ઓગસ્ટા પ્રકરણ : મિશેલની ૧૦ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

596

દિલ્હીની એક અદાલતે આજે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડિલ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ૧૦ દિવસ માટે ન્યાયિક કસ્ડટીમાં મોકલી દેવામાં આવ્યો હતો. મિશેલની ૧૪ દિવસની સીબીઆઈ કસ્ટડીની અવધિ આજે પુરી થઇ હતી. તેને ૨૮મી ડિસેમ્બરથી પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બ્રિટિશ નાગરિક ૫૭ વર્ષીય મિશેલના વકીલે સ્પેશિયલ જજ અરવિંદ કુમારને કહ્યું હતું કે, મિશેલની વધારે પુછપરછની જરૂર નથી જેથી કસ્ટડીમાં રાખવાથી કોઇ ફાયદો થશે નહીં. મિશેલને દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાંચ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

ત્યારબાદ ફરી પાંચ દિવસ માટે અને ફરી ચાર દિવસ માટે તેની કસ્ટડી વધારી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૫મી ડિસેમ્બરના દિવસે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ (૫૭)ની કસ્ટડી ચાર દિવસ માટે વધારી દીધી હતી. સીબીઆઈએ પાંચ દિવસ માટે વધારાની કસ્ટડીની માંગ કરી હતી. જેની સામે ચાર દિવસની કસ્ટડી મંજુર કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કોર્ટમાં માહિતી આપી હતી કે મિશેલને કોસ્યુલર એક્સેસ ઉપલબ્ધ કરાવવા પર વિદેશ મંત્રાલયમાં વિચારણા ચાલી રહી છે. મિશેલની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

બીજી બાજુ મિશેલને સીબીઆઈ કોર્ટમાં રજુ કરતા પહેલા તેમના વકીલ જોસેફે પટીયાલા હાઉસ કોર્ટમાં રજુઆત કરી હતી. મિશેલના ઈટાલિયન વકીલ રોઝ મેરીને પાવર ઓફ એટર્ની આપવાની માંગ કરવામાં આવી હતી. જેથી તેઓ તેમની સામે રેડ કોર્નર નોટિસને પરત લેવા માટે ઈન્ટરપોલમાં તેમનું પ્રતિનિધિત્વ કરી શકશે.

Previous articleઆધારકાર્ડ માટે દબાણ કરનારને, ૧ કરોડનો દંડ અને૧૦ વર્ષની કેદ
Next articleઅમ્બેર હિયર્ડ અબજોપતિ ઇલોનના પ્રેમમાં :અહેવાલ