રાષ્ટ્રવ્યાપી હડતાળથી ઘણી જરૂરી સેવા ઠપ્પ થઇ : લોકો ભારે પરેશાન

558

જુદા જુદા ટ્રેડ યુનિયનો, ખેડુતો અને ટિચર્સ એસોસિએશન તેમજ અન્ય એસોસિએશન સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ વર્કરો વિવિધ માગને લઇને આજથી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળના કારણે અનેક જરૂરી સેવા ખોરવાઈ ગઈ હતી. બેંકિંગ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ટેલિકોમ, હેલ્થકેર, ઇલેક્ટ્રીસિટી, ઇન્સ્યોરન્સ અને પરિવહન જેવા ક્ષેત્રોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા જેના ભાગરુપે રેલ રોકો અને માર્ગ રોકો કાર્યક્રમ યોજાયા હતા. જુદા જુદા મુદ્દાઓને લઇને મોદી સરકારની નિષ્ફળતા સામે આ આયોજન કરવામાં આવ્યા હતા. આમા ટ્રેડ ઉપરાંત લેબર અને અન્ય પણ જોડાયા હતા.  સવારથી હડતાળ શરૂ થતા તમામ સેવા પર માઠી અસર થઇ હતી.

જો કે બંધની કેટલીક જગ્યાએ નહીંવત અસર દેખાઇ રહી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં રેલવે અને રસ્તા રોકો આંદોલન યોજીને સેવા ખોરવી નાંખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હડતાળમાં કોઇ એક મુદ્દા નથી. જુદા જુદા સંગઠનો જુદી જુદી માંગ સાથે હડતાળમાં ઉતર્યા છે. ટ્રેડ યુનિયનો શ્રમને લઇને નવા કાયદા, પગારમાં વધારા, બઢતિની માંગ કરી રહ્યા છે. જ્યારે અન્યો ઉંચા એમએસપીની માંગ કરી રહ્યા છે.  સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે, આશરે ૨૦ કરોડ વર્કરો આ બે દિવસની હડતાળમાં સામેલ થયા છે.  એક પક્ષીય શ્રમ સુધારા અને વર્કર વિરોધી નીતિઓના પરિણામ સ્વરુપે આ હડતાળ કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે હાથ મિલાવ્યા બાદ આજે સવારે હડતાળની શરૂઆત થઇ હતી. ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે.  હડતાળમાં ૨૦ કરોડ લોકો સામેલ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  ફોર્મલ અને ઇનફોર્મલ સેક્ટરમાં સૌથી વધુ સંખ્યામાં વર્કરો આ હડતાળમાં સામેલ થયા છે. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે.  ૧૦ સીટીયુની સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા એઆઈટીયુસીના જનરલ સેક્રેટરી અમરજીત કૌરે માહિતી આપતા કહ્યું હતું કે, ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરો પણ આ હડતાળને ટેકો આપી ચુક્યા છે. જેથી તેમની સાથે જોડાયેલા વર્કરો અને કર્મચારીઓ હડતાળમાં સામેલ થઇ ગયા છે. મંડી હાઉસથી લઇને નવી દિલ્હીમાં સંસદ સુધી  આવતીકાલે બુધવારના દિવસે કુચ કરવામાં આવશે. દેશભરમાં આવા જ દેખાવ કરવામાં આવી રહ્યા છે. કૌરે કહ્યું હતું કે, સીટીયુ દ્વારા એક પક્ષીય શ્રમ સુધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રમ સુધારાના સંદર્ભમાં અમે શ્રેણીબદ્ધ સૂચન કરી ચુક્યા છે પરંતુ ચર્ચા દરમિયાન ટ્રેડ યુનિયનોની માંગને ફગાવી દેવામાં આવી હતી. બીજી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પણ અમે હડતાળ ઉપર ગયા હતા. અમે ૯-૧૧ નવેમ્બરના દિવસે પણ મહાપડાવનો કાર્યક્રમ યોજી ચુક્યા છે પરંતુ સરકારે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી.નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરે ચર્ચા માટે ક્યારે પણ યુનિયનોને બોલાવ્યા નથી જેથી હડતાળ ઉપર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ રહ્યા નથી. સંયુક્ત નિવેદનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકારે વર્કરોની માંગણી તરફ ધ્યાન આપ્યું નથી. જિદ્દી વલણ અપનાવ્યું છે જેના પરિણામ સ્વરુપે નોકરી કરતા લોકોના જીવન ધોરણ સામે અનેક પ્રકારની હડચણો આવી છે. ડાબેરી પક્ષો દ્વારા પણ હડતાળમાં સામેલ થવાની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કિસાન સભા, આદિવાસી અદિકાર રાષ્ટ્રીય મંચ, ભૂમિ અધિકાર આંદોલન દ્વારા પર હડતાળમાં સામેલ થવાની પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી છે.  યુનિયનોનો આરો છે કે ટ્રેડ યુનિયનો સાથે વાતચીત કરીને તેમને વિશ્વાસમાં લીધા વગર શ્રમ કાયદાને બદલી નાંખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નિર્ણયને લઇને પણ નારાજગી પ્રવર્તે છે.

Previous articleજમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, ૧ આતંકવાદી ઠાર મરાયો
Next articleઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ : જનજીવન પર અસર