પાંચ રાજયોના પરિણામોને લઇને ભાજપમાં સન્નાટો

733

પાંચ રાજ્યોના પરિણામો એક પણ રાજ્યમાં ભાજપની સત્તાના અણસાર સુધ્ધાં નહી આવતાં ભાજપની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો છે. તો બીજીબાજુ, પાંચેય રાજયોના પરિણામો અને તેના વલણની પરિસ્થિતિને જોતાં બપોર બાદ તો, દેશની સાથે સાથે ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભરૂચ સહિતના વિવિધ શહેરોમાં કોંગ્રેસના કાર્યકરો ઢોલ-નગારા, અબી-ગુલાલની છોળો ઉડાડી જોરદાર વિજયોત્સવ મનાવવાની શરૂઆત કરી દીધી હતી. એકબાજુ, ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્‌ ખાતે રીતસરના કાગડા ઉડી રહ્યા હતા અને કોઇ નેતા કે પ્રદેશ પદાધિકારી શોધ્યા જડતા ન હતા, ત્યારે બીજીબાજુ, કોંગ્રેસના કાર્યાલય ખાતે જશ્નનો માહોલ છવાયેલો જોવા મળતો હતો. આ વિજયોત્સવની ઉજવણી વચ્ચે રાજકોટ સહિતના શહેરોમાં સ્થાનિક પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ઉજવણી કરતાં અટકાવાયા હતા અને તેમની અટકાયત પણ કરાઇ હતી, જેને લઇ કોંગ્રેસમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ હતી. કોંગ્રેસેના સ્થાનિક નેતાઓએ ભાજપ સરકારના ઇશારે પોલીસ પર દમનનો આરોપ લગાવ્યો હતો. પાંચેય રાજ્યોની મતગણતરીમાં ભાજપના કાંગરા ખરતા જોઇ અમદાવાદ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્‌ ખાતે સન્નાટાનો માહોલ પથરાઇ ગયો હતો. ભાજપના સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારો તો ઠીક તેના કોઇ કાર્યકરો પણ ફરકતા દેખાતા ન હતા. બીજીબાજુ, શહેર કોંગ્રેસના એલિસબ્રીજ ખાતેના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ, એનએસયુઆઇ, મહિલા કોંગ્રેસ, રાજીવ બ્રિગેડ સહિતના સંગઠનોના કાર્યકરો અને નેતાઓ જીતના જશ્નની ઉજવણીમાં ગળાડૂબ બન્યા હતા. ઢોલ-નગારા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે કોંગ્રેસનો વિજયોત્સવ મનાવાયો હતો. આવા જ દ્રશ્યો વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ભરૂચ સહિતના સ્થળોએ પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નારા લગાવતાં જોવા મળ્યા હતા. પાંચ રાજ્યોના પરિણામો એક પણ રાજ્યમાં ભાજપની સત્તાના  અણસાર સુધ્ધાં જોવા મળ્યા ન હતા. કોંગ્રેસને બહુ નોંધપાત્ર ફાયદાની સાથે સાથે ભાજપનું જોરદાર ધોવાણ થયું હતું, તેને લઇ ભાજપની છાવણીમાં સન્નાટો પથરાઇ ગયો હતો. ગુજરાત બીજેપીના કાર્યાલય કમલમ્‌ ખાતે પણ વલણ જાહેર થતાં સન્નાટો વ્યાપી ગયો હતો.

બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમદાવાદ સહિતના વિવિધ શહેરોના કાર્યાલય અને માર્ગો પર કોંગ્રેસના કાર્યકરોએ વિજયોત્સવ મનાવાઇ રહ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો-નેતાઓએ ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચી જીતનો જશ્ન મનાવ્યો હતો. રાજકોટ સહિતના કેટલાક સ્થળોેએ પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરતાં કોંગ્રેસે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને પોલીસ પર સરકારના ઇશારે દમનકારી નીતિનો આરોપ લગાવ્યો હતો. ત્રણ રાજયોમાં સત્તા મેળવવાના કોંગ્રેસના પરિણામોને લઇ ગુજરાત સહિત દેશભરમાં મોડી રાત સુધી કોંગ્રેસની છાવણીમાં ભારે હર્ષોલ્લાસ અને જશ્નનો માહોલ છવાયેલો રહ્યો હતો.

Previous articleપાંચ રાજ્યનાં ચૂંટણી પરિણામો છતાં ગાંધીનગર કમલમ્‌ ખાતે સન્નાટો
Next articleમાનતા : કોંગ્રેસનો પંજો ઉપર રહેતા યુવાન ૧ કિમી આળોટી મંદિરે ગયો