ખેડૂતની દેવા માફીની વાત કરી કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે : મોદી

816

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીએના ચેરમેન સોનિયા ગાંધીના ગઢ ગણાતા રાયબરેલીમાં પહોંચ્યા હતા અને ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં હાર ખાધા બાદ પોતાના અસલ અંદાજમાં ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી. રાયબરેલીમાં જનસભાને સંબોધતા મોદીએ ખેડૂતોની દેવા માફીની વાત કરનાર કોંગ્રેસની અનેક બાબતોને ખુલ્લી પાડી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કર્ણાટકમાં ૧૦ દિવસની અંદર ખેડૂત દેવા માફીની વાત કોંગ્રેસે કરી હતી પરંતુ હજુ સુધી છ મહિનાનો ગાળો હોવા છતાં ૧૦૦૦ ખેડૂતોના દેવા પણ માફ થયા નથી. દેવા માફીના નામ ઉપર દેશના ખેડૂતો સાથે રમત રમવામાં કોંગ્રેસ પાર્ટી વ્યસ્ત હોવાની વાત કરીને મોદીએ કોંગ્રેસ ઉપર ખેડૂતના નામ ઉપર મત લેવાના મુદ્દે પ્રહારો કર્યા હતા. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ત્રણેય રાજ્યોમાં સરકાર બન્યા બાદ દેવા માફીનું વચન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકમાં છ મહિના થયા હોવા છતાં ૧૦૦૦ ખેડૂતોનું દેવું પણ માફ થયું નથી. કોર્ટ દ્વારા ખેડૂતો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સરકારો મૌન બનેલી છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતો અને જવાનોની પરેશાની તરફ ક્યારે પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. ખેડૂતોની આવક વધારવા માટે નીતિઓ બનાવવામાં આવી રહી નથી. એમએસપી પર એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે ખેડૂતોને ૬૦૦૦૦ કરોડ રૂપિયાનો સીધો ફાયદો થયો છે. વર્તમાન એનડીએ સરકારે ખેડૂતોની આવક વધારવા માટે એમએસપી પર સ્વામિનાથન કમિટિના રિપોર્ટના અમલી કરવામાં પણ સફળતા મેળવી છે.

ખરીફ અને રવિની ૨૨ પાક પર એમએસપી નક્કી કરવામાં આવ્યા છે. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં કિસાન વિમા માટે ૧૫ ટકા પ્રિમિયમ લેવામાં આવતા હતા. ભાજપ સરકારમાં પાક વિમા યોજના હેઠળ એકથી પાંચ ટકા પ્રિમિયમ લેવામાં આવ્યા છે. ખેડૂતો પાસેથી ૮૦૦૦ કરોડ રૂપિયા લઇને ૩૩૦૦૦ કરોડ રૂપિયા પાક ખરાબ થવાની સ્થિતિમાં ખેડૂતોને પરત કરવામાં આવ્યા છે. છેલ્લા ૭૦ વર્ષમાં પ્રથમ વખત કોઇ સરકારે ખેડૂતોની આવકમાં વધારો કરવા વિચારણા કરી છે તો તે ભાજપ સરકાર હોવાનો દાવો મોદીએ કર્યો હતો. સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર રાયબરેલીમાં મોદી આક્રમક અંદાજમાં દેખાયા હતા. કોંગ્રેસ ઉપર સેનાના અપમાનનો આક્ષેપ કરતા રાફેલ વિવાદ પર પણ જવાબ આપ્યા હતા. ગોસ્વામી તુલસીદાસની રામચરિત્ર માનસમાં ઉલ્લેખ બાબતોને રજૂ કરીને મોદીએ કહ્યું હતું કે, કેટલાક લોકો ખોટા આક્ષેપો કરતા રહે છે. કોંગ્રેસની હાલત પણ એવી જ થયેલી છે. રામચરિત માનસમાં ભગવાન રામ એક વખતે એમ કહેતા નજરે પડે છે કે, કેટલાક લોકોને ખોટુ બોલવાની, ખોટી બાબત બીજા સુધી પહોંચાડવાની, ખોટા ભોજન કરવાની અને ખોટી ચીજો ચાવવાની ટેવ પડી ગયેલી હોય છે. મોદીએ રાફેલ ડિલ ઉપર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ માટે સંરક્ષણમંત્રાલય, સંરક્ષણ મંત્રી, ભારતીય હવાઇદળના અધિકારી, ફ્રાંસની સરકાર, કોર્ટ તમામ ખોટી બાબત છે પરંતુ વાસ્તવિકતાનું ક્યારે પણ સજાવટ કરવાની જરૂર હોતી નથી. જુઠ્ઠાણા કેટલી વખત પણ બોલાવામાં આવે તેમાં તાકાત હોતી નથી. મોદીએ કહ્યું હતું કે, હાલમાં કેટલાક લોકોને ભારત માતાની જયના નારાને લઇને પણ પરેશાની થાય છે. મોદીએ ૧૯૭૧ના યુદ્ધમાં સામેલ થયેલા ભારતીય સૈનિકોને યાદ કરતા સરહદ ઉપર તૈનાત જવાનોની તરફેણમાં ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. તમામ લોકોને ભારત માતાની જય બોલવામાં ગર્વ છે પરંતુ કેટલાક લોકોને આને લઇને દુખ થાય છે. આજે દેશની સામે બે પક્ષ છે. એક પક્ષ સત્ય, સુરક્ષા અને સરકારનો છે જે દેશને અને સેનાને મજબૂત કરવા ઇચ્છુક છે. બીજો પક્ષ દેશને કમજોર કરનાર છે. આજે દેશના લોકો જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ એવા લોકો સાથે જે દેશને મજબૂત કરવા ઇચ્છુક નથી.

Previous articleકમલનાથ-ગેહલોતની આજે મુખ્યપ્રધાન તરીકે તાજપોશી
Next articleહદપારના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેતી એલસીબી