અમારૂ ધ્યાન પ્રદર્શન પર, ભારત વિરુદ્ધ રેકોર્ડ બચાવવા પર નહિઃ પેન

743

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું કે, તેની ટીમ ભારત વિરુદ્ધ પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવવાની આશંકાથી પરેશાન નથી અને અહીં ચોથી ટેસ્ટમાં તેનું ધ્યાન ટક્કર આપવા પર હશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી પરંતુ હાલની સિરીઝમાં પ્રવાસી ટીમ ૨-૧થી આગળ છે અને ઈતિહાસ રચવા માટે ગુરૂવારથી શરૂ થઈ રહેલા ટેસ્ટમાં વિરાટની ટીમને યજમાન વિરુદ્ધ માત્ર ડ્રોની જરૂર છે. પેને મેચ પૂર્વે પત્રકાર પરિષદમાં સ્વીકાર કર્યો, મારૂ ધ્યાન તેના પર છે કે, અમે અમારા પ્રદર્શનમાં સુધારો કરીએ અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ. અમે ગમે તે ટેસ્ટ રમ્યા તેમાં જીતવા ઈચ્છતા હતા. ક્યારેક-ક્યારેક આમ કરવું સંભવ થતું નથી. અમે અત્યારે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ વિરુદ્ધ રમી રહ્યાં છીએ જે સારૂ પ્રદર્શન કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાએ મોલબોર્નમાં ત્રીજી ટેસ્ટમાં ૧૩૭ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું, મેં સિરીઝ ગુમાવવા વિશે વધુ વિચાર્યું નથી. અલગ-અલગ ખેલાડીઓ પ્રેરણા માટે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરે છે. મારી પ્રેરણા તે નક્કી કરવાની છે કે, અમારા પ્રદર્શનમાં સુધારો થાય, અમે ટક્કર આપી શકીએ. પેને કહ્યું કે, ઓસ્ટ્રેલિયાનો અનુભવ વગરનો બેટિંગ ક્રમ મેલબોર્નમાં નિષ્ફળ રહ્યો પરંતુ ધીરે ધીરે ખેલાડીઓ ભૂલમાંથી શીખી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાનો કોઈપણ બેટ્‌સમેન આ સિરીઝમાં સદી ફટકારી શક્યો નથી અને કેપ્ટનને આશા છે કે અંતિમ મેચમાં ટીમ તેની ભરપાઈ કરશે.

Previous articleઓસ્ટ્રેલિયામાં ૧૧ ખેલાડીઓ નહીં, ૪૦ હજાર લોકો સામે રમવાનું હોય છેઃ કોહલી
Next articleરાફેલ ડીલ પર કૉંગ્રેસનો ઑડિયો બોમ્બઃ ‘ફાઇલો પર્રિકરના બેડરૂમમાં’