ધાનેરા ટીડીઓ પર તલાટી સહિત ત્રણ શખસોનો અડધી રાતે હૂમલો

700

ધાનેરા તાલુકાના સામરવાડા ગામની પડતર જમીન તલાટીએ ગામતળમાં બતાવી સને ૨૦૧૩માં કોઈપણ પ્રક્રિયા કર્યા વગર એક પરિવારના ઈસમને રહેણાંક માટે ફાળવી દેવાયા હતા. જે બાબતની ટીડીઓ દ્વારા તપાસ કરી તલાટી વિરુધ્ધ ઉચ્ચ લેવલ અહેવાલ મોકલાવતા ગત રાત્રી દરમિયાન તલાટી સહિત ત્રણ શખસોએ છરો, લાકડીઓ સાથે હૂમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં તલાટી સામે ફરિયાદ નોંધાવા પામી છે.

ધાનેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મોસમસિંહ ભગવતસિંહ રાવ તેમના તાબાના સામરવાડા ગામની સરકારી પડતર જમીન ગામતળમાં બતાવી તલાટીએ એક જ ઈસમ માળી પરિવારને સને ૨૦૧૩માં કોઈપણ પ્રક્રિયા કર્યા વગર ૧૧ પ્લોટ જાહેર હરાજીથી આપી દીધા હતા.

જેથી તલાટી જગદીશભાઈ સી. બારોટની નિયમ વિરુધ્ધ હરાજી કરી પ્લોટ ફાળવણી બંધ કરાવવા ટીડીઓ દ્વારા ચાલતી તપાસ બંધ કરાવવા વારંવાર ધમકીઓ આપતા હતા. જેમાં ગુરુવારની મધ્યરાત્રીે તલાટી જગદીશભાઈ સહિત ત્રણ શખસો છરો, લાકડીઓ સાથે ટીડીઓના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ ઘરની અંદર શોધખોળ કરી ફાઈલો તથા ગાદલા  રફેદફે કરી ટેબલ પર  પડેલ રૃા. ૫૫૬૦ લઈ જતા રહ્યા હતા. આ બાબતે ટીડીઓએ નગરપાલિકા પ્રમુખનો સંપર્ક સાધી ધાનેરા પોલીસ સ્ટેશને તલાટી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તલાટી મંડળના પ્રમુખ જબરસિંહ રાજપુતનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે આ કૃત્ય તમામ તલાટી મંડળ માટે ખરાબ છે. જેથી હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. તલાટીનો સંપર્ક સાધવા પ્રયત્ન કરેલ પરંતુ ફોન રીસીવ થયો ન હતો.

Previous articleખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે ડુંગળી-લસણ-બટાકાના ભાવ
Next articleસેકટર-૨૬ના મકાનમાંથી ૩.૬૦ લાખના દાગીનાની ચોરી