મહાત્મા મંદિર બાદ સીકસ લેન બનાવવા મોટા પાયે વૃક્ષોનું નિકંદન

832

ચિલોડા સરખેજ હાઇવેને સીક્સ લેન બનાવવાની કિંમત ઘટાટોપ વૃક્ષો કાપીને ચુકવાઇ રહી છે. આ એવા વૃક્ષો છેકે, જેના કારણે ગાંધીનગર પંથકને ગ્રીનસિટીનું બીરૂદ મળ્યુ છે.

ચિલોડાથી સાબરમતી નદીના પુલ સીધીના ડાબી સાઇડના અંદાજીત ૧૫૦૦ જેટલા વૃક્ષોનો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે. આ વૃક્ષો રિ-ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે તેવા હતા. પરંતુ તંત્રે તેને અન્યત્ર ખસેડવાના બદલે કાપી  નાખવાનું વધુ  મુનાસીબ માન્યુ છે. એક તરફ પર્યાવરણ અને વૃક્ષોને બચાવવા માટે વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવી રહ્યો છે ત્યારે બીજીતરફ જે કુદરતી રીતે વૃક્ષો ઉછર્યા છે તેને અન્યત્ર રિટ્રાન્સપ્લાન્ટ કરવાના બદલે કુહાડા ઝીંકાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચિલોડાથી સરખેજ સુધી આગામી દિવસોમાં સિક્સલેન રોડ બનાવવાનું આયોજન છે. આ માટે રસ્તાની બંને સાઇડ આવેલા વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવશે. ચિલોડાથી છેક, વૈષ્ણોદેવી સુધી રોડની બંને સાઇડ ઘટાટોપ વૃક્ષો આવેલા છે.

રસ્તો પહોળો કરવા માટે તંત્ર દ્વારા આ વૃક્ષોનો ભોગ લેવાઇ રહ્યો છે. જેનો પ્રારંભ ચિલોડાથી થઇ ગયો છે. તાજેતરમાં ચિલોડા સર્કલથી ગાંધીનગર તરફ આવતા ડાબી સાઇડના વૃક્ષો કાપવાનું શરૂ કરવામાં આવ્યુ છે. તંત્રના દાવા પ્રમાણે રસ્તાને પહોળો કરવા માટે વૃક્ષો કાપવા ફરજિયાત હતા. એટલેકે, વિકાસ અને સુવિધા જોઇતી હશે તો તેની સાથે પર્યાવરણનો ભોગ પણ આપવો પડશે તેવા મંત્ર સાથે તંત્ર એકપછી એક ઘટાટોપ વૃક્ષો પર કુહાડા મારી રહ્યુ છે.

અત્યાર સુધીમાં ચિલોડા સર્કલથી સાબરમતી નદી સુધીના એક તરફના વૃક્ષોનો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે. જે વૃક્ષો કપાયા છે તેમાં મોટાભાગના લીમડાના ઘટાટોપ વૃક્ષો છે. આ વૃક્ષોને થડ પાસેથી કાપી નાખવામાં આવી રહ્યા છે. આ માટે કટર મશીનો સાથે મજુરો રાતદિવસ કામ કરી રહ્યા છે.

જોકે, વિકાસના નામે પર્યાવરણનો સોથ બોલાવવામાં માહેર તંત્ર આ ઘટાટોપ વૃક્ષોને રિ-ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શક્યુ હોત. અગાઉ આ મામલે હોબાળો થયા બાદ અને ચિપકો આંદોલનની ચીમકી આપવામાં આવ્યા બાદ તંત્ર થોડા સમય માટે કુણું પડયુ હતું અને વૃક્ષોના રિટ્રાન્સપ્લાન્ટની વિચારણા કરવામાં આવશે તેવી વાતો વહેતી કરવામાં આવી હતી. પરંતુ જ્યારે હકીકતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વૃક્ષોની રિટ્રાન્સપ્લાન્ટની વાત જ જાણે હવામાં ઓગળી ગઇ હોય તેમ જણાઇ રહ્યુ છે. અત્યાર સુધીમાં એકપણ વૃક્ષ રિટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ નથી અને તેનો પ્રયાસ પણ થયો નથી. વૃક્ષો ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની ઓળખ છે.

ગ્રીનસિટીનું બિરૂદ આ ઘટાટોપ વૃક્ષોના કારણે જ મળ્યુ છે. પરંતુ તેને બચાવવામાં જાણે કોઇને રસ જ ન હોય તેમ જણાઇ રહ્યુ છે. આગામી દિવસોમાં વૃક્ષોનું કટિંગ જ રોડ થઇ ઇન્ફોસિટી અડાલજ અને વૈષ્ણોદેવી સુધી હાથધરવામાં આવશે.

Previous articleસમિટ દરેક રાજ્યમાં રોકાણ માટેનું મંચ બને તેવા એંધાણ
Next articleગાંધીનગરમાં પહેલીવાર સ્મશાનમાં ગવાયુ રાષ્ટ્રગીત