સંવેદનાની મૂડી ખરી કર્મનિષ્ઠા આપે છે

1258

જે રીતે ઘટાદાર વૃક્ષ વરસાદી વાદળને આકર્ષે છે તે જ રીતે સમભાવ અને સંવેદનારૂપી શક્તિ ધરાવનાર વ્યક્તિત્વ સેવા, સમર્પણ, કર્મનિષ્ઠાના ગુણ વડે સેવાના શમિયાણાને સજાવે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કરવામાં આવતી માનવસેવાના આ શમિયાણાને ટેકો આપવા, તેને ટકાવી રાખવા, તેને મજબૂત બનાવવા સંવેદનાની મૂડી જેમ વાપરવામાં આવે તેમ તેમ તેમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થતી રહે છે. તેનો વ્યાપ વધતો રહે છે. સામાન્ય રીતે વિશિષ્ટ હેતુસર સ્થપાયેલ સંગઠન કે સંસ્થા જ્યારે પોતાના ઉપદેશને સિદ્ધ કરવા નક્કી કરાયેલ નિયમો, બંધારણથી જ્યારે ચલિત થઈ તેમાં વેપારીધોરણો દાખલ કરે છે. સંસ્થા કે સંગઠનને સલામત બનાવવા મોટું નિભાવફંડ ઊભું કરવા પ્રયત્નશીલ બને છે. લાભાર્થીઓના હિતને બાજુ પર રાખી મોટી મિલકત કે નિભાવફંડના જોરે સંસ્થાને સ્વાવલંબી બનાવવા તેના રખેવાળો કામ કરવા લાગે છે ત્યારે તેમાં કોઈ વાર સમયાંતરે કુસંપ ઊભો થાય છે. જે રીતે મજબૂત ઈમારતને લાગેલી ઊધઈ સમય જતા તેને નામશેષ કરી નાખે છે તેવી જ રીતે માનવકલ્યાણના ઉદ્દેશ્યથી રચાયેલા સંગઠન કે સંસ્થા વેરવિખેર થઈ જાય છે. કારણકે ગુજરાતી કહેવત પ્રમાણેઃ ‘જર, જમીન ને જોરું; ત્રણ કજિયાના છોરું.’
જેવી સંસ્થા મોટી મિલકત ઊભી કરે છે તેવી જ સંસ્થામાં ખટપટ શરૂ થાય છે. જેમ-જેમ સંસ્થાની મિલકત અને નિભાવફંડ વધવા લાગે છે તેમ તેમ તેના સંચાલકો વચ્ચે સત્તાની હરીફાઈ શરૂ થાય છે. સંસ્થા પર અંકુશ મેળવવા વર્ષોથી સાથે રહેલા લોકો પણ નાના નાના ગ્રૂપમાં વહેંચાઈ જઈ સંખ્યાબળનો ઉપયોગ કરી સઘળું તાબે કરવા કામે લાગી જાય છે અને પરિણામે સંસ્થામાં ઝઘડાનો માહોલ ઊભો થાય છે. આવા લોકો પૈસાના જોરે તે બધી જ પ્રવૃત્તિઓનો માલિક બની શકશે તેમ સમજવા લાગે છે.
કેટલીક વાર પ્રવૃત્તિઓ કાગળ પર રહી જાય છે, હેતુઓ બદલાઈ જાય છે, લાભાર્થીઓની હાલત કફોડી બને છે, સંસ્થા કે સંગઠન વ્યક્તિગત માલિકીની પેઢી બની જાય છે. નિરંકુશ થયેલ સંસ્થા સંચાલક સંસ્થારૂપી પેઢી પોતાનો ઈજારો હોઈ તેમ સમાજને લાભ કે ફાયદો કરવાને બદલે વ્યક્તિગત હિતને પોષવા લાગે છે. પરિણામે સંસ્થા કે સંગઠનનું પતન થાય છે.
ખરું પૂછો તો કોઈ પણ સમાજ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કોઈ પણ સંગઠન કે સંસ્થા ત્યારે જ અસ્તિત્વમાં આવતા હોય છે જયારે તેના લાભાર્થીને તેની જરૂર હોય, એવી જરૂરિયાતો પૂર્ણ કરવા મુખ્યત્વે બે તત્ત્વ અનિવાર્ય છેઃ (૧) ભૌતિક (૨) માનવીય
(૧) ભૌતિક તત્ત્વ : કોઈ પણ સંસ્થા ચલાવવા જમીન, મકાન, પાણી, વીજળી, વિવિધ પ્રકારની સાધનસામગ્રીની જરૂર પડે છે – એ ભૌતિક તત્ત્વ છે.
