શિક્ષણપ્રેમી દાતા પરિવારો દ્વારા વિવિધ શાળાઓમાં સાધનો અપાયા

807

શિક્ષણપ્રેમી દાતા પરિવારો દ્વારા ભાવનગર જિલ્લાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં બાળકો અને શિક્ષણમાં ઉપયોગી વસ્તુઓ-સાધનો ભેટ આપ્યા છે. જેમાં પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામની શાળામાં એક સાથે ૭૦૦ બાળકો બેસી શકે તેવો સુરજબા પ્રાર્થના હોલ સ્મિતાબેન એ. શાહ, દિપીકાબેન સતિષભાઈ શાહ તથા હર્ષાબેન યોગેશભાઈ શાહના સંપૂર્ણ સહયોગથી બનાવી આપવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત આ દાતાઓ દ્વારા તળાજા તાલુકાના ચુડી ગામે કોમ્પ્યુટર, રમતગમતના સાધનો, પંખા, ચણીયાચોળીની જોડીઓ, માઈક સેટ પણ અન્ય શાળાઓમાં ભેટ આપવામાં આવ્યા છે.

ઉપરાંત નિર્મળાબેન શાંતિલાલ શાહ-મહુવા તાલુકાના દુધેરી ગામની શાળામાં રમત-ગમતના સાધનો પુરા પાડવામાં આવ્યા છે તેમજ આ પરિવારના રીટાબેન મિલનભાઈ શાહ તરફથી એલઈડી ટીવી સેટ, કબાટ, ખુરશીઓ, પ્રિન્ટર, માઈક સેટ સહિતની કિંમતી વસ્તુઓ ભેટ આપવામાં આવી છે. મુંબઈ સ્થિત અન્ય શિક્ષણપ્રેમી દાતા જયાબેન પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ પરિવાર તરફથી સ્પિકર પેટીઓ, રમતગમતના સાધનો, તળાજા તાલુકાના દેવલી ગામે કબાટ અને રમતગમતના સાધનો તેમજ અન્ય શાળાઓ માટે સીપીયુ, ગ્રીન બોર્ડ, માઈક સેટ, પ્રોજેક્ટર અને રમતગમતના સાધનો પુરા પાડવામાં આવ્યા છે તેમજ પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ-ભાવનગરના ઈન્દુબેન બિપીનભાઈ શાહ, હિમાંશુભાઈ અને બિમલભાઈ શાહ, રાજપરા, કરમદીયા, જય સોમનાથ શાળા, ઉ.બુ વિદ્યાલય ઠાડચ, જુના પાદર, નવા લોઈચડાની શાળાઓને ગ્રીન બોર્ડ ફાળવી આપ્યા છે. જ્યારે ડુંગરપુર, મોટી પાણીયાળી વાડી, ઠાડચ, સીઆરસી મોટી પાણીયાળીને કબાટની ભેટ આપવામાં આવી હતી. સવિતાબેન નાગરદાસ શાહ-મુંબઈ દ્વારા એલઈડી ટીવી તથા માઈક સેટ, હેમલતાબેન રજનીભાઈ શાહ પરિવારના ડો.ધ્વનિબેન મિતેષભાઈ શાહ દ્વારા પાંચ કોમ્પ્યુટર સેટ, પંખા, માઈક્રોફોન જેવી ઉપયોગી વસ્તુઓ વિવિધ શાળાઓને ભેટ આપી છે. તેમણે નાની રાજસ્થળી ગામે પીવાના પાણીનું પરબ પણ બંધાવી આપ્યું છે તેમજ મુંબઈ સ્થિત નવનીતભાઈ પરમાણંદભાઈ વોરા દ્વારા ટેબલ તેમજ ૩ સાઈકલ ભેટ આપી હતી. કાંતાબેન મનસુખલાલ ગાંધી દ્વારા ખુરશીઓ અને માઈક સેટની ભેટ અન્ય શાળાઓને મળી છે. જયાબેન શામળદાસ વોરા તરફથી માઈકસેટ, અજીતભાઈ ચીમનલાલ શાહ તરફથી પણ ટેબલ અને ખુરશીઓ, જસવંતીબેન જમનાદાસ મહુવાવાળા તરફથી ગોપનાથ મા. શાળાને કબાટ અને મનિષાબેન ધીરજલાલ શાહે મોટી રાજસ્થળી શાળાને માઈક સેટ ભેટ આપ્યા છે.

આ સમગ્ર સેવા કાર્ય અને શિક્ષણ ઉપયોગી ભેટ વસ્તુઓ માટે દાતાઓને પ્રેરણા પુરી પાડનાર સુશિલાબેન પરમાણંદ શાહ-મુંબઈવાળાએ પણ વિવિધ શાળાઓમાં કબાટ, ખુરશીઓ, રંગમંચ, હિચકા-લપસણી, સંગીતના સાધનો, રમતગમતના સાધનો, ડ્રેસ તેમજ હંસાબેન મહેન્દ્રભાઈ દલીચંદ શાહ (ટીટબીટ મસાલાવાળા) પરિવારના પરિતાબેન દોશી, સિધ્ધીબેન અને કૃપાબેનની સખાવતથી શાળાના વિદ્યાર્થીઓને દફતર કીટ ફાળવવામાં આવી છે સાથોસાથ બાલીકાઓના ડ્રેસ તથા નવા રેડીમેઈડ કપડા પણ મોટા પ્રમાણમાં વિવિધ શાળામાં બાળકોને પુરા પાડવામાં આવ્યા છે. સાત હજાર જેટલી બોલપેનનું પણ મુંબઈ સ્થિત દાતા રેખાબેન મહેન્દ્રભાઈ મહેતા અને પ્રિયાબેન ગૌરાંગભાઈ મહેતા દ્વારા ફાળવવામાં આવી છે. વતનપ્રેમી અને શિક્ષણપ્રેમી પરમાણંદ અમૃતલાલ શાહ ભદ્રાવળવાળાની પ્રેરણા અને માર્ગદર્શનથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર જિલ્લાની ૭૦ જેટલી શાળાઓને જરૂરીયાતની કિંમતી વસ્તુઓ પુરી પાડવામાં આવી હતી. આ સદ્દકાર્યની ગ્રામ્ય પંથકમાં સરાહના થઈ રહી છે.

Previous articleસવર્ણો માટે ૧૦% અનામતને કેબિનેટની લીલીઝંડી
Next articleવલ્લભીપુર આંતર કે.વ. શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