ગાંધીનગરમાં મેલેરિયા સહિતના રોગચાળાએ માથુ ઉચકયુ

1324
gandhi892017-3.jpg

સ્વાઈન ફલુએ ગાંધીનગર જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે. તંત્રના અથાગ પ્રયાસો છતાં હજુ સુધી તેની ઉપર કાબુ મેળવી શકાયો નથી. ત્યાં ડેન્ગ્યુ ડોકાઈ રહ્યો છે અને હવે ધીમા પગલે ઝેરી મેલેરીયા પગ પેસારો કરી રહ્યો છે. આ ઉપરાંત પાણી જન્ય કમળો અને ઝાડા -ઉલ્ટીના કેસ તો આંતરો દિવસે નોંધાઈ રહ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મેલેરિયાના સંખ્યાબંધ દર્દી નોંધાયા છે. તેમાં ઝેરી મેલેરિયાના ૪ અને સાદા મેલેરિયાના ૩ર કેસનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં વરસાદ પછી જિલ્લા ગરામય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો પણ ઉચકાયો છે. તાજેતરના દિવસો દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કમળાના ૪૪ દર્દી નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડના દર્દીઓ પણ આંતરે દિવસે જોવા મળી રહ્યા છે. 
હાલના તબકકે ઝેરી મેલેરિયા, સાદો મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, કમળો, ટાયફોઈડ અને વાયરલ ઈન્સ્પેકશનના તેમજ શરદી-ખાંસીના સંખ્યાબંધ દર્દીઓ જોવા મળી રહ્યા છે. તાલુકા મથકો અને પાંચ હજારથી વધુ વસતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારના સામાન્ય દવાખાનાઓમાં સવારે અને સાંજે દર્દીઓની ભારે ભીડ જામી રહી છે. ખાનગી તબીબો પાસે સારવાર મેળવી રહેલા દર્દીઓની સંખ્યાને જોતાં નહીં નોંધાયેલા દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે. 
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ અનેક ઉંટવૈદો તેમની હાટડી ચલાવી રહ્યા છે. તેઓ ગ્રામ્ય વિસ્તારની અશિક્ષિત, ગરીબ અને મજૂરી ક્ષેત્રે સંકળાયેલા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને ખુલ્લેઆમ સ્ટિરોઈડની ગોળીઓ પધરાવી રહ્યા છે. જે માનવીના અનેક અવયવોને ભારે નુકશાન પહોંચાડી શકે છે. જિલ્લા આરોગ્ય તંત્રએ ભૂતકાળમાં લાલ આંખ કરી ત્યારે ૭ ઉંટવૈદો ઝપટે ચઢયા હતાં. જો કે ખાનગી પ્રેક્ટિસ કરતાં તબીબો જિલ્લા આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવવામાં પણ ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. જિલ્લામાં સેકડો તબીબો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવા છતાં નોંધાયેલા તબીબોની સંખ્યા ખૂબ નીચી છે. આમ ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને મેલેરિયા અને ડેન્ગ્યુ પોતાના ભરડામાં લઈ રહ્યો છે. આગામી દિવસોમાં નવરાત્રી શરૂ થાય તે પહેલાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળશે અને નવરાત્રી દિવસોમાં રોગચાળો બેકાબુ બને તેવી આશંકા પાટનગરના ખાનગી હોસ્પિટલના જાણિતા તબીબો વ્યકત કરી રહ્યા છે. પ્રજાની આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા ખાનગી દવાખાના અને એનજીઓના સુત્રો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરકારી દવાખાના અને સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહેલા દર્દીઓ તો માત્ર ગ્રામ્ય વિસ્તારના જોવા મળી રહ્યા છે. 

Previous article વાહન અને બેટરી ચોરી કરનાર બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા
Next article વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ગ્રાન્ડ રોડ શો યોજાશે