(૨)માનવીય તત્ત્વ : લાભાર્થી-કર્મનિષ્ઠ કાર્યકરો, સંચાલક, પ્રવૃત્તિ ચલાવવા માટે જરૂરી આર્થિક ભંડોળ કે જે સંચાલક સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવતું હોય છે. જરૂરિયાત મુજબ સમયસર આ બધું એકત્રિત કરી શકે તેવી શાખ ધરાવતું નિષ્ઠાવાન માનવબળ કે સંગઠન-એ માનવીય તત્ત્વ છે.
સંસ્થાની ભૌતિક વ્યવસ્થા તેના લાભાર્થીની સંખ્યા મુજબ જે સંસ્થા ઊભી કરી શકે તે સંગઠન કે સંસ્થા પોતાના ક્ષેત્રે સારી રીતે કાર્ય કરવા સમર્થ નીવડે છે. પરંતુ જરૂરિયાત કરતાં હેતુઓને બાજુ પર મૂકી વધુ પડતી સગવડ ઊભી કરવા જે કોઈ સંગઠન પોતાના કાર્યક્ષેત્રમાં મિલકત કે સંપત્તિનો કબજો જમાવવાં રચ્યાપચ્યા રહી કામ કરતા હોય છે તે સંગઠન આખરે તેના લાભાર્થીઓથી વિમુખ બનવા લાગે છે. તેથી આવી સંસ્થા કે સંગઠન આત્મા વગરના શરીરની જેમ નિષ્પ્રાણ થઇ જાય છે. જાજરમાન વ્યક્તિત્વ ધરાવનાર અને સમાજનો તારણહાર મૃત્યુ પામતા તેનું કોઈ મૂલ્ય રહેતું નથી, તેવી જ વાત સંગઠન કે સંસ્થાને લાગુ પડે છે. કારણ કે સંસ્થામાં લાભાર્થીની વેદનાની વાત નથી ત્યાં શી રીતે સંવેદનાનું પારિજાત પુષ્પ ખીલી શકે? જાહેર સંસ્થાઓએ તેના પારદર્શક હિસાબો અને સેવા દ્વારા લાભાર્થી અને દાતાઓને જીતીને સેવાના શમિયાણાને સજાવતા રહેવું જોઈએ.
કોઈ પણ સંગઠન ત્યારે જ સફળ થયું કહેવાય જ્યારે તેની જે ઉદ્દેશ અને હેતુ માટે તેના લાભાર્થીઓના કલ્યાણ અને વિકાસ માટે સ્થાપના કરવામાં આવી હોય, તે ખરા અર્થમાં બર આવે એટલે કે વાસ્તવિક રીતે લાભાર્થી સુધી સેવાના ફળ પહોંચી શકે તેવી વ્યવસ્થાને સંસ્થાએ અપનાવી હોય. જાહેર સંસ્થા પોતાના હેતુઓ માટે નિભાવફંડ કે મિલકતના બદલે તેના લાભાર્થી પ્રત્યેની સાચી સંવેદનાથી સમાજના સહકાર વડે શોભવી જોઈએ. અથવા એમ કહો કે આવી સંસ્થા વખતોવખત સમાજનો સહયોગ પ્રાપ્ત કરી શકે તેવા નિષ્ઠાવાન માણસોથી ગતિશીલ રહેવી જોઈએ. સંસ્થાને કોઈ પણ પ્રવૃત્તિ માટે જરૂરી આર્થિક મદદ સમયસર મળી રહે તેવી શાખ ધરાવતા લોકો જ્યારે સંસ્થામાં કાર્યકર તરીકે કોઈ પણ સ્વાર્થ વગર કામ કરવા આતુર હોય ત્યારે જ સંસ્થા પોતાના ક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધી શકે.
જે કોઈ સંસ્થા કે સંગઠન પોતાની પ્રવૃત્તિ માટે થનાર વાર્ષિક ખર્ચ સમયસર પોતાની શાખ વડે એકત્રિત કરી લેવા સામર્થ્ય ધરાવતી હોય તે જ સંગઠનને નૈતિક રીતે કાર્ય કરવાનો અધિકાર છે. તેનાથી ઊલટું સંગઠનના લોકોને ભાવિપ્રવૃત્તિ માટે આર્થિક મદદ મળશે કે કેમ ? તેવી શંકાના કારણે મોટું નિભાવફંડ ઊભું કરવા, લાભાર્થીના કલ્યાણના હેતુને બાજુ પર મૂકી, ભંડોળ ભેગું કરવા હેતુવિરુદ્ધ પ્રવૃત્તિઓને પોષવી પડે; તેવા કોઈ પણ કાર્યને સેવાના શમિયાણામાં સ્થાન નથી.
