વિધાનસભા ખાતે અધિકારીઓ-કર્મચારીઓ માટે મોટિવેશનલ પ્રવચન કાર્યક્રમ યોજાયો

656

કર્મયોગીઓને વધુને વધુ કાર્યક્ષમ અને ઊર્જાવાન બનાવવા આધ્યાત્મિક પ્રેરણાદાયી પ્રવચનો ખૂબ જરૂરી છે તેમ, આજે વિધાનસભા ખાતે વિખ્યાત મનોચિકિત્સક ડૉ. શ્રુતિબેન શાહના પ્રવચન કાર્યક્રમનું ઉદઘાટન કરતા ગુજરાત વિધાનસભ્યના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

અધ્યક્ષે કહ્યું હતું કે, ભારત પાસે વિવિધ ધર્મોની મહામૂલી આધ્યાત્મ મૂડી છે જેના પરિણામે પશ્ચિમના દેશો આધ્યાત્મના જ્ઞાન માટે આપણી પાસે આવે છે. ભારત પાસે શાસ્ત્ર, સંસ્કાર અને સંસ્કૃતિનો ભવ્ય વારસો છે, જેમાં જીવન જીવવાનો મર્મ જાણવા અને અનુભવવા મળે છે. આપણામાં રહેલી શક્તિઓને ઊજાગર કરવા આ પ્રકારના આધ્યાત્મિક મોટિવેશન પ્રવચનો ખૂબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી આજે યોગ વૈશ્વિકસ્તરે પ્રસ્થાપિત થયો છે જેનો મહત્તમ લોકો લાભ લઇને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.

વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો અને કર્મયોગીઓ માટે સમયાંતરે આ પ્રકારના વિવિધ પ્રેરણાદાયી વર્કશોપ-સેમિનાર યોજવામાં આવે છે, જેનાથી જીવનમાં નવીન ઊર્જા, સ્ફુર્તિનો સંચાર થાય છે તેમ પણ અધ્યક્ષે ઉમેર્યું હતું.

વિખ્યાત મનોચિકિત્સક ડૉ. શ્રુતિબેન શાહે એક દિવસીય કાર્યક્રમમાં તમે અને તમારા પૂર્વજન્મના રહસ્યો, અર્ધજાગૃત અને તમારી શક્તિઓ તેમજ વાસ્તુશાસ્ત્ર ઉપર પોતાના અદભુત વિચારો, પ્રવચન રજૂ કરીને ઉપસ્થિત કર્મયોગીઓમાં નવીન ઊર્જા અને વિશ્વાસનો સંચાર કર્યો હતો.

વિધાનસભાના નાયબ સચિવ રિટા મહેતાએ યોજાનાર વિવિધ પ્રવચન વિષે વિસ્તૃત માહિતી આપીને તાલીમ બ્યુરોની કામગીરીની વિગતો આપી હતી. ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરોના ઉપક્રમે યોજાયેલા આ પ્રવચન કાર્યક્રમમાં વિધાન સભાના સચિવ ડી.એમ. પટેલ, તાલીમ બ્યુરોના ડાયરેક્ટર અને નાયબ સચિવ મુકેશ મહેતા સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ પ્રવચનોનો લાભ લીધો હતો.

Previous articleમોખાસણમાં સ્વામીનારાયણ મંદીર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
Next articleનાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંપન્ન