શીખ રમખાણ : કોંગી નેતા સજ્જન કુમારને જન્મટીપ

627

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મામલે દિલ્હી હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા છે. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્‌યા છે.

અત્રે જણાવવાનું કે આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે ૨૯ ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણો પીડિતો અને દોષિતો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. સજ્જનકુમારે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં સરન્ડર કરવાનું છે. દિલ્હી હાઈકોર્ટે ચુકાદો વાંચતા કહ્યું કે ૧૯૪૭ના ભાગલા વખતે પણ અનેક લોકોની હત્યા કરવામાં આવી હતી.

૩૭ વર્ષ બાદ દિલ્હીમાં આવી જ ઘટના ઘટી. આરોપી રાજકીય સંરક્ષણનો ફાયદો ઉઠાવીને સુનાવણીમાંથી બચી નીકળ્યાં. શિરોમણી અકાલી દળના નેતા મનજિંદ સિંહ સિરસાએ કહ્યું કે આ ચુકાદા બાદ અમે હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. સજ્જનકુમાર અને જગદીશ ટાટીટલરને ફાંસીના ફંદા સુધી પહોંચાડવામાં અને ગાંધી પરિવારના લોકોને કોર્ટ જેલ પહોંચાડવા સુધી અમારો સંઘર્ષ ચાલુ જ રહેશે. નોંધનીય છે કે ૩૪ વર્ષ બાદ કોર્ટે સજ્જનકુમારને દોષિત ઠેરવ્યાં. આ અગાઉ તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. સીબીઆઈએ પહેલી નવેમ્બર ૧૯૮૪ના રોજ દિલ્હી કેન્ટના રાજ નગર વિસ્તારમાં પાંચ શિખોની હત્યાના મામલે કોંગ્રેસ નેતા સજ્જનકુમારને છોડી મૂકવાના નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ કોર્ટે પૂછ્યું હતું કે સ્ટેટ મશીનરી શું કરી રહી હતી. ઘટના દિલ્હી કેન્ટોન્મેન્ટની બરાબર સામે ઘટી હતી. મે ૨૦૧૩માં સીબીઆઈ અને પીડિત પરિવારના લોકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

Previous articleમુંબઈમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ, ૬નાં મોત
Next article‘ફેથઈ’ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું, ૨ લોકોના મોત