રસ્તાઓ ખરાબ થશે તો કોન્ટ્રાક્ટર પર બુલડોઝર ફેરવી દઈશ : નીતિન ગડકરી

711

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ દેશના રસ્તાઓની ખરાબ હાલત અંગે એક નિવેદન આપતા કહ્યુ છે કે, જો રસ્તાઓ ખરાબ હોવાનું માલુમ પડશે તો તેઓ કોન્ટ્રાક્ટર પર બુલડોઝર ફેરવી દેશે. ગડકરીએ જણાવ્યું કે, રસ્તાઓ દેશની સંપત્તિ છે અને તેમની ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે.

અમે અત્યાર સુધી ૧૦ લાખ કરોડનાં કામના આદેશ કર્યા છે. હું એક વાત ગર્વ સાથે કહી શકું છું કે અત્યાર સુધી કોઈ પણ કોન્ટ્રાક્ટરે ઓર્ડર માંગવા માટે મારી દિલ્હીની ઓફિસમાં આવવું નથી પડ્યું. આ વાત હું અભિમાન સાથે કહી શકું છું. પરંતુ એક વાત એવી પણ છે જેને બોલતા હું બિલકુલ સંકોચ નથી અનુભવી રહ્યો. મેં મોટાં મોટાં કોન્ટ્રાક્ટરોને કહ્યું છે કે રસ્તાઓ ખરાબ થશે તો હું તેમને બુલડોઝર નીચે નાખી દઈશ.

રસ્તાઓ દેશની સંપત્તિ છે. તેમની ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ ન કરી શકાય.” કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લેખક તેમજ રાજકારણી તુહીન એ સિંહાનાં પુસ્તક “ઇન્ડિયા ઇન્સ્પાયર્સ”નાં લોન્ચિંગ વખતે આ વાત કહી હતી. ગડકરીની આગેવાનીમાં થયેલા કામકાજ અંગે આ પુસ્તક લખવામાં આવ્યું છે.

ગડકરીએ વધુમાં કહ્યુ હતુ કે, નવી મુંબઈનું જે એરપોર્ટ નિર્માણાધીન છે તેને વેનિસના એરપોર્ટની તર્જ પર બનાવવામાં આવશે. એરપોર્ટને રોડની સાથે સાથે સમુદ્રી માર્ગ સાથે પણ જોડવામાં આવશે. આ રસ્તાનો ઉપયોગ કરીને લોકો ફક્ત ૨૦ મિનિટમાં જ એરપોર્ટ પહોંચી શકશે.

માર્ચનાં અંતિમ સમય સુધી ગંગા નદી ૭૦-૮૦ ટકા સુધી સંપૂર્ણ સાફ થઇ જશે. ગડકરીએ કહ્યું કે, રાજ્યોની સાથે મળીને રાષ્ટ્રીય ગંગા સ્વચ્છતા મિશન અંતર્ગત પવિત્ર નદીની સફાઇ પર અંદાજે ૨૬,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહેલ છે.

Previous articleસીબીઆઈ પર વિશ્વાસ ટકે તે માટે અસ્થાના વિરુદ્ધ તપાસ કરો : વર્મા
Next articleમાલ્યા સામે ઇડી કાર્યવાહી પર પ્રતિબંધનો ઇન્કાર થયો