લોકસભામાં રાફેલ-મંદિર મુદ્દે હોબાળા વચ્ચે ભારે સુત્રોચ્ચાર

559

રાફેલ ડિલમાં તપાસ અને અન્ય મુદ્દાઓની માંગને લઇને વિરોધ પક્ષોએ આજે ભારે ધાંધલ ધમાલ સંસદના બંને ગૃહોમાં મચાવી હતી. રાફેલ અને રામ મંદિરના મુદ્દા ઉપર લોકસભામાં ભારે હોબાળો થયો હતો જ્યારે રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. બે વખત કાર્યવાહી મોકૂફ કરવામાં આવ્યા બાદ બેઠક શરૂ થતાં કોંગ્રેસ, ટીડીપી અને શિવસેનાના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના મંચ સુધી જઇને દેખાવો કર્યા હતા જેના લીધે કાર્યવાહી તરત મોકૂફ કરી દેવામાં આવી હતી. લોકસભામાં સ્પીકરે શિવસેનાના સભ્યોને શૂન્યકાળ દરમિયાન મુદ્દો ઉઠાવવાની મંજુરી આપી હતી. શિવસેનાના આનંદ રાવે માંગ કરી હતી કે, સરકારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આગામી ચૂંટણીથી પહેલા વટહુકમ લાવવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વર્તમાન સરકારને સાડા ચાર વર્ષની અવધિ પુરી થઇ ચુકી છે. પરંતુ હજુ સુધી મંદિરને લઇને કોઇ પહેલ કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, અગાઉની ભાજપ સરકારો અનેક સાથી પક્ષો ઉપર આધારિત હતી પરંતુ આ વખતે બહુમતિની સરકાર છે છતાં રામ મંદિરમાં વિલંબ થઇ રહ્યો છે. રાવે કહ્યું હતું કે, તેમની માંગ બિલકુલ વાજબી છે. રાવની રજૂઆત બાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. ભારે ધાંધલ ધમાલ વચ્ચે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પહેલા કાર્યવાહી ૧૧.૨૦ વાગે અને ત્યારબાદ ૧૨ વાગ્યા સુધી કાર્યવાહી મોકૂફ કરી હતી.

૧૨ વાગે કાર્યવાહી ફરી શરૂ થયાની સાથે જ ધાંધલ ધમાલની શરૂઆત થઇ ગઇ હતી. આજે ગુરુવારના દિવસે શિયાળુ સત્રના ત્રીજા દિવસે દિવસની કાર્યવાહી રાઘવેન્દ્રને શપથ અપાવવાની સાથે શરૂ થઇ હતી. ૧૩મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે સંસદ પર કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પૂર્વ સભ્ય અમરિશને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સુમિત્રા મહાજને પ્રશ્ન કલાકની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ, ટીડીપી અને અન્નાદ્રમુકના સભ્યો ધાંધલ ધમાલ અને નારાબાજી કરીને અધ્યક્ષની નજીક પહોંચી ગયા હતા. કોંગ્રેસના સભ્યોએ રાફેલ ડિલમાં તપાસની માંગ કરી હતી. સંયુક્ત સંસદીય સમિતિ મારફતે તપાસની માંગ કરી હતી. રાફેલ મામલામાં જેપીસીની રચના કરવાની માંગ કરીને નારાબાજી કરવામાં આવી હતી. બીજી બાજુ શિવસેનાના સભ્યોએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દે નારાબાજી કરી હતી. પાર્ટીના સભ્યોએ માંગ કરી હતી કે, દેશભરના લોકો રામ મંદિરને લઇને માંગ કરી રહ્યા છે. બીજી બાજુ અન્નાદ્રમુકના સભ્યોએ કાવેરી ડેલ્ટાના ખેડૂતો માટે ન્યાયની માંગ કરીને દેખાવો કર્યા હતા. ખેડૂતોને તેમના અધિકારો મળી રહ્યા નથી  તેવી માંગ કરવામાં આવી હતી. ટીડીપીના સભ્યોએ આંધ્રપ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી.

Previous articleતેલંગાણાના મુખ્યમંત્રી તરીકે કેસીઆરની થયેલ તાજપોશી
Next articleદેશભરમાં કાતિલ ઠંડીનું મોજુ  કારગિલમાં માઇનસ ૯.૩