ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવામાફીનો ૧૦ દિવસમાં નિર્ણય કરશે : રાહુલ ગાંધી

746
bvn1122017-9.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમરેલીના લાઠી, બોટાદ, ગઢડા, બરવાળા, વલ્લભીપુર અને ભાવનગર શહેરના નારી સર્કલ ખાતે જાહેરસભા યોજી હતી અને ભાજપ અને મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ૧૦ દિવસમાં ખેડૂતોના દેવામાફીનો નિર્ણય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
 રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર નોટબંધી અને જીએસટીને લઇ મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા હતા ને જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે દરેક સમાજો આંદોલનો કરી રહ્યા છે, જે ભાજપ પરત્વેની નારાજગી દર્શાવે છે. ભાજપે તેના ૨૨ વર્ષોના શાસનમાં લોકોનું શોષણ જ કર્યું છે પરંતુ જનતા તેનો જવાબ હવે વિધાનસભા ચૂંટણીમાં આપશે અને કોંગ્રેસની 
સરકાર બનાવશે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે તો, અમે દસ દિવસમાં જ રાજયના ખેડૂતોનું દેવુ માફ કરીશું, ૧૧મો દિવસ નહી થવા દઇએ. મોદીના નાણાપ્રધાન કહે છે કે, ખેડૂતોના દેવા માફ કરવાની તેમની નીતિ નથી પરંતુ ખેડૂતોના દેવા માફ કરવાની નીતિ કોંગ્રેસની છે. તેમના મનની વાત સંભળાવી જાય છે. પરંતુ તેઓ કદી તમારા મનની વાત સાંભળતા નથી. કોંગ્રેસની સરકાર આવશે તો, તમારા મનની વાત ગુજરાતની જનતાની વાત સાંભળશે. કોંગ્રેસની સરકાર ગરીબોની, ખેડૂતોની, જનતાની વાત સાંભળશે. તમારા વીજળી, પાણી અને જમીનનો ફાયદો તમારા સુધી પહોંચાડશે. મોદીજીની જેમ એક કંપનીને રૂ.૩૫ હજાર કરોડ રૂપિયા કોંગ્રેસ કોઇને નહી આપે. આટલા રૂપિયા તમારા શિક્ષણ, આરોગ્ય અને રોજગારી પાછળ ખર્ચવામાં આવશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, મોદીજીએ નોટબંધીનો વજ્રાઘાત માર્યા બાદ જીએસટીનો મરણતોલ ફટકો માર્યો, જેનાથી નાના વેપારીઓ, દુકાનદારો બરબાદ થઇ ગયા. દેશમાં અમીર ઉદ્યોગપતિઓના દેવા-લોન માફ કરી દેવાય છે પરંતુ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી. મોદી સરકાર ફસલ વીમા યોજનાની વાતો કરે છે પરંતુ ખેડૂતોને પાક વીમાની પૂરતી રકમ ચૂકવાતી નથી.
નોટબંધી અને જીએસટીને પગલે દેશમાં લાખો લોકો બેકાર અને બેરોજગાર થઇ ગયા. પંદર લાખ રૂપિયા દરેકના ખાતામાં નાંખવાની વાત કરી હતી તે પણ હજુ પૂરી થઇ નથી. દેશમાં આજે લાખો બેરોજગાર યુવકો રોજગારી માટે તરસી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સેવા કથળી ચૂકી છે અને હાલત કફોડી બની છે. પાંચ-દસ લાખ રૂપિયા ના હોય તો સંતાનોને કોલેજમાં ભણવા મોકલી શકાતા નથી અને પૈસા વગર આરોગ્યની સારવાર શકય બનતી નથી આ છે મોદીજીના ગુજરાતનું વિકાસ મોડેલ. સભાના પ્રારંભે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભારત જોડવાની શરૂઆત કરેલી અને અખંડ ભારતનું નિર્માણ કરેલું. જે મોદી સરકાર તોડવા જઈ રહી છે તેમ જણાવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના અશોક ગેહલોત, સિધ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી તેમજ ભાવનગરના ઉમેદવારો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
 

Previous articleરાજ્યમાં કોંગ્રેસ જાતિવાદ સાથે ચૂંટણી લડવા નિકળેલ છે : યોગી આદિત્યનાથ
Next articleમોદીના નેતૃત્વમાં દેશ ઇમાનદારી તરફ વધ્યો છે : રૂપાણી