ભાનુશાળીની હત્યા બાદ હવે પરિજનને સુરક્ષા પુરી પડાઈ

912

જ્યંતિ ભાનુશાળી હત્યા બાદ પરિવારના સભ્યોને પણ જાનનો ખતરો હોવાની વિગત સપાટી ઉપર આવ્યા બાદ હવે પરિવારના સભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હત્યાના મામલામાં એસઆઈટી વધુ કેટલાક ખુસાલા કરી શકે છે. પોલીસ સમક્ષ પરિવારના સભ્યોએ સુરક્ષા આપવાની માંગ કરી હતી. પરિવારના સભ્યોને ફોન પર સતત ધમકી મળી રહી હતી. હત્યાના મામલામાં અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. ધમકીના સંદર્ભમાં ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.  ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી મનીષા ગોસ્વામી સાથે થયેલા સમાધાનમાં છેલ્લો ૫૦ લાખનો હપ્તો નહી ચૂકવાતાં ભાનુશાળીની હત્યા કરાઇ હોવાની આવેલી નવી થિયરીને પગલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ હવે મનીષાના અમદાવાદ, કચ્છ સહિતના સ્થળોના વિવિધ સંપર્કોની તપાસ મોટાપાયે શરૂ કરી છે.

પોલીસે મનીષા ગોસ્વામીની આ હત્યા કેસના શાર્પશૂટર શેખર મારૂ અને સુરજીત ભાઉ સાથે થયેલી વાતચીતની ઓડિયો કોલ ડિટેઇલ્સ પણ તપાસી રહી છે કે જેના મારફતે કોઇ મહત્વની કડી હાથ લાગી જાય. પોલીસે અત્યારસુધીમાં ૨૫થી વધુ લોકો કે જેઓ આ કેસમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા હોય તેઓની તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. ટૂંક સમયમાં જ સમગ્ર હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શકયતા સેવાઇ રહી છે.  ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુુશાળી હત્યા કેસમાં પોલીસે તાજેતરમાં બે શાર્પ શૂટર શેખર મારૂ, સુરજીત ભાઉની ધરપકડ કરાયા બાદ ગઇ મોડી રાત્રે મનીષા ગોસ્વામીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ સિવાય પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લેતાં આ સમગ્ર હત્યા પ્રકરણમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઇ છે. બીજીબાજુ, જયંતિ ભાનુશાળીની હત્યા બાદ હવે તેમના પરિવારજનોને ગંભીર ધમકીઓ મળી છે. ખાસ કરીને મુંબઇથી કોઇ અજાણી વ્યક્તિ દ્વારા ફોન પર મારી નાંખવાની ધમકીઓ મળતાં પરિવારજનો આજે બપોરે પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ કેસમાં ફરિયાદી બનનાર સુનીલ ભાનુશાળી સહિતના પરિવારજનોએ લેખિત અરજી કરી પોલીસ સુરક્ષા માંગતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. માંગ કરવામાં આવ્યા બાદ હવે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરમ્યાન પોલીસ તપાસમાં આવી રહેલી નવી થિયરી મુજબ, મનીષા સાથે સમાધાન બાદ જયંતિ ભાનુશાલી નક્કી થયેલી રકમ આપવાનો ઈનકાર કરી દેતા મનીષા દ્વારા આ હત્યાને અંજામ અપાયો હોય એવું બની શકે તેવી પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી એક એવી પણ ચર્ચા છે કે,  મનીષા સાથે સતત રહેતા સુરજીત-શેખર પણ ભાનુશાળીના પરિચિત હોવાને કારણે સુરજીત દ્વારા પુનાથી શૂટરો મંગાવવામાં આવ્યા હતા અને તેઓ ગોળી મારી ફરાર થઈ ગયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જો કે, પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી તમામ પાસાઓ પર ખરાઇ શરૂ કરી છે અને કેસનું સત્ય બહાર લાવવાના ચક્રો યુધ્ધના ધોરણે ગતિમાન કર્યા છે. તો એક ચર્ચા એવી પણ છે કે, પોલીસ માટે હાલમાં સૌથી વધુ ચિંતાનો વિષય હત્યારાને પકડવાનો નથી, પરંતુ ભાનુશાળી પાસે રહેલી સેક્સ વીડિયો છે. કારણ કે વીડિયો જાહેર થઈ જાય તો ગુજરાત અને દેશના અનેક નેતાઓની જિંદગી બરબાદ થઈ શકે તેમ છે. તમામ જે ભૂતકાળમાં ભાનુશાળીની મહેમાનગતિ માણી ચૂક્યા છે તેમના આ વીડિયો હોવાની ચર્ચા છે, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Previous articleજજને પોતાના ન્યાય માટે આમરણ ઉપવાસ પર ઉતરવું પડ્યું
Next articleગુજરાતમાં ૧૦ ટકા અનામત આજથી અમલી