બોક્સરે જજ અને રેફરી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

940

એઆઈબીએ વુમન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય યુવા બોક્સર સોનિયા ચહલે વર્ષ ૨૦૧૪ની વર્લ્ડ ચેમ્પિયન બલ્ગેરિયાની સ્ટેનિમિરા પેટ્રોવાને ૩-૨થી પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

બીજા રાઉન્ડમાં બલ્ગેરિયાની બોકસરે સોનિયા કરતાં વધુ પોઇન્ટ મેળવ્યા હતા. અંતિમ રાઉન્ડમાં સોનિયાએ આક્રમક રમત દર્શાવી હતી જેને કારણે સોનિયાને જજે વિજેતા જાહેર કરી હતી. મેચ હાર્યા બાદ પેટ્રોવાએ જજના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. પેટ્રોવાએ કહ્યું કે, હું આ નિર્ણયથી જરા પણ ખુશ નથી. જજ દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે. આ પરિણામ યોગ્ય નથી. તે પછી ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશને આ ઘટનાની નોંધ લેતાં કહ્યું કે, તેઓ આ મામલે સમીક્ષા કરશે. મેચ બાદ એઆઈબીએના નિવેદનમાં જણાવાયું કે, આ મેચ અંગે એઆઈબીએની ટેક્નિકલ ડેલિગેટ તેની સમીક્ષા કરશે.

બોક્સિંગમાં મેચ દરમિયાન નિર્ણય મામલે એઆઈબીએ માટે મુખ્ય ચિંતાનું કારણ રહ્યું છે. જે અંગે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિયેશને પણ ચેતવણી આપી છે.

આ ઉપરાંત બલ્ગેરિયાના બોક્સિંગ કોચ પીટર લેસોવે પણ જજ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો જેને કારણે તેમના પર રિંગની આસપાસ જવા પર એઆઈબીએ દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો છે. પેટ્રોવાએ જજના નિર્ણય પર આંગળી ચીંધ્યા બાદ તેના કોચે રિંગની અંદર બોટલ ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એઆઈબીએ દ્વારા લેસોવના એક્રિડેશન કાર્ડને રદ કરી દીધું છે.

Previous articleરોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-૨૦માં ભારતનો ૪ રને પરાજય
Next articleદબંગ દિલ્હીએ ગુજરાત ફોર્ચ્યુનને ૨૯-૨૬થી હરાવ્યું