રાષ્ટ્રપતિ કોવિંદે આપી ૧૦ ટકા અનામત બિલને મંજુરી

604

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સામાન્ય વર્ગમાં આર્થિક રીતે નબળા લોકો માટે ૧૦ ટકાના અનામદને આજે લીલી ઝંડી આપી દીધી હતી. આની સાથે જ છેલ્લી વૈધાનિક પ્રક્રિયા પણ પરિપૂર્ણ થઈ હતી. હવે ૧૦ ટકા અનામત બિલ કાયદો બની ગયો છે. સંસદે બુધવારના દિવસે બંધારણીય સુધારા બિલને બહુમતી સાથે મંજુરી આપી હતી. આમાં નોકરી અને શિક્ષણમાં જનરલ કેટેગરીને ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આ ક્વોટા એસસી, એસટી અને અન્ય પછાત જાતિઓને આપવામાં આવેલા ૫૦ ટકા અનામત કરતા અલગ છે. ૫૦ ટકા અનામત સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. કેટલાક વિરોધ પક્ષના સભ્યોએ આ બિલના સમયને લઈને શંકા ઉઠાવી હતી અને સુપ્રિમ કોર્ટના ચુકાદાના અનુસંધાનમાં પ્રશ્નો કર્યા હતા પરંતુ હવે આ તમામનો અંત આવી ગયો છે. લોકસભા ચુંટણીના ચાર મહિના પહેલા જ આ બિલ આવ્યું હતું. ભાજપની મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હાર થયા બાદ ભાજપે આક્રમક રમત રમીને અનામત બિલ રજુ કર્યું હતું. બંધારણમાં ખુબ મહત્વપૂર્ણ સુધારાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. નવમી જાન્યુઆરીના દિવસે મોડી રાત્રે રાજ્યસભામાં બંધારણીય સુધારા બિલને લીલી ઝંડી આપવામાં આવી હતી. તે પહેલા રાજ્યસભામાં ઉગ્ર ગરમા ગરમ ચર્ચા ચાલી હતી. લોકસભામાં બિલને પાસ કરવામાં આવ્યાના એક દિવસ બાદ રાજ્યસભામાં ગરીબ સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જોગવાઇ ધરાવતુ બંધારણીય સુધારા બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ.

ભારે ધાંધલ ધમાલ વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મોડી રાત્રે આ બિલને મંજુરી આપવામાં આવી હતી. તે પહેલા કેન્દ્રિ કેબિનેટે ગયા સોમવારના દિવસે ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી. ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી.કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી.

Previous articleગડકરીએ કહ્યું સપા-બસપા અવસરવાદ અને વિરોધાભાસનું ગઠબંધન
Next articleઉ.પ્રદેશમાં બસપા-સપાનો  સાથે ચુંટણી લડવા નિર્ણય