મહાત્મા ગાંધી આફ્રિકામાં હિંદીઓના કલ્યાણ માટે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ નામની સંસ્થા ઊભી કરી જ્યારે કામ કરતા હતા ત્યારે તેમની પોતાની કર્મનિષ્ઠાને કારણે આંદોલનની પ્રવૃત્તિઓને વેગ મળતો. સંસ્થા આંદોલનની પ્રવૃત્તિઓને ચલાવવા સમયસર જરૂરી અનુદાન મેળવી લેતી. કારણ કે મહાત્મા ગાંધી પ્રત્યે લોકોને સમભાવ હતો. મહાત્મા ગાંધી હિંદીઓના કલ્યાણ માટે રાત દિવસ જોયા વિના સતત કાર્ય કરતા રહેતા. તેમની આ શાખના કારણે લોકો ઉદાર હાથે સંસ્થાની જરૂરિયાત મુજબ સંસ્થાએ ઠરાવેલ સભ્ય ફી કે વધારાની સહાય પણ સમયસર આપતા રહેતા હતા. પરંતુ મહાત્મા ગાંધીને કોઈ કામ અર્થે હિન્દુસ્તાન આવવાનું થયું. ભારતમાં તે વખતે અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજો સામે પ્રજાને ન્યાય અપાવવા હિન્દુસ્તાનભરમાં ભારત આવ્યા પછી તેમને ભ્રમણ કરવું પડ્યું. તેથી તેઓ લાંબો સમય સુધી દક્ષિણ આફ્રિકા જઈ શક્યા નહીં. મહાત્મા ગાંધીની ગેરહાજરીમાં નાતાલ ઈન્ડિયન કોંગ્રેસના મંત્રી તરીકે શેખ આદમમિયાંએ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી. તેમણે સભા સમક્ષ પ્રસ્તાવ લાવી સંસ્થા ચલાવવા નિભાવફંડ ઊભું કરવા પ્રયત્ન શરુ કર્યા. તેમને તેમાં સફળતા પણ મળી હતી. મહાત્મા ગાંધી હિન્દુસ્તાનમાંથી પરત આફ્રિકા પહોંચ્યા ત્યાં સુધીમાં લગભગ એક હજાર પાઉન્ડ જેટલું ફંડ સંસ્થાએ એકત્રિત કરી લીધું હતું. ગાંધીજીને તે વાતની ખબર પડતા તેમણે શેખ આદમમિયાએ આરંભેલી યાત્રાને આગળ વધારી. ગાંધીજી માનતા હતા કે સંસ્થા ચલાવવા થોડી મોટી રકમ ભેગી કરી જમીન અને મકાન ખરીદવા, તેને ભાડે આપી ભાડામાંથી મળતી આવકમાંથી સંસ્થાનો વહીવટી ખર્ચ ખૂબ સારી રીતે થઈ શકશે ને વારંવાર આર્થિક ભંડોળ માટે સંસ્થાએ પ્રયત્ન કરવો પડશે નહીં. સમય જતાં ગાંધીજીની ઈચ્છા મુજબ પાંચ હજારથી વધુ પાઉન્ડ સંસ્થાએ એકત્રિત કર્યા. તેમાંથી જમીન અને મકાનો ખરીદાયા. અંગ્રેજો સામેની ભારતીયો દ્વારા ચલાવતી લડતને ટેકો આપવા જેવા ગાંધીજી ભારત આવ્યા તેવી જ સંસ્થામાં ખટપટ શરૂ થઇ. સંસ્થામાં એવી તો ખટપટ થઈ કે મિલ્કતનું ભાડું સંસ્થાને મળવાને બદલે અદાલતમાં જમા થવા લાગ્યું. આવું ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિ નિમ્નલિખિત કણિકામાં ગરકાવ થવા લાગે છે.
એક અમસ્તી લીટી લખવા, ચોક તમારો માંગુ;
બીજાની જોઇ મોટી લીટી, ડસ્ટર કામે લગાવું.
લોકતંત્રની વાતો કરતો, ગાજરની પીપૂડી બજાવું;
મળે જો તક મને તો, મુખમાં તે દબાવું.
કોઈના દોષ દેખાડી તમને, તરભાણું મારું જમાવું;
સત્યના વાઘા પહેરી, અસત્યના ઓજાર સજાવું.
દંભી જગતના દર્પણ દેખી, દોષ ના છુપાવું;
પ્રાથું પ્રભુ! બંધ આંખોના જરુખે, ‘ઝગમગ’ ખરું જગત નિહાળું.

Previous articleનાળામાં મીની લકઝરી ખાબકતા માસુમ બાળા સહિત ૫ના મોત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે