મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં શ્રી ગોઝારિયા કેળવણી મંડળનો અષ્ટ દશાબ્દી મહોત્સવ યોજાયો

824

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, કોઇ પણ રાષ્ટ્ર-રાજ્યનો વિકાસ શિક્ષણ વિના શકય નથી. આજના હરિફાઇ-સ્પર્ધાના યુગમાં હરેક ક્ષેત્રે શિક્ષણની આવશ્યકતા છે ત્યારે યુવાશકિત શિક્ષણ દ્વારા સ્વાવલંબનથી સમાજ-રાષ્ટ્ર-રાજ્યના સર્વગ્રાહી ઉત્કર્ષમાં સહભાગી બને તે સમયની માંગ છે.

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટ દશાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી ગોઝારીયા કેળવણી મંડળ છેલ્લા ૮૦ વર્ષથી શિક્ષણની જ્યોત જલાવી રહી છે. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા ૮૧માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અષ્ટ દશાબ્દી મહોત્સવ  યોજાઇ રહ્યો છે. વિવિધ શૈક્ષણિક એકમોની માતૃ સંસ્થાએ તેના વિકાસના ૮૦ વર્ષ પુર્ણ કર્યા છે તે અંતર્ગત અષ્ટ દશાબ્દી મહોત્સવનો પ્રારંભ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગોઝારીયા ખાતે અનેકવિધ સામાજિક, શૈક્ષણિક એકમો શરૂ કરી સરસ્વતીની સરવાણી  આ મંડળે વહેતી કરી છે. સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ યુવાનો પોતાના સમાજ માટે આ પ્રકારે યોગદાન આપે તે માટે અનુરોધ કરતાં તેમણે ઉમેર્યુ કે ગોઝારીયા કેળવણી મંડળમાં દાતાઓ જે દાન આપ્યું છે તે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

સમાજ, રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે રૂ.૨૭૦૦૦ કરોડનું બજેટ ફાળવેલ છે. શિક્ષણમાં સમયની સાથે શિક્ષણકાર્ય થવુ જરૂરી છે. ટેકનોલોજી અને અદ્યતન શિક્ષણ રોજગારીનું સર્જન કરે છે, તેવો મત તેમણે દર્શાવ્યો હતો.

રાજ્ય સરકારે શિક્ષણને હમેશાં પ્રાધાન્ય આપ્યું છે. તાજેતરમાં રૂ.૬૬૬ કરોડના ખર્ચે ૫૦૦૦ વર્ગખંડોનું લોકાર્પણ કરેલ છે. બાળકોને શિક્ષણની ટેકનોલોજીના માધ્યમ થી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું. સંપત્તિનો ઉપયોગ શિક્ષણ કાર્યમાં કરી દાતાઓએ સંપત્તિનો સદઉપયોગ કર્યો છે. સમાજના કલ્યાણ માટે આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ કન્યા કેળવણીનું વિશેષ કાર્ય કરી રહી છે. યુવાનોને શિક્ષણ મેળવી સ્વથી ઉપર ઉઠી પરનો વિચાર કરી સમાજના કલ્યાણ માટે અર્પણ-તર્પણ કરી પ્રેરણાસ્ત્રોત બનવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઇ રહી છે. શિક્ષણની જ્યોત જલાવી કેળવણી મંડળ આસપાસના વિસ્તારો માટે શિક્ષણનું ધામ બની છે. રાજ્ય સરકારે શિક્ષણની સતત ચિંતા કરી છે. ગુણોત્સવ, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો થકી શિક્ષણમાં વિશેષ કામ થઇ રહ્યું છે.

Previous articleથર્ડ એમ્પાયરના રૂમમાં ઘૂસીને પાક કોચે હંગામો કરતા દંડ ફટકારાયો
Next article૬.૨ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર