કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર  કામ નહિં કરનારને પાણીચું અપાશે

0
634

નેતાઓની નારાજગી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં હોદ્દેદારોની બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગ્રેસનાં નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં નારાજ નેતાઓ પણ હાજર રહ્યાં અને ઘણી લાંબી ચર્ચા ચાલી.

અંતે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો કે, આગામી લોકસભાની ચૂંટણી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જ લડવામાં આવશે. તો પ્રદેશ કોંગ્રેસનાં સંગઠનનું પુનઃગઠન પણ કરવામાં આવશે અને કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી મુક્ત કરાશે. તો આગામી સંગઠનમાં નવી નિમણૂંક કરવાનાં પણ સહ પ્રભારીએ સંકેત આપ્યાં છે.

લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે આગામી તૈયારીઓ શરુ કરી દીધી છે. દિલ્હીમાં પ્રદેશ અધ્યક્ષની હાઇકમાન્ડ સાથે બેઠકો જયારે પ્રદેશનાં હોદ્દેદ્દારોની પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક બોલાવીને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષે જાહેરાત પણ કરી દીધી છે કે કેટલાંક ઉમેદવારોને પહેલેથી જ લોકસભા માટે જાણ કરવામાં આવશે, જયારે સર્વસંમતિ સાધવામાં ના આવી હોય ત્યાં જાન્યુઆરીનાં અંત સુધીમાં પેનલ તૈયાર કરી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.

લોકસભા ચૂંટણીઓની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે કોંગ્રેસે અત્યારથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ તૈયાર છે. લોકસભા ચૂંટણીને લઇ બોલાવવામાં આવેલ બેઠકમાં રીવ્યુ લેવાયો કે બુથ મેનેજમેન્ટ માટે બનાવવામાં આવેલ જનમિત્ર અને કાર્યકર્તાઓને એકમંચ પર લાવતો શક્તિ પ્રોજેક્ટની સ્થિતિ શું છે!

અત્યાર સુધી ચૂંટણી મેનેજમેન્ટમાં કોંગ્રેસ કરતા ભાજપ ચડિયાતું સાબિત થતું આવ્યું છે ત્યારે કોંગ્રેસે લોકસભા માટે ખાસ તૈયારીઓ કરી છે. જે મુજબ પેજ પ્રભારી અને તમામ બુથ માટે જનમિત્રની નિમણૂંક કરી દેવાઈ છે.

એટલે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ પર સૌથી વધારે ધ્યાન આપશે. આ સાથે જ રાહુલ ગાંધીને ગુજરાતમાં વધારેમાં વધારે પ્રચાર કરવા માટે પણ વિનંતી કરવામાં આવી હોવાનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું છે.

બેઠકો બોલાવીને કોંગ્રેસે લોકસભા માટે તૈયારીઓ તો શરુ કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ સાથે એક સમસ્યા હંમેશા હોય છે કે ઉમેદવાર કોને બનાવવા! આ ચૂંટણીમાં કોંગ્રેસ એ વ્યૂહ અપનાવવા જઈ રહ્યું છે કે અંદાજિત ૧૦ બેઠકો પર ઉમેદવારોને તૈયારીઓ શરુ કરી દેવા જણાવી દેવામાં આવે.

જેનાં માટેની કેટલીક બેઠકો પર સર્વસંમતિ સધાઈ રહી છે. તો જાન્યુઆરીનાં અંત સુધીમાં ચૂંટણી સમિતિ ઉમેદવારની પેનલો તૈયાર કરીને મોકલી આપશે. જેમાં લોકસભા બેઠકમાં સ્વીકૃતિ ધરાવણાટ ધારાસભ્યોને પણ ચાન્સ આપવામાં આવશે.

હાલમાં ગુજરાતમાંથી કોંગ્રેસ પાસે લોકસભાની એક પણ બેઠક નથી. જો કે ૨૦૧૪ અને ૨૦૧૯ની રાજકીય પરિસ્થિતિઓ અનેક ઘણી બદલાઈ છે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં પોતાને બીજેપી સમકક્ષ જોઈ રહી છે. દાવાઓ એવાં પણ કરવામાં આવી રહ્યાં છે કે બીજેપી કરતાં વધારે બેઠકો કોંગ્રેસ જીતશે અને એટલે જ હાલ કોંગ્રેસમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here