ગાંધીનગરમાં ચાર દિવસીય ખાદ્ય-ખોરાક પ્રદર્શન સીએમએ ખુલ્લુ મુકયુ

718

વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક પ્રદર્શન-૨૦૧૮ને ખુલ્લું મૂકતા જાહેર કર્યું કે નાગરિકોને સ્વચ્છતા સાથે સ્વાસ્થ્યપ્રદ ખાનપાન વાનગીઓ મળી રહે તે માટે નગરો-મહાનગરોમાં હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ શરૂ કરાશે.

આવી સ્ટ્રીટ સ્થાનિક શહેરી સત્તાતંત્રો અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્‌ટી તંત્રના સહયોગથી કાર્યરત કરવાની નેમ તેમણે દર્શાવી હતી.

ખાદ્ય ખોરાકનું આ ૧૬મું પ્રદર્શન ૧૪ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર – હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાઇ રહ્યું છે.આજના યુગમાં ઇન્સ્ટન્ટ ફૂડ પ્રત્યે લોકોની વધતી માગના સંદર્ભમાં કહ્યું કે ખાદ્ય પદાર્થો- બનાવટમાં સ્વસ્થતા અને આરોગ્ય રક્ષા સાથે સમયાનુકૂલ પરિવર્તન માટે નવિન ટેક્નોલોજી અને નવા ઇનોવેશન્સ જરૂરી બન્યા છે. આવી ટેક્નોલોજી- ઇનોવેશન્સનો લગ્ન સમારોહ, મેળાવડાઓ, જાહેર સમારંભોમાં વ્યાપક ઉપયોગ કરીને હ્યુમન ટચ ઓછો અને ઓટોમેટીક મશીન્સનો ઉપયોગ વધુ થાય તેવી હિમાયત કરી હતી.

આગામી વાયબ્રન્ટ સમિટમાં પણ આવી ટેક્નોલોજી-ઇનોવેશનના ઉપયોગની મનસા વ્યક્ત કરી હતી.  ૧૦૦થી વધુ દેશ-વિદેશની ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજીના સ્ટોલ્સ સાથે ભારતીય વ્યંજનને વૈશ્વિક સ્વીકૃતિના હેતુથી ફૂડ ઓફ ઇન્ડિયા પોર્ટલ પણ આજે શરૂ થયા છે.

આ પ્રદર્શનની થીમ સર્વ ધી ગ્લોબને ઉપયુક્ત ગણાવતા કહ્યું કે ગુજરાતની પરંપરાગત ખાન-પાન વાનગીઓ સાથે ભારતના વિવિધ પ્રાંતની વાનગીનો સ્વાદિષ્ટ-શુદ્ધ રસથાળ વિશ્વને પિરસીને શુદ્ધતા-સાત્વિકતા અને શાકાહારી ખોરાક તરફ વિશ્વને પ્રેરિત કરવું છે. દરેક માનવી માટે રોટી-કપડા અને મકાન એ પાયાની જરૂરિયાત છે. રોટી એટલે કે ખોરાક સાત્વિક-શુદ્ધ અને આરોગ્યપ્રદ હોય તો આપણા શાસ્ત્રોએ પણ સ્વીકારીને અન્નને દેવતાની ઉપમા આપેલી છે, એટલે જ અન્ન એવો ઓડકાર કહેવત પડી છે.

Previous articleગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારની ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રની હકારાત્મક નીતિઓ મહત્વરૂપ : સૌરભભાઈ પટેલ
Next articleશ્રી બાવનવાંટા રાજપુત સમાજનું સ્નેહમિલન યોજાયું