ભાવનગર ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો થયેલો પ્રારંભ

2184

દેશમાં આર્થિક વિકાસ સાથે ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, બેન્ક વ્યવહાર અને અન્ય ક્ષેત્રોમાં માહિતી અને સંચાર તકનીકનો ઉપયોગ વધી રહ્યો છે. ઈન્ટરનેટના ઉપયોગ અને ફેસબુક, ટ્‌વીટર, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મિડીયાના વધતા જતા ઉપયોગ અને સ્માર્ટફોનના ઉપયોગના કારણે આમ જનતાને જીવન સરળ બનવા પામેલ છે. પરંતુ, વધતા માહિતી અને સંચાર તકનીકનો ઉપયોગથી સાયબર અપરાધના બનાવોમાં વધારો થયેલ છે.

ગુજરાત પોલીસ પાસે રાજ્યમાં બનતા સાયબર અપરાધના બનાવો અટકાવવા અને શોધવા અંગેની જાણકારી અને ક્ષમતા વિકસાવવાના હેતુથી ગૃહ વિભાગ દ્વારા વર્ષઃ ૨૦૧૮-૧૯ દરમ્યાન ૪-મહાનગરોમાં સાયબર અપરાધ પોલીસ સ્ટેશન અને સીઆઈડી (ક્રાઈમ એન્ડ રેલ્વેસ) તથા ૯-વિભાગીય કચેરીઓ (રેન્જ ઓફિસીસ) ખાતે સાયબર અપરાધ તપાસ કોષ સ્થાપિત કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. સદર નિર્ણયના ભાગ રૂપે ભાવનગર વિભાગ ખાતે સાયબર અપરાધ તપાસ કોષ (સાયબર ક્રાઈમ સેલ) કાર્યરત કરવા ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી, સાયબર અપરાધ (સાયબર ક્રાઈમ)ની તપાસમાં ઉપયોગી થાય તેવા કોમ્પ્યુટર હાર્ડવેર ફોરેન્સીક એનાલીસીસ સોફ્ટવેર ફોરેન્સીક ઈમેજીંગ ડીવાઈસ ફોરેન્સીક વર્ક સ્ટેશન વગેરે સાધન-સામગ્રી ફાળવવામાં આવેલ છે. તે ઉપરાંત ૧ પીઆઈ, ૧ પીએસઆઈ, ૧ પીએસઆઈ (ટેકનીકલ), પ હે.કો.-પો.કો.ની જગ્યા મંજુર કરવામાં આવેલ છે.

તા.૨૪/૧૧/૨૦૧૮ના રોજ ૧૧.૦૦ વાગ્યે નરસિમ્હા કોમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગરે જીલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર, ભાવનગર ખાતે સાયબર અપરાધ તપાસ કોષનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. કાર્યક્રમ દરમ્યાન એમ.એમ.સૈયદ, પોલીસ અધિક્ષક, બી.એમ. લશ્કરી, પોલીસ ઇન્સપેકટર, સાયબર અપરાધ તપાસ કોષ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેલ. સદર સાયબર અપરાધ તપાસ કોષ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગનાઓની દેખ-રેખ હેઠળ કાર્યરત રહેશે અને ભાવનગર વિભાગ હેઠળનાં અમરેલી, બોટાદ અને ભાવનગર જીલ્લાઓમાં બનતા સાયબર અપરાધની તપાસમાં મદદરૂપ થશે. આવતા દિવસોમાં સાયબર અપરાધ તપાસ કોષમાં ફરજ બજાવતા અધિકારીઓને વિશેષ તાલીમ અને વધુ સાધન- સામગ્રીઓ ફાળવવામાં આવશે અને વિભાગ હેઠળનાં જીલ્લાઓમાં બનતા સાયબર અપરાધને અટકાવવા અને તપાસ કરવા વિશેષ પ્રયાસ કરવામાં આવશે.

Previous articleતલગાજરડામાં આજે ભજન વિચાર સંગોષ્ઠિ
Next articleશિયાળુ પાકનું બજારમાં આગમન