ખુદના દુઃખથી અન્યની વેદના મોટી છે તેવું સમજનાર વ્યક્તિ ખરો માનવ બને છે

1099

પરદેશની આ વાત છે. એક વર્ષના બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકને પેટનો દુખાવો ઉપડયો હતો. હૉસ્પિટલમાં દાખલ થનાર દર્દીની પ્રારંભિક તપાસ ડ્‌યૂટી નર્સ દ્વારા કરવામાં આવતી, તે મુજબ બાળકની તપાસ થઈ રહી હતી. ડ્‌યૂટી નર્સને બાળકના દર્દની ગંભીરતા સમજાતા, તેને થયું આ બાળકનું ઍપેન્ડિક્સ પાકી ગયું છે. તે ગમે ત્યારે ફાટી શકે છે. આ બાળકની જિંદગી જોખમ ભરી છે. તે ટેલિફોનનું રિસીવર ઉપાડી ઇમર્જન્સી ડૉક્ટરને બોલાવવા ફોન જોડે છે. ફોન પર ડૉક્ટર સાથે વાત થતાં ઇમર્જન્સી ડૉક્ટર આવી પહોંચે છે. બાળકની જરૂરી તપાસ કરી બોલી ઊઠે છેઃ ‘ઑપરેશન તાત્કાલિક કરવું પડશે અન્યથા બાળકની જિંદગી જોખમમાં છે. ઑપરેશન ગંભીર હોવાથી મુખ્ય સર્જનને બોલાવવા પડશે. સર્જન આવે પછી જ કંઈ પણ થઈ શકે, આમ કહી ઇમર્જન્સી ડૉક્ટર વિદાય થાય છે. ડ્‌યૂટી નર્સ પુનઃ ટેલિફોનનું રિસીવર ઉપાડે છે. મુખ્ય સર્જનનો સંપર્ક થઇ શકતો નથી. બીજી તરફ બાળકનું દર્દ વધવા લાગે છે. બાળકનો પિતા બાળકની હાલત જોઈ આકુળ-વ્યાકુળ થવા લાગે છે. ડ્‌યૂટી નર્સ વારંવાર મુખ્ય સર્જનનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરે છે. પરંતુ કોઈ પણ રીતે મુખ્ય સર્જનનો સંપર્ક થઇ શકતો નથી.
આ બાજુ બાળકનો પિતા ધૂંઆપૂંઆ થઈ મન ફાવે તેમ બરાડા પાડી બોલવા લાગે છેઃ ‘અરે કોઈ સાંભળે છે? અહીં દર્દીઓ માટે ડૉક્ટરને કોઈ સંવેદના જ લાગતી નથી. કોઈને બાળકના દર્દની ચિંતા હોય તેવું લાગતું નથી. વારંવાર ફોન કરવા છતાં મુખ્ય ડૉક્ટરસાહેબ આવતા નથી. એ આવે એટલે તેની આજે ખબર લઇ લેવી છે. તેને ખરીખોટી સંભળાવી, તેની ફરજનું આજે ભાન કરાવવું છે. કોને ખબર કેટલા દર્દીઓની આવા બેદરકાર ડૉક્ટરના કારણે હાલત ખરાબ થઈ જતી હશે ! કેટલા દર્દીઓની જિંદગી પર બેજવાબદાર ડૉક્ટરોના કારણે પૂર્ણવિરામ મુકાઈ જતું હશે?’ બીજી તરફ ડ્‌યૂટી નર્સ વારંવાર ટેલિફોનનું રિસીવર ઉપાડી મુખ્ય સર્જનનો સંપર્ક કરવા પ્રયત્ન શરૂ રાખે છે. પરંતુ તેને કોઈ પણ રીતે સફળતા મળતી નથી. આખરે તે ટેલિફોનનું રિસીવર મૂકી ડૉક્ટરને પેજરથી પોતાનો સંદેશ મોકલે છે. લગભગ અડધા જ કલાકમાં મુખ્ય સર્જન હાંફળાફાંફળા થતા દોડતા આવી પહોંચે છે. બાળકનો પિતા મુખ્ય સર્જનને અટકાવી બોલવા લાગે છેઃ ‘તમને લોકોને દર્દીઓની કંઈ પડી છે? હૉસ્પિટલના સંચાલકો તમારી જેવા બેજવાબદાર ડૉક્ટરોની ભરતી શા માટે કરે છે? આજે તમારી ફરિયાદ મુખ્ય સંચાલક સુધી પહોંચાડીશ. મારું બાળક કેટલી કલાકોથી પીડાય છે, તેની તમને ખબર છે? માંડ કરી અમે હૉસ્પિટલ પહોંચ્યા. છેલ્લા એક કલાકથી નિદાન અને તપાસના નામે કોઈ જવાબ આવતું નથી.’ ડૉક્ટર ચહેરા પર હાસ્ય લાવી બાળકના પિતાને શાંતિ જાળવવા વિનંતી કરે છે. બાળકનો પિતા વધુ ગુસ્સે થઈ ફરી બોલવા લાગે છેઃ ‘હૉસ્પિટલમાં આવનાર દર્દીએ જો ભગવાન ભરોસે રહેવાનું હોય તો તમારા લોકોનું કામ શું છે? તમને દર્દીઓની સારવાર માટે તગડો પગાર અપાય છે તેમ છતાં તમે લોકો હૉસ્પિટલમાં ગંભીરતાપૂર્વક તમારી ફરજ અદા કરતા નથી. તમને કોઈ કહેનાર છે કે કેમ?, ડૉક્ટર સ્મિત વેરી બાળકની સારવાર માટે રૂમમાં પ્રવેશવા ગુસ્સે થયેલ મહાશયને માર્ગ આપવા આંખના ઇશારે વિનંતી કરે છે.
દરવાજામાં પ્રવેશવાની મુખ્ય સર્જનને જગ્યા મળતા બાળકની સારવાર આરંભે છે. થોડી જ વારમાં બાળકને તાબડતોબ ઑપરેશન થિયેટરમાં લઈ જઈ ઑપરેશન શરૂ કરવામાં આવે છે. લગભગ બે કલાક સુધી ઑપરેશન ચાલે છે. ઍપેન્ડિક્સનું ઑપરેશન પૂરું થતાં ડ્‌યૂટી નર્સ અને અન્ય ડૉક્ટરોને બાકીની કાર્યવાહી આટોપવાનો નિર્દેશ કરી, મુખ્ય સર્જન ઑપરેશન થિયેટર બહાર આવી; વેઇટિંગ રૂમમાં બેઠેલા બાળકના પિતાને ઉદ્દેશી કહે છેઃ ‘ઑપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તમારું બાળક હવે ભયમુક્ત છે. વધુ કઈ જાણવું હોય તો ડ્‌યૂટી નર્સનો સંપર્ક કરશો’ તેમ કહી મુખ્ય સર્જન વિદાય થાય છે. વાયુવેગે દોડતા સર્જન તરફ ડોકું ફેરવી બાળકનો પિતા બોલવા લાગે છેઃ ‘નહીં જોયો હોય મોટો ડૉક્ટર ! એક મિનિટનોય સમય આપતો નથી. પૂરી વાત કહ્યા વિના ભાગવાની આટલી શી ઉતાવળ હશે? ભારે અભિમાની ડૉક્ટર છે. આની ફરિયાદ તો મારે કરવી જ જોઈએ. મરણપથારીએ પડેલા મારા બાળકની એને જરા પણ ચિંતા નહીં થતી હોય? શું આ લોકો માટે પૈસો જ પરમેશ્વર છે?’ આવું ઘણું બધું બોલતા બોલતા બાળકના પિતાનો અવાજ તરડાઈ ગયો. અવાજ સાંભળીને ડ્‌યૂટી નર્સ ઑપરેશન થિયેટરમાંથી બહાર આવી ખૂબ મૃદુ અવાજે બાળકના પિતા સામે જોઇ બોલી ઊઠે છેઃ ‘મહાશય, આપને અમારા મુખ્ય સર્જન એવા ડૉક્ટરસાહેબની ખરી ઓળખ થઇ નથી. તેઓ ખૂબ પ્રેમાળ છે. તમારા બાળકના ઑપરેશન સમયે તેઓ ચોધાર આંસુએ રડતા હતા. બાળકની હાલતથી તેઓ વ્યથિત હતા. મહામહેનતે તેમણે કેસ બચાવ્યો છે. મહાશય, તમે એ વાત પણ સાંભળી લો, કે-વારંવાર હું તેમનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરતી હતી ત્યારે ડૉક્ટરસાહેબ પોતાના ઘરે હાજર નહોતા, તેથી તેમનો સંપર્ક કરી શકી ન હતી. કારણ કે ડૉક્ટરસાહેબના પુત્રનું માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે એકાદ કલાક પહેલાં જ મૃત્યુ થયું હોવાથી તેઓ તેમની અંતિમયાત્રામાં જઈ રહ્યા હતા. આપ જાણો છો તેમ શહેરના સામા છેડે આવેલા સ્મશાનગૃહમાં તેમની દફનવિધિ કરવાની હોવાથી તેઓ લગભગ શહેરના સામે છેડે પહોંચી ગયા હતા, તેમ છતા મારો પેજર પર તેમને સંદેશ મળતા તેઓ ત્યાંથી દોડતા હૉસ્પિટલ આવી પહોંચ્યા અને તમારા બાળકની જિંદગી બચાવી. હવે તમે જ કહો તેને બેજવાબદાર ડૉક્ટર શી રીતે કહી શકાય?
ઘણી વખત આપણે આપણું દુઃખ અન્યના દુઃખથી પહાડ સમું સમજી લઈ અન્યના દુઃખને નજરઅંદાજ કરવા લાગીએ છીએ અને તેના જ કારણે આપણે ખરી હકીકત જાણી કે સમજી શકતા નથી. પોતાનો પુત્ર ગુમાવનાર ડૉક્ટર અન્યના પુત્રની જિંદગી બચાવવા દફનવિધિનો કાર્યક્રમ મુલતવી રાખી તેને અટકાવી પોતાની સાચી સંવેદનાને કારણે ઑપરેશન કરવા માટે પહોંચી જાય તે જ તેની સાચી માનવતા છે’ તેમ કહી નર્સે ગુસ્સે થયેલા ધૂંઆપૂંઆ બાળકના પિતા સામે જોઈ કહ્યું કે, ‘અમારા મુખ્ય સર્જનસાહેબ સ્મશાને જવા ઉતાવળા હતા તેથી તમારા પ્રશ્નોના જવાબ આપવા ઊભા રહી શક્યા નહીં’ તેમણે વધુ માહિતી માટે તમને મારો સંપર્ક કરવા એટલા માટે કહ્યું કે તેઓ પોતે કરેલા ઉપકાર વિશે તમને કશું કહેવા માંગતા ન હતા.’
દુનિયામાં એવા ઘણા પ્રસંગો બનતા હશે કે આપણે પણ પેલા મહાશયની જેમ અન્યના કાર્યને મૂલવવા કે સમજવાને બદલે તેના પર દોષારોપણ કરવા લાગીએ છીએ. તેમ કરી જગતમાં જ્યાં સુધી આપણે અન્યની વ્યથાને જાણ્યા વિના પોતાના પરિશ્રમને ચડિયાતો માની પોતાની જાતને સર્વેસર્વા સમજતા રહેશું ત્યાં સુધી સંવેદનાની સરિતાના નીર વહેતા હોવા છતાં તે પખાળી શકીશું નહીં.

Previous articleગારિયાધાર પો.સ્ટે.નાં છેતરપીંડીનાં ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે