ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વનડે સીરીઝમાં જસપ્રીત બુમરાહનાં સ્થાને સિરાજ અને કૌલનો સમાવેશ

872

ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ભારતની ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેનું સ્થાન મોહમ્મદ સિરાજ લેશે. જ્યારે સિદ્ધાર્થ કૌલને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ટી-૨૦ સીરીઝમાં બુમરાહના સ્થાને સામેલ કરવામાં આવશે.

મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધી માત્ર ત્રણ ટી-૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૪૯.૩૩ની સરેરાશથી ત્રણ વિકેટ ઝડપી છે. શક્ય છે કે તેને વનડે ડેબ્યૂ કરવાની તક મળે. બીજી તરફ, સિદ્ધાર્થે ત્રણ વનડે અને બે ટીમ રમી છે.

આપને જણાવી દઈએ કે બુમરાહે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ૧૭ની સરેરાશથી ૨૧ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તે આ સીરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર ૧ રહ્યો. જોકે, નાથન લોયને પણ ૨૧ વિકેટ ઝડપી, પરંતુ તેની સરેરાશ ૩૦.૪૨ રહી. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાના કોચ તથા કેપ્ટન ઉપરાંત દરેકે ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક જીતમાં ચેતેશ્વર પૂજારા અને બુમરાહની ભૂમિકાના વખાણ કર્યા. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારતના તમામ દિગ્ગજોએ બુમરાહને આવનારા સમયનો મહાન બોલર કરાર કર્યો.

ટીમ ઈન્ડિયા માટે બુમરાહે અત્યાર સુધી ૪૪ વનડે મેચોમાં ૨૧.૦૧ની સરેરાશથી ૭૮ વિકેટ તો ૪૦ ટી૨૦માં ૨૦.૪૭ની સરેરાશથી ૪૮ શિકાર કર્યા છે. તે ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર છે.

Previous articleઆઈસીસી રેન્કિંગઃ પૂજારા ટોપ ત્રણમાં, રીષભ પંતે કરી ભારતીય રેકોર્ડની બરોબરી
Next articleટેસ્ટ સિરીઝ જીતવા પર BCCI આપશે ભારતીય ટીમને ઈનામ