સીએમ વિજયરૂપાણીના હસ્તે ૬૬૬ કરોડના વિકાસ કાર્યોનો ઈ-લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયુ

754

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વર્તમાન સરકારના સફળ સુશાસનના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરમાં શિક્ષણ અને મહિલા બાળ વિકાસ વિભાગના વિવિધ ૧૯૦૬ લોકાર્પણ અને ૩૬૩૨ ખાતમુહૂર્ત મળી રૂ. ૬૬૬ કરોડના કામોની ભેટ રાજયના વિદ્યાર્થી-શિક્ષણ જગતને ધરી છે.

મુખ્યમંત્રીએ આજે એકસાથે ઈ-તકતી અનાવરણ દ્વારા પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીના ૫૧૭૯ વર્ગખંડો ૯ પોલિટેકનિક ભવનો અને ૩૫૦ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યાં હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, મહિલા બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને રાજયમંત્રી વિભાવરીબહેન દવે આ વેળાએ જોડાયા હતા.

રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ વિવિધ જિલ્લા-તાલુકામાં આ વિકાસ અવસરમાં જનસહયોગના સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં આહવાન કર્યું કે, નવનિર્મિત વર્ગખંડો-ભવનોમાં સ્વચ્છતા જળવાય અને શાળા સંકુલ પણ મંદિર જેટલું જ પવિત્ર રહે તે દરેક વિદ્યાર્થી-વાલીનું દાયિત્વ બની રહેવું જોઈએ.

શિક્ષણને વિકાસની આધારશિલા ગણતા તેમની સરકારે સંપૂર્ણ સંવેદના અને પારદર્શિતા સાથે વર્ગખંડો, શાળા, આંગણવાડી સહિતના કામો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત થાય તેને અહેમિયત આપી છે. પ્રજાના એક-એક પૈસાનો સદુપયોગ થાય તેવી પારદર્શી અને ભ્રષ્ટાચારરહિત સિસ્ટમ વિકસાવી છે.

અગાઉની કોંગ્રેસી સરકારોમાં વિકાસ કામો ટલ્લે ચઢી જતા અને સમયમર્યાદામાં પૂરા ન થતા એટલે મૂળ યોજના કરતા પાંચ છ ગણો ખર્ચ વધી જતો. ‘અમે સમયાવધિમાં કામ પૂર્ણ થાય એટલું જ નહીં ગુણવત્તાસભર થાય અને કયાંય કોઈ ગેરરીતિ ન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકતાના આધાર ઉપર રાજયનું સેવાદાયિત્વ સંભાળ્યું છે’ એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ૨૧ જિલ્લાના લાભાર્થી વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે સંવાદ સાધતા કહ્યું કે, હવે સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે તેવું શ્રેષ્ઠ અને સુવિધાસભર શિક્ષણ ગુજરાતે આપ્યું છે.

ગુજરાતને સુશાસનક્ષેત્રે દેશનું રોલમોડેલ બનાવવાની નેમ વ્યક્ત કરતાં કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય, બાળવિકાસ સહિતના સર્વાંગી રીતે વિકાસ કરીને ગુજરાતમાં શાસન વ્યવસ્થા તેમજ સમાજ વ્યવસ્થા વચ્ચે સુશાસનની દિશા પ્રસ્થાપિત કરી છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકારે લોકો માટે એકલ-દોકલ છુટક વિકાસના કામો નહીં, હોલસેલ વિકાસના કામો કરવામાં માને છે. આજનો પ્રસંગ તેનો સાક્ષી છે કારણ કે, આજે મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૬૬૬ કરોડના ૫,૫૩૮ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો આપણે એક સાથે ૨૧ જિલ્લામાં ટેકનોલોજીના માધ્યમથી સાકાર કરી રહ્યાં છીએ.

અમે તો પ્રજાએ જે કરવેરાના પૈસા ભર્યાં છે તેના ટ્રસ્ટી છીએ અને એ નાણા કયાં વપરાય છે તેની દેખરેખ રાખીએ છીએ. આજનો કાર્યક્રમ સ્વયં દર્શાવી આપે છે કે, શિક્ષણ જેવા મહત્વના કાર્યો માટે સરકાર માતબર રકમ પારદર્શિતાથી ખર્ચે છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આજનો કાર્યક્રમ સ્વ. અટલજીના જન્મદિવસ સુશાસન દિવસે યોજાયો છે ત્યારે સુશાસન કોને કહેવાય તે બાબત આ કાર્યક્રમ જ દર્શાવી આપે છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોલેજથી માંડીને આંગણવાડી સુધીના સ્તરે રાજય સરકારે માળખાકીય સુવિધાઓ ઉભી કરીને શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવ્યું છે જે આવનારી પેઢીના ઘડતરમાં સૌથી મહત્વરૂપ સાબિત થશે. તેમણે હજારોની સંખ્યાના કરોડોની કિંમતના વિકાસ કામો એક સાથે પ્રજાને અર્પવા બદલ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો હતો.

રાજ્યના શિક્ષણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગના પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણના રૂ.૬૬૬ કરોડના વિવિધ પ્રોજેક્ટના ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આદરણીય સ્વ. અટલજીના જન્મદિવસને આપણે સુશાસન દિવસ તરીકે મનાવીએ છીએ, એટલું જ નહીં આ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે ત્યારે આજનો દિવસ પ્રત્યેક ગુજરાતીઓ માટે પ્રેરક દિવસ છે કારણકે, આજે શિક્ષણ વિભાગના ૫૫૦૦થી વધુ વિકાસકામો-ખાતમુહૂર્ત આપણે ટેકનોલોજીના માધ્યમથી સંપન્ન કરી શકયા છીએ.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈની લીટી નાની કરીને નહીં પરંતુ રાજય સરકારની લીટી મોટી કરીને શિક્ષણને સંક્ષમ બનાવી સ્પર્ધા કરવી છે અને રૂ.૬૬૬ કરોડના આ માળખાકીય કામો શિક્ષણને ગુણવત્તાલક્ષી બનાવવામાં મદદરૂપ બનશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે કેડી કંડારી છે તેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સબળ નેતૃત્વની સરકારે વિકાસનો ધોરીમાર્ગ બનાવી દીધો છે. શિક્ષણમંત્રીએ ઈનોવેટિવ વિચારો માટે વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવી રૂ.૬૬૬ કરોડના પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા જે ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે, તેવું સૌ મહાનુભાવોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું. આ કાર્યક્રમથી સ્પષ્ટ થાય છે કે, આ રાજય સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શિક્ષણને વધુમાં વધુ મહત્વ આપે છે.

આ પ્રસંગે રાજયભરના ૨૧ જિલ્લાઓમાં જયાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા ત્યાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અને ૧.૧૫ લાખથી વધુ નાગરિકોએ ૧૫૫૦ બાયસેગ કેન્દ્રના માધ્યમથી જોડાઈને ઉપસ્થિતિ નોંધાવી હતી અને મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ ડિજીટલી સંવાદ પણ ઉપસ્થિત ગામલોકો-શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપરાંત અગ્રણીઓ અને મહાનુભાવો સાથે કર્યો હતો. કાર્યક્રમના અંતે શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબહેન દવેએ આભારદર્શન કર્યું હતું.

Previous articleદહેગામ, બાયડ હાઇ-વે પર વાહને ટક્કર મારતા બાઇકચાલકનું મોત
Next articleરાજયભરમાં નાતાલ પર્વની ઉજવણી