્યા હતા. તેમણે કોર્ટમાં જણાવ્યું કે પાટીદારોએ ડરાવવા માટે રાત્રે આઠ વાગે લગભગ ૧૬ હજાર પોલીસવાળા જીએમડીસી મેદાન પર હાજર બે હજાર પાટીદાર લોકો પર તૂટી પડ્‌યા. આ ઘટના જલિયાવાલા બાંગ જેવી જ હતી.  હાર્દિક પટેલે કહ્યું હતું કે ૨૫ ઓગષ્ટે જીએમડીસીમાં અનામત માટે આંદોલન કરતા હતા. ૨૫ ઓગષ્ટની સવારે ૭ કલાકે લાખો લોકો હાજર હતા. હું લાખો લોકો વચ્ચે મંચ પર નેતૃત્વ કરતો હતો, લોકતંત્રમાં માથાઓની કિંમત હોય છે. ભારતનું બંધારણ બોલવાની,આંદોલન કરવાની મંજૂરી આપે છે. સમગ્ર ગુજરાતમાં ૨૦૦થી વધુ રેલી, સભાઓ યોજાઈ હતી.  હાર્દિક પટેલે જણાવ્યું કે લોકતંત્રમાં દરેક વ્યક્તિને આંદોલન કરવાનો તથા પોતાના અધિકારોની માંગ કરવાનો હક છે. પાટીદાર અનામતની માંગને લઇને આંદોલન કરી રહ્યા હતા, પરંતુ સરકારના ઇશારા પર પોલીસએ પાટીદારો પર દમન કર્યું.

Previous articleગુજરાત રમખાણ : ઝાકિયા જાફરીની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
Next articleનાફેડ અને રાજ્ય સરકાર વચ્ચેની બેઠક સફળ, એક સપ્તાહમાં ખેડૂતોને મળી જશે રકમ