કેન્દ્રની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે રાજ્યમાં કરી અછત સમીક્ષા

749

રાજ્યની અછતગ્રસ્ત પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની ઉચ્ચ અધિકારીઓની ટીમ ૧૪થી ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી હતી. તેઓની અલગ અલગ ટીમોએ કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ઘાસ ડેપો, ગૌ શાળા, ડેમમાં પાણીની સ્થિતિ, પાકની સ્થિતિ, પીવાના પાણીનું વિતરણ સહિતની રાહતને લગતી બાબતોની વિગતે સંબંધિત વિભાગોના સચિવઓ સાથે સમીક્ષા કરી હતી. ટીમના સભ્યોએ રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહતની કરવામાં આવેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અછત સંદર્ભે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૧૭૨૫ કરોડની રાહત સહાયની માંગણી કરવામાં આવેલ છે. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિના અનુસંધાને રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓમાં ચોમાસા પૂર્વેથી જ ઘાસ વિતરણની શરૂઆત કરેલ હતી. જે અંતર્ગત રાજ્યના અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઓક્ટોબર ૨૦૧૮થી રાજ્યના ૧૬ જિલ્લાઓમાં કરાયેલ અછતની જાહેરાત પૂર્વે ૨૫૪ લાખ કિ.ગ્રા. જેટલા ઘાસનું રાહતદરે વિતરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે પૈકી કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ૨૪૮ લાખ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ અછતગ્રસ્ત જાહેર કરાયેલ ૧૧ જિલ્લાના ૫૧ તાલુકામાં ૭૦૦ લાખ કિ.ગ્રા. ઘાસના જથ્થાનો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જેમાંથી ૪૭૬ લાખ કિ.ગ્રા. ઘાસના જથ્થાનું વિતરણ કરી દેવામાં આવેલ છે.

મહેસૂલ પ્રધાને વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં કેટલ કેમ્પ શરૂ કરવાની જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં ૪ કેટલાક કેમ્પની માંગણી મુજબ મંજુરી આપવામાં આવેલ છે.

જેમાં અંદાજે ૩,૦૦૦ જેટલા પશુઓની નિભાવણી થઈ રહી છે. અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની પાંજરાપોળ / ગૌ શાળામાં નિભાવણી થઈ રહેલ ૨.૨૦ લાખ જેટલા પશુઓને પશુ સહાય પેટે રૂ. ૧૦.૩૬ કરોડથી વધુની રકમ ચુકવવામાં આવેલ છે. અછતની પરિસ્થિતિમાં જાહેર કરવામાં આવેલ ૫૧ તાલુકામાં મનરેગા યોજના હેઠળ વર્ષ દરમિયાન ૧૦૦ દિવસની રોજગારીના બદલે ૧૫૦ દિવસની રોજગારી પુરી પાડવા નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે ૧૭૬૧ ગ્રામ પંચાયતોમાં કુલ ૯ હજાર જેટલા કામો અન્વયે ૫૦ હજાર જેટલા અસરગ્રસ્તોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

Previous articleDG કોન્ફરન્સ : ગુહમંત્રી રાજનાથ સિંહ પહોચ્યા ટેન્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત
Next articleરાજ્યભરમાં હાડ થિજાવતી ઠંડી : નલિયામાં પારો ૪.૪