‘ફેથઈ’ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું, ૨ લોકોના મોત

602

આંધ્ર પ્રદેશના તટીય વિસ્તાર પૂર્વ ગોદાવરી જિલ્લામાં સોમવારે બપોર પછી ’ફેથઈ’ વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાને કારણે વિજયવાડા શહેરમાં ભૂસ્ખલનથી એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના જણાવ્યા પ્રમાણે આ બનાવ સિવાય અન્ય કોઈ મોતના સમાચાર મળ્યા નથી.

વાવાઝોડાના પગલે તકેદારીના ભાગરૂપે તટીય જિલ્લાઓમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.વાવાઝોડાની અસરથી આશરે ૨૩ મુસાફર ટ્રેનને રદ કરવામાં આવી છે. એક ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે એક ટ્રેનને વચ્ચે અટકાવી દેવામાં આવી છે. ’ફેથઈ’ વાવાઝોડું કલાકના ૧૬ કિલોમીટરની ઝડપે પૂર્વ ગોદાવરી જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ તટીય વિસ્તારોમાં સાવચેતીના તમામ પગલાં લેવાની સૂચના આપી છે. વાવાઝોડું સવારે ૧૧.૩૦થી ૨.૩૦ની વચ્ચે કાકીનાડા અને માછલીપટનમ કાંઠેથી પસાર થયું હતું.

વાવાઝોડાને કારણે પૂર્વીય ઘાટ તેમજ કાંઠાના વિસ્તાર જેવા કે પચીમા ગોદાવરી, વિશાખાપટનમ, વિઝિયાનગરમમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વિશાખાપટનમમાં વાવાઝોડાને પગલે ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડાને પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. વાવાઝોડાને પગલે લોકોને ત્વરીત મદદ મળી રહે તે માટે કંટ્રોલરૂમ શરૂ કરીને નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

વાવાઝોડને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. રવિવારે તટીય વિસ્તાર અને ખાસ કરીને ક્રિષ્ના જિલ્લામાં ભારે પવનની સાથે સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી.

Previous articleશીખ રમખાણ : કોંગી નેતા સજ્જન કુમારને જન્મટીપ
Next articleશપથ લેતાની સાથે કમલનાથે ખેડૂતોના દેવા માફ કર્યા