ગાંધીનગરમાં પહેલીવાર સ્મશાનમાં ગવાયુ રાષ્ટ્રગીત

650

વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા ગામના સ્મશાનમાં પહેલીવાર સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે વાવોલ ગ્રામ પંચાયતના જે સફાઈ કર્મચારીઓ સ્મશાન ખાતે સફાઈ કામની સેવા આપે છે તેમનું પુષ્પગુચ્છ આપી તેમની સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પહેલીવાર વાવોલના સ્મશાનમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.

ગાધીનગરના વાવોલ ખાતે રવિવારની સવારે અજબ દ્રશ્ય જોવા મળ્યું હતું. વાવોલના નવ વિકસિત સોસાયટી વિસ્તારની અનેક સોસાયટીના દરવાજા બહારના ભાગે સોસાયટીના જ રહીશો સફાઈ કામ કરી રહ્યા હતા. આ સફાઈ કામ પત્યા પછી આવું દ્રશ્ય વાવોલ ગામના સ્મશાને પણ જોવા મળ્યું જ્યાં સોસાયટીઓના રહીશો સાથે મળીને સફાઈ કામ કરવા લાગ્યા હતા અને જોત જોતામાં તેમણે સમગ્ર સ્મશાન સંકૂલને તદ્દન સ્વચ્છ કરી દીધું હતું. વાવોલ વિસ્તાર વિકાસ સમિતિના નેજા હેઠળ આયોજિત આ સ્વચ્છતા અભિયાનના કારણે આ દ્રશ્યો સર્જાયા હતા.

ગત રવિવારે સવારે દરેક સોસાયટીઓના રહીશો દ્વારા પોતાની સોસાયટીની બહારની જાહેર જગ્યાએ ગંદકી ના રહે તે હેતુથી સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સફાઈ કામ પત્યા બાદ ૧૧ કલાકે સોસાયટીના રહીશોએ વાવોલ ગામના સ્મશાન સંકુલને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું હતું અને ગણતરીના સમયમાં સંપૂર્ણ સ્મશાન સંકુલને ચોખ્ખુંચણાક કરી દીધું હતું. આ પ્રસંગે વાવોલ ગામના સરપંચ નગીનભઇ નાડીયા તથા ગામના અગ્રણી અમરસિંહ ગોલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમહાત્મા મંદિર બાદ સીકસ લેન બનાવવા મોટા પાયે વૃક્ષોનું નિકંદન
Next articleવાયબ્રન્ટ ગુજરાત ર૦૧૯ ને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