બિલોદરાની સીમમાં ચંદનના લાકડાંની ચોરી વધતા ખેડૂતોને થતાં રાત ઉજાગરા

1005

માણસા પાસેનું બિલોદરા ગામ સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીલીના વન તરીકે પ્રચલિત છે. આ સાથે ખેડૂતો દ્વારા અહીં ચંદનનું પણ મોટાપાયે વાવેતરમાં કરવામાં આવ્યું છે. ત્યારે ચંદનની તસ્કરી કરતા કેટલાક તત્વો રાત્રી દરમિયાન આધુનિક મશીન લઈ આવી આવા વૃક્ષો કાપી જતા હોવાની રાવ ઉઠી છે. જેને પગલે જિલ્લા કોંગ્રેસના એક આગેવાન દ્વારા આ બાબતે માણસા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

માણસા તાલુકાના બિલોદરા ગામના ખેડૂતો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં સારી કિંમત ધરાવતા ચંદનના વૃક્ષોની ખેતી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં અહીં ચંદનના વૃક્ષો વવાતા અહીં છેલ્લા એક અઠવાડિયાથી ચંદન ચોર ટોળકીનો ત્રાસ વધી ગયો છે અને તેઓ દ્વારા રાત્રીના સમયે ઈલેક્ટ્રીક અને હથિયારો સાથે ત્રાટકી અત્યાર સુધીમાં આવા ૭૦થી વધુ ચંદનના વૃક્ષો કાપી લાકડાં ચોરી ગયા હોવાની રાવ ઉઠી છે.

આવી ટોળકીનો સામનો કરવા સામાન્ય ખેડૂત સક્ષમ ન હોવાથી ખેડૂતોમાં પણ ભયની લાગણી જોવા મળી રહી છે ત્યારે આવા વૃક્ષો ન કપાય અને આ ચંદન ચોર ટોળકી ને ઝડપી લેવાની સાથે સ્થાનિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારે થાય તેવી માગણી સાથે ગાંધીનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબા ચાવડા દ્વારા માણસા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

Previous articleરાજ્યભરમાં આજે ચારે બાજુ કાપ્યો-લપેટની ધૂમ
Next articleસુઘડનો ૨૪ વર્ષિય યુવાન સ્વાઇનફલૂ સંકજામાં સપડાયો