ભાજપની રથયાત્રાને રોકાતા અમિત શાહ મમતા પર ખફા

770

પશ્ચિમ બંગાળમાં રથયાત્રાની મંજુરી ન આપવાને લઇને ભાજપ અને તૃણમુલ કોંગ્રેસમાં રાજકીય જંગ છેડાઈ ગયો છે. આજે ભાજપે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર સીધા પ્રહારો કર્યા હતા. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મમતા સરકાર પર લોકશાહીનું ગળુ દબાવી દેવાના આક્ષેપ કર્યા હતા. શાહે કહ્યું હતું કે, પંચાયતી ચૂંટણી બાદ મમતા બેનર્જીની ઉંઘ હરામ થઇ ગઇ છે. મમતા બેનર્જી ભાજપને લઇને પરેશાન થઇ ગયા છે. ભાજપે મમતા સરકારના ચુકાદાની સામે કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શાહે એક પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, જનતાના અવાજને દબાવી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

શાહે કહ્યું હતું કે, રાજ્યમાં પંચાયતી ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો. આના લીધે મમતા બેનર્જી પરેશાન દેખાઈ રહ્યા છે. લોકશાહીનું ગળુ દબાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે ભાજપની રથયાત્રાના આયોજન આ આધાર પર મંજુરી આપી રહી નથી કે, આનાથી સાંપ્રદાયિક હિંસા ફેલાઈ શકે છે. શાહે કહ્યું હતું કે, રથયાત્રા માટે રાજ્ય સરકાર પાસેથી આઠ વખત મંજુરી માંગવામાં આવી હતી પરંતુ મંજુરી મળી ન હતી. શાહે આક્ષેપ કર્યો હતો કે, મમતા બેનર્જીના શાસનકાળમાં જેટલી હિંસા થઇ છે તેટલી હિંસા તો કોમ્યુનિસ્ટ શાસનકાળમાં પણ થઇ  નહતી. પંચાયત ચૂંટણીમાં ૭૦૦૦થી વધારે  સીટો જીતીને બીજા સ્થાન પર અમે આવી ચુક્યા છે. આના કારણે મમતા બેનર્જી પરેશાન થયેલા છે. શાહે આક્ષેપ કર્યો હતો કે, રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાજપના ૨૦ કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. આ તમામ હત્યાઓમાં ટીએમસીના કાર્યકરોના નામ ખુલ્યા હતા. આમા શુ પ્રગતિ થઇ છે તે અંગે મમતા બેનર્જી પાસે કોઇ જવાબ નથી. પોલીસ અને ટીએમસીના કાર્યકરો રાજકીય હત્યાઓને તક આપી રહ્યા છે. શાહે આક્ષેપ કર્યો હતો કે, દેશમાં યોજાનાર ૧૦૦ રાજકીય હત્યાઓમાં એક ચતુર્થાંસ હત્યાઓ બંગાળમાં થઇ રહી છે. રાજ્યમાં વહીવટીતંત્ર પણ વોટબેંકની રાજનીતિમાં ગંભીરરીતે સામેલ છે. આતંકવાદ અને આતંકવાદ ફેલાવનાર સંસ્થાઓ ઉપર અંકુશ મુકવા માટે રાજ્ય સરકારની હિંમત દેખાતી નથી.

શાહે આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં દરેક બાબત માટે રેટ નક્કી છે. મેડિકલમાં પ્રવેશ ૧૫ લાખ રૂપિયા લઇને કરવામાં આવે છે. બંગાળની જનતા હવે પરિવર્તન ઇચ્છે છે. મમતાને તેઓ માંગ્યા વગર સલાહ આપી રહ્યા છે. ભાજપના કાર્યકરો મમતા બેનર્જીના કઠોર પગલાથી ભયભીત નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા સૂચિત રથયાત્રા ઉપર કોલકાતા હાઈકોર્ટે પ્રતિબંધ મુક્યો છે. આ મામલાની સુનાવણી નવમી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. ભાજપ સાતમી ડિસેમ્બરથી ઉત્તરમાં કુચબિહારથી અભિયાન શરૂ કરવાના કાર્યક્રમમાં છે. ૯મી ડિસેમ્બરથી દક્ષિણ ચોવીસપરગના જિલ્લામાં અને ૧૪ ડિસેમ્બરે વીરભૂમિ જિલ્લામાં રથયાત્રા શરૂ કરવાનો કાર્યક્રમ છે.

Previous articleમાલ્યા સામે ઇડી કાર્યવાહી પર પ્રતિબંધનો ઇન્કાર થયો
Next articleસોરાબુદ્દીન પ્રકરણમાં ૨૧ ડિસેમ્બરે ચુકાદો જાહેર થશે