શ્રીલંકા ઉપર ન્યુઝીલેન્ડની ૪૫ રને જીત

658

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની આજે પ્રથમ ડેનાઇટ વનડે મેચ રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકા ઉપર ૪૫ રને જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડના ઓપનિંગ બેટ્‌સમેન માર્ટિન ગુપ્ટિલે ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૧૩૮ રન ફટકાર્યા હતા જ્યારે વિલિયમસને ૭૬ અને ટેલરે ૩૭ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. નિશામે નિર્ણાયક ઓવરમાં ૧૩ બોલમાં અણનમ ૪૭ રન બનાવ્યા હતા જેમાં છ છગ્ગાનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૭૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમે પણ લડાયક બેટિંગ કરી હતી અને ૩૨૬ રન બનાવ્યા હતા. એક જ દિવસમાં આ વનડે મેચમાં ૬૮૭ રન બન્યા હતા. રનોનો વરસાદ થયો હતો. શ્રીલંકા તરફથી ટોપ ઓર્ડરના બેટ્‌સમેનોએ ધરખમ બેટિંગ કરી હતી. ડિકવિલ્લાએ ઓપનિંગમાં આવીને ૫૦ બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૭૬ રન કર્યા હતા જ્યારે ગુનાથિરકેએ ૪૩ રન કર્યા હતા.

પરેરાએ ૮૬ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૨ રન બનાવ્યા હતા. જો કે, ત્યારબાદ શ્રીલંકાનો જોરદાર ધબડકો થયો હતો. ત્રીજી વિકેટ ૧૭૮ રને પડી હતી. આ રન શ્રીલંકાએ ૨૬ ઓવરમાં જ બનાવી લીધા હતા પરંતુ ત્યારબાદ નિયમિત ગાળામાં શ્રીલંકાએ એક પછી એક વિકેટો ગુમાવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી આ મેચમાં તમામ બેટ્‌સમેનોએ જોરદાર બેટિંગ કરી હતી. શ્રીલંકા તરફથી સાત બોલરોએ બોલિંગ કરી હતી. માલિંગા ફ્લોપ પુરવાર થયો હતો. માલિંગાએ ૧૦ ઓવરમાં ૭૮ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ટીમમાં તેનો ફરી સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ન્યુઝીલેન્ડના બોલરો પણ આ મેચમાં શ્રીલંકાના બેટ્‌સમેનોને સસ્તામાં પેવેલિયન ભેગા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બોલ્ટે ૬૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ત્રણ મેચોની શ્રેણીમાં ન્યુઝીલેન્ડે હવે ૧-૦ની લીડ મેળવી લીધી છે.

 

Previous articleસિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતના ચાર વિકેટે ૩૦૩
Next articleAMCએ જાહેરમાં યુરિન કરતા ૯૬ લોકોને અને ગંદકી કરતા ૨૯૩ એકમોને દંડ કર્યો