ખાનગી શાળાઓએ મંજૂર ફી નોટિસ બોર્ડ પર મુકવી પડશે

674

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મનમાની ફી ઉઘરાવીને વાલીઓને પરેશાનીમાં મૂકતા ખાનગી શાળા સંચાલકોને હવે તેમને જેટલી ફી વધારા મંજૂરી મળી હશે તે પત્રની નકલ હવે શાળાના નોટિસબોર્ડ પર ફરજિયાત મૂકવી પડશે. ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારા માટે રજૂઆત કર્યા બાદ ફી નિર્ધારણ કમિટીએ દરેક શાળાને વર્ષ ર૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષમાં કેટલી ફી વિદ્યાર્થી-વાલી પાસેથી લેવી તેનો મંજૂરીપત્ર આપેલો હોય છે. તેથી ખાનગી શાળાઓએ ફરજિયાતપણે આ સમગ્ર વિગતો નોટિસ બોર્ડ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણમાં આવે તે રીતે મૂકવાની રહેશે. ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી ફીની રકમ સિવાય કેટલીક શાળાઓ ઇત્તર પ્રવૃત્તિના નામે કે પછી અન્ય કારણસર ફી વધારે વસૂલતી હોવાની ફરીયાદો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓને વાલીઓ દ્વારા મળતી હતી. આ ફરીયાદોના પગલે હવે શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે તમામ ખાનગી શાળા સંચાલકોએ ફી નિર્ધારણ કમિટીએ મંજૂર કરેલા આદેશ મુજબની ફી જ વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસેથી વસૂલવાની રહેશે અને જો ખાનગી શાળા સંચાલક દ્વારા ફી નિર્ધારણ સમિતિ દ્વારા નિયત કરેલી ફીથી વધુ રકમ વસૂલવામાં આવી હશે તો તેને તાત્કાલિક સરભર કરી આપવાની રહેશે.

ડીઇઓ કચેરી દ્વારા વાલીઓની ફરિયાદના આધારે ચકાસણી કરવામાં આવશે અને જો આ બાબતે નિયમભંગ થયો હશે તો નિયમ અનુસાર જે તે શાળા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરાશે તેવું ડીઇઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. તેથી હવે ફી નિર્ધારણ કમિટી પાસેથી ફી મંજૂરીનો આદેશ મેળવનારી ખાનગી શાળાઓએ તે આદેશ શાળાના નોટિસ બોર્ડ પર મૂકવો પડશે અને તે જ પ્રમાણેની ફી લેવાની રહેશે. જે શાળાઓ ફી નિર્ધારણ કમિટીના કાયદા અનુસાર ફી લેવા સહમત છે. તેવી શાળાઓએ કમિટી સમક્ષ એ પ્રમાણેનું સોગંદનામું રજૂ કરવાનું રહે છે.  કાયદા મુજબ પ્રાથમિક વિભાગ માટે રૂ.૧પ,૦૦૦, માધ્યમિક વિભાગ માટે રૂ.રપ,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ર૭,૦૦૦નું ફીનું ધોરણ નક્કી કરાયું છે. રાજ્યભરમાં કુલ ૧૬,૦૦૦થી વધુ ખાનગી શાળાઓ આવેલી છે. આ સંજોગોમાં હવે ખાનગી શાળાઓએ નોટિસ બોર્ડ પર ફી ની વિગતો ફરજિયાતપણે લગાવવી પડશે.  આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને ફીની પારદર્શિતાનો ખ્યાલ આવી શકશે.

Previous articleમને ન ખરીદવો એ કિંગ્સ ઇલેવન પંજાબની મોટી ભૂલઃ યુવરાજ સિંહ
Next articleસૂરતમાં ૨૪ કલાકમાં દારૂની બે મહેફિલો ઝડપાતા ચકચાર, ૨૧ મહિલાની ધરપકડ