વિકાસ ગાંડો થયા બાદ લીક થયો, કોંગ્રેસની સાયબર આર્મીનું નવું કેમ્પેઈન

913

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં યુવાનોને ભાજપ વિરોધી મતદાન કરવા માટે ‘વિકાસ લીક થયો છે’નું કેમ્પેઈન કોંગ્રેસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ગુજરાતમાં પાટીદાર, ઓબીસી અને આદિવાસી સમાજ બાદ ખેડૂતોનો મોટો વર્ગ ભાજપ સરકારની નીતિઓથી નારાજ છે ત્યારે આગામી પેટાચૂંટણીમાં પેપર ફૂટવાની ઘટનાથી કોંગ્રેસ માટે ‘બગાસું ખાતા પતાસું મળ્યા’નો ઘાટ સર્જાયો છે, પરંતુ કોંગ્રેસ યુવાનોના મત મેળવવામાં કે તેનો રાજકીય લાભ ઉઠાવવામાં સફળ રહે છે કે નહીં તે તો આવનારા દિવસો જ કહેશે..

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા ‘વિકાસ ગાંડો થયો છે’ના સાયબર કેમ્પેઈન બાદ કોંગ્રેસે તાજેતરમાં ‘વિકાસ લીક થયો છે’નું નવું કેમ્પેઈન લોન્ચ કર્યું છે. ગુજરાતમાં ન્ઇડ્ઢની ભરતીમાં પેપર લીક થવાની ઘટનાને પગલે કોંગ્રેસની સાયબર આર્મી દ્વારા હાથ ધરવામાં આવેલાં આ નવા કેમ્પેઈને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. રાજ્યની ભાજપ સરકાર અને ભારતીય જનતા પાર્ટી સામે બે દિવસ પહેલાં લોંચ કરવામાં આવેલાં આ કેમ્પેઈન એક જ દિવસમાં ટિ્‌વટર ટ્રેન્ડમાં પ્રથમ પાંચમાં સ્થાન પામ્યું હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે..

કોંગ્રેસની સાયબર આર્મી દ્વારા રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે સોશિયલ મીડિયામાં વ્યંગાત્મક અને ભાજપને અરિસો બતાવતા સ્લોગન, કાર્ટુન અને ભાજપ દ્વારા ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં આપવામાં આવેલાં વચનો યાદ અપાવવાનો ભરપૂર પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસના આ સાયબર અટેક સામે ભાજપ દ્વારા કોંગ્રેસને તેનો ભૂતકાળ યાદ અપાવીને વળતો જવાબ આપવામાં આવે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે રીતસરનું ‘વોર’ ફાટી નીકળ્યું છે. આ સાયબર વોરમાં તાજેતરમાં વિકાસ ‘લીક’ થયો છેના સ્લોગન સાથે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરવાના આ નવતર અભિગમને યુવાનો દ્વારા ખાસ્સી એવી ‘લાઈક’ મળી રહી હોવાનો દાવો ગુજરાત આઈટી સેલના વડા હેમાંગ રાવલ કરી રહ્યા છે. .

તેઓ કહે છે કે, પોલીસ રક્ષક દળની ભરતીનું પેપર ફૂટી ગયું અને રાજ્યના ૮.૫ લાખથી વધુ યુવાનોનું સરકારી નોકરીનું સપનું રોળાઈ ગયું ત્યારે આઈટી સેલની ટીમ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા અને રાજ્યના વહીવટીતંત્રમાં કેવી પોલંપોલ ચાલી રહી છે તેને નિશાન બનાવીને આ કેમ્પેઈન લોંચ કરવાનો નિર્ણય લેવાયો હતો અને જોતજોતામાં સોશિયલ મીડિયામાં આ કેમ્પેઈનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્‌યો છે..

Previous articleપેપર લીક, વાયબ્રન્ટ સમિટ મુદ્દે પીએમ મોદી-રૂપાણી વચ્ચે ચાલી અઢી કલાક બેઠક
Next articleજસદણ : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો ખર્ચ જાહેર કરાયો